ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: નવરંગપુરાના સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બ હોવાની ધમકી, તંત્ર દોડતું થયું, તપાસ શરૂ

Ahmedabad Sports Club Bomb Threat: અમદાવાદ શહેરના પોશ વિસ્તાર ગણાતા નવરંગપુરામાં આવેલી પ્રતિષ્ઠિત સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બ હોવાનો ધમકીભર્યો મેસેજ મળતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. સરદાર પટેલ સ્ટેડિયમ નજીક આવેલી આ ક્લબને ઉડાવી દેવાની ધમકી મળતા જ વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સ્થાનિક નવરંગપુરા પોલીસનો મોટો કાફલો તાત્કાલિક અસરથી સ્થળ પર રવાના થઈ ગયો હતો અને સમગ્ર ક્લબ પરિસરને ખાલી કરાવીને સુરક્ષા લોખંડી કરી દેવામાં આવી છે.

પોલીસ સ્ટેશનમાં લેટર દ્વારા મળી ધમકી

મળતી માહિતી મુજબ, નારણપુરા પોલીસ સ્ટેશનની હદમાં અને નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ પાસે આ પ્રખ્યાત સ્પોર્ટ્સ ક્લબ આવેલું છે. પોલીસ તંત્રને એક અજાણ્યા લેટર (પત્ર) દ્વારા ક્લબમાં બોમ્બ હોવા અંગેની ચોંકાવનારી જાણ થઈ હતી. પત્ર મળતા જ પોલીસ ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સર્ચ ઓપરેશન

ધમકીના પગલે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના કે જાનહાનિ ટાળવા માટે તમામ કટોકટીની સેવાઓને એલર્ટ કરી દેવામાં આવી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડની ટીમો ગણતરીની મિનિટોમાં જ સ્પોર્ટ્સ ક્લબ ખાતે પહોંચી ગઈ હતી. કોઈપણ આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા માટે ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ઘટનાસ્થળે તૈનાત કરી દેવામાં આવી છે.

હાલ સુરક્ષા એજન્સીઓ દ્વારા મેટલ ડિટેક્ટર, સ્નિફર ડોગ્સ અને આધુનિક સાધનોની મદદથી સ્પોર્ટ્સ ક્લબના ખૂણે-ખૂણાની સઘન તપાસ (સર્ચ ઓપરેશન) કરવામાં આવી રહી છે.

કોઈની મજાક છે કે મોટું ષડયંત્ર? તપાસ શરૂ

આ ધમકીભર્યો પત્ર કોઈ અસામાજિક તત્ત્વની નકામી મજાક કે અફવા છે કે પછી તેની પાછળ કોઈ મોટું ગુનાહિત ષડયંત્ર છુપાયેલું છે, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજની મદદથી ધમકીભર્યો લેટર મોકલનાર અજ્ઞાત વ્યક્તિની ભાળ મેળવવા માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Health Tips : થાક લાગવા છતાં ઊંઘ નથી આવતી? જાણો કારણ

આ પણ વાંચોઃ UP : યુપીમાં મોટું ઓપરેશન, ISI સાથે જોડાયેલા શંકાસ્પદની ધરપકડ

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button