ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ: ઘરમાં PG ચલાવતા હોય તો જાણો ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

  • PGની મિલકત સીલ કરવામાં આવતાં મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો
  • રહેણાંકની જગ્યામાં મંજૂરી વગર પેઇંગ ગેસ્ટ(પીજી) સર્વિસ ચલાવી શકાય નહી
  • ગેરકાયદે પીજીને લઇ પોલીસમાં ફરિયાદ-અરજી પણ કરવામાં આવી હતી

ગુજરાતના મોટા શહેરોમાં બહારગામથી અભ્યાસ કે નોકરી અર્થે આવતાં વિદ્યાર્થીઓ તેમ જ અન્ય લોકોને ઓછા ખર્ચે રહેવા અને જમવા સહિતની પેઇંગ ગેસ્ટ સુવિધાઓ હાલ ખૂબ જ પ્રચલિત છે. આ પ્રકારની પીજી સુવિધા રહેણાંક એપોર્ટમેન્ટ, ફલેટ કે બંગલોની સ્કીમમાં ચલાવવામાં આવે છે, ઘણીવાર ન્યુસન્સના બનાવો પણ બનતા હોય છે અને તેના કારણે આડોશ પાડોશના લોકોને તણાવ-ઘર્ષણની પરિસ્થિતિ પણ સર્જાતી હોય છે. ઘણીવાર તો મામલો પોલીસ સ્ટેશનો સુધી પહોંચતો હોય છે. ત્યારે અમદાવાદના શિવરંજની વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં ચાલતા PGની મિલકત સીલ કરવામાં આવતાં મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો.

જાણો હાઇકોર્ટે શું કહ્યું?

ગુજરાત હાઇકોર્ટે એક મહત્વના આદેશ મારફતે ઠરાવ્યુ હતું કે, રહેણાંકની જગ્યામાં મંજૂરી વગર પેઇંગ ગેસ્ટ(પીજી) સર્વિસ ચલાવી શકાય નહી. અમદાવાદ શહેર સહિત રાજયભરમાં પેઇંગ ગેસ્ટ સર્વિસની સિસ્ટમ અને તેના કારણે આડોશ પાડોશમાં તેમ જ સ્થાનિક લોકોમાં સર્જાતા ઘર્ષણ જેવા પાસાઓ ઘ્યાને લઇ હાઇકોર્ટે આ હુકમ કર્યો હતો. જસ્ટિસ મોના એમ.ભટ્ટે રાજયભરમાં પેઇંગ ગેસ્ટ અને હોમ સ્ટેની પોલિસી બાબતે બહોળો પ્રચાર કરવા પણ રાજય સરકાર અને અમદાવાદ મ્યુનિસિલપલ કોર્પોરેશન સહિતના અધિકારીઓને હુકમ કર્યો હતો કે જેથી પ્રજાને આ મુદ્દા વિશે વધુ ખ્યાલ આવી શકે.

પીજીની સર્વિસ ચલાવવાની મંજૂરી આપી શકાય નહી

અમદાવાદ શહેરમાં ફલેટમાં ચાલતા પીજી સીલ કરવામાં આવતાં મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો, જેની સુનાવણીમાં હાઇકોકોર્ટે આ હુકમ કર્યો હતો. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, રહેણાંકની જગ્યાઓ ઉપર આ પ્રકારે પીજીની સર્વિસ ચલાવવાની મંજૂરી આપી શકાય નહી. હાઇકોર્ટ સમક્ષ આવેલા આ કેસમાં શહેરના શિવરંજની ક્રોસ રોડ નજીક સ્કાયલાર્ક એપાર્ટમેન્ટમાં બે રહેણાંક ફલેટ અરજદારે પીજી તરીકે ભાડે આપ્યા હતા, જેમાં આઠ લોકોને રહેવાની સુવિધા ફાળવાઇ હતી. જો કે, સોસાયટી મેનેજમેન્ટે તેનો વાંધો ઉઠાવ્યો હતો અને મિલકત ખાલી કરાવવા બાબતે નોટિસ પણ જારી કરી હતી. બાદમાં ગેરકાયદે પીજીને લઇ પોલીસમાં ફરિયાદ-અરજી પણ કરવામાં આવી હતી. જો કે, પોલીસ દ્વારા કોઇ જ કાર્યવાહી નહી થતાં સોસાયટી તરફથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં અમ્યુકો સત્તાધીશોએ મકાનમાલિક અને ભાડુઆત(પીજીમાં રહેતા લોકોને) બંનેને નોટિસ આપી જવાબ માંગ્યો હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા NDRF સજ્જ, વિવિધ શહેરોમાં ટીમ તૈનાત કરાઇ

Back to top button