Gujarat Local Body Election 2026:રાજ્ય ચૂંટણી આયોગ સજ્જ 34 સિનિયર IAS અધિકારીઓને નિરીક્ષક તરીકેની જવાબદારી

Gujarat Local Body Election 2026: ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીઓ માટેનો ગરમાવો તેજ બન્યો છે. લોકશાહીના આ પર્વને વધુ પારદર્શક, નિષ્પક્ષ અને મુક્ત વાતાવરણમાં યોજવા માટે રાજ્ય ચૂંટણી આયોગે કમર કસી છે. ચૂંટણી પ્રક્રિયા પર બાજ નજર રાખવા માટે આયોગ દ્વારા રાજ્યના 34 જેટલા ઉચ્ચ વહીવટી અધિકારીઓને વિવિધ જિલ્લાઓમાં ‘ચૂંટણી નિરીક્ષક’ (Election Observers) તરીકે નિયુક્ત કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સિનિયર IAS અધિકારીઓને મહત્વના શહેરોની જવાબદારી
રાજ્ય ચૂંટણી આયોગના સચિવ આર. જી. ગોહિલ દ્વારા સત્તાવાર હુકમ બહાર પાડીને નિરીક્ષકોની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં રાજ્યના અનુભવી સિનિયર IAS અધિકારીઓનો સમાવેશ થાય છે. મુખ્ય શહેરોની જવાબદારી સોંપતા આયોગે જણાવ્યું છે કે:
-
અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકા અને સમગ્ર જિલ્લાની દેખરેખ અવંતીકા સિંઘ ઔલખ સંભાળશે.
-
સુરત: દક્ષિણ ગુજરાતના મુખ્ય મથક સુરત માટે ડૉ. વિનોદ રાવની નિમણૂક કરવામાં આવી છે.
-
વડોદરા: સાંસ્કારિક નગરી વડોદરાની ચૂંટણી પ્રક્રિયા પર લોચન સેહરા નજર રાખશે.
-
રાજકોટ: સૌરાષ્ટ્રના હબ ગણાતા રાજકોટ માટે આલોક કુમાર પાંડેને જવાબદારી સોંપાઈ છે.
-
ભાવનગર અને બોટાદ: આ બંને જિલ્લાઓ માટે કુ. આર્દ્રા અગ્રવાલ નિરીક્ષક તરીકે ફરજ બજાવશે.
નિરીક્ષકોની સત્તા અને જવાબદારીઓ
ચૂંટણી નિરીક્ષકો માત્ર નામ પૂરતા નહીં, પરંતુ મેદાન પર ઉતરીને કામગીરી કરશે. તેઓને સોંપવામાં આવેલી મુખ્ય જવાબદારીઓ નીચે મુજબ છે:
-
આચાર સંહિતાનું પાલન: ચૂંટણીની જાહેરાત સાથે જ લાગુ પડતી આદર્શ આચાર સંહિતાનો ભંગ ન થાય તે જોવાની જવાબદારી આ અધિકારીઓની રહેશે.
-
મતદાન મથકોનું નિરીક્ષણ: નિરીક્ષકો ગમે ત્યારે મતદાન મથકોની મુલાકાત લઈ શકશે અને ત્યાંની વ્યવસ્થાઓની સમીક્ષા કરશે.
-
ખર્ચ પર નિયંત્રણ: ચૂંટણી લડતા ઉમેદવારોના ખર્ચના રજિસ્ટરની તેઓ તપાસ કરશે, જેથી નાણાકીય ગેરરીતિ અટકાવી શકાય.
-
EVM અને તાલીમ: મતદાનમાં વપરાનારા EVM મશીનો અને મતદાન કર્મચારીઓની તાલીમનું પણ તેઓ વ્યક્તિગત નિરીક્ષણ કરશે.
-
કાયદો અને વ્યવસ્થા: ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના ન બને અને મતદાન પ્રક્રિયા દૂષિત ન થાય તે માટે તેઓ પોલીસ વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં રહેશે.
બે તબક્કામાં અહેવાલ રજૂ કરવાના રહેશે
આયોગના કડક વલણ મુજબ, નિયુક્ત કરાયેલા તમામ 34 નિરીક્ષકોએ બે મહત્વના અહેવાલ સબમિટ કરવાના રહેશે. પ્રથમ અહેવાલ મતદાનના દિવસ સુધીની પ્રક્રિયા અંગેનો હશે, જ્યારે બીજો અહેવાલ મતગણતરી પૂર્ણ થયા બાદ રજૂ કરવાનો રહેશે. આ રિપોર્ટ્સના આધારે આયોગ ચૂંટણીની શુદ્ધતાનું મૂલ્યાંકન કરશે.












