Honeymoon પર ખુલ્યું પતિનું રહસ્ય, નવી નવેલી દુલ્હને કર્યો કોર્ટમાં કેસ

Ahmedabad Crime News: શહેરના સાબરમતી વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક માર્કેટિંગ મેનેજર તરીકે કાર્યરત મહિલાએ તેના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ શારીરિક-માનસિક ઉત્પીડન અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. લગ્ન બાદ હનીમૂન પર ગયેલી પત્નીને જ્યારે પતિએ પોતાની સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન વિશે સત્ય જણાવ્યું, ત્યારે મહિલાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
લગ્ન સમયે જ દહેજની ભૂખ સામે આવી
મૂળ રાજસ્થાનની અને હાલ અમદાવાદમાં રહેતી 34 વર્ષીય શિલ્પા (નામ બદલ્યું છે) ના લગ્ન દોઢ વર્ષ પહેલા હરિયાણાના વિજય સાથે થયા હતા. શિલ્પાના પિતાએ દેવું કરીને ₹25 લાખ લગ્નમાં ખર્ચ્યા હતા અને ₹30 લાખના દાગીના આપ્યા હતા. જોકે, વિદાય સમયે જ સાસરી પક્ષે ₹50 લાખની વધારાની માંગણી કરીને પુત્રીને સાસરે ન લઈ જવાની ધમકી આપી હતી. પિતાના આશ્વાસન બાદ શિલ્પા સાસરે ગઈ હતી.
હનીમૂન પર ખુલી પતિની પોલ
લગ્ન બાદ પતિ વિજય નોકરીનું બહાનું કાઢીને શિલ્પાથી અંતર જાળવતો હતો. જ્યારે બંને હનીમૂન માટે વિયેતનામ ગયા, ત્યારે વિજયે સ્વીકાર્યું કે તે ‘એસેક્સ્યુઅલ’ (Asexual) છે, એટલે કે તે કોઈના પણ પ્રત્યે જાતીય આકર્ષણ અનુભવતો નથી. તેણે એ પણ કબૂલાત કરી કે નાના ભાઈના લગ્ન થઈ શકે તે માટે તેણે પરિવારના દબાણમાં આવીને આ લગ્ન કર્યા હતા.
સારવારના નામે વધુ ₹20 લાખની માંગ
આ સત્ય સામે આવ્યા બાદ શિલ્પાનું જીવન નર્ક સમાન બની ગયું હતું. પતિ તેની સાથે મારપીટ કરતો અને સાસરિયાઓ સતત દહેજ માટે દબાણ કરતા હતા. શિલ્પા પિયર પરત આવી ત્યારે પણ સાસરિયાઓએ પીછો છોડ્યો નહોતો અને પતિની સારવાર કરાવવાના બહાને વધુ ₹20 લાખની માંગણી કરી હતી. માંગ પૂરી ન થતા સાસરી પક્ષે તમામ સંપર્ક કાપી નાખ્યા હતા.
સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
છેલ્લા એક વર્ષથી માનસિક તણાવ વેઠી રહેલી પીડિતાએ આખરે હિંમત ભેગી કરી સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ નબરંગપુરમાં કાળજું કંપાવતી ઘટના: તળાવમાં ડૂબી જવાથી ત્રણ વિદ્યાર્થિનીઓના મોત
આ પણ વાંચોઃ Gujarat Local Body Election 2026:રાજ્ય ચૂંટણી આયોગ સજ્જ 34 સિનિયર IAS અધિકારીઓને નિરીક્ષક તરીકેની જવાબદારી
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












