અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં આવતીકાલથી મનમોહક ફ્લાવર શોની મજા માણી શકશો, જાણો ટિકિટ સહિતની સમગ્ર માહિતી

અમદાવાદ, 31 ડિસેમ્બર 2025: અમદાવાદમાં આવતી કાલથી સવારથી સાબરમતી રિવરફ્રન્ટ પર ભવ્ય ઇન્ટરનેશનલ ફ્લાવર શૉનું આયોજન કરવામાં આવ્યું છે. 1 જાન્યુઆરીના રોજ સવારે 9 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ મહોત્સવનું ઉદ્ઘાટન થશે, જે 25 જાન્યુઆરી સુધી ચાલશે. આ વખતે ફ્લાવર શૉ સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ કાંઠે સરદાર બ્રિજથી સ્વામી વિવેકાનંદ બ્રિજની વચ્ચે આવેલા ઇવેન્ટ સેન્ટર અને ફ્લાવર ગાર્ડનમાં કુલ 73,000 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં પથરાયેલો છે.

અવનવા ફુલો જોવા મળશે

આ વર્ષની વિશેષતા એ છે કે સમગ્ર આયોજન ‘ભારત એક ગાથા’ થીમ પર આધારિત છે, જેમાં ભારતની સંસ્કૃતિ, પરંપરા અને આધુનિક સિદ્ધિઓની ઝલક જોવા મળશે. પ્રદર્શનમાં 167થી વધુ અદ્ભુત સ્કલ્પચર્સ અને 48થી વધુ પ્રજાતિના અંદાજે 10 લાખથી વધુ ફૂલ-છોડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

અમદાવાદમાં મનમોહક આયોજન

  • જગ્યા: સરદારબ્રીજથી એલિસબ્રીજની વચ્ચે પશ્ચિમબાજુએ સાબરમતી રિવરફ્રન્ટમાં ઇવેન્ટ સેન્ટર અને ફ્લાવર ગાર્ડનમાં
  • વિસ્તાર: ટોટલ 73000 સ્કે.મીટર એરિયાની અંદર ફ્લાવર શૉનું આયોજન
  • થીમ: આ વખતનું ફ્લાવર શૉનું શીર્ષક છે ભારત એક ગાથા
  • તારીખ: 1થી 25 જાન્યુઆરી સુધી
  • સમય: સવારે 9:00 વાગ્યાથી રાત્રે 10:00 વાગ્યા સુધી
  • 167થી વધુ સ્કલ્પચર્સ: દિવાળીની ઝલક, ગરબાની થીમનું ખાસ ધ્યાન (બંનેને ઇન્ટેન્જીબલ હેરિટેજ તરીકે યુનેસ્કોમાં માન્યતા પ્રાપ્ત છે)
  • 10 લાખથી વધુ ફૂલછોડ: કુલ 48 પ્રકારના અલગ અલગ ફ્લાવરની જાતનો ઉપયોગ, ભારતીય વાતાવરણ અનુકૂળ આવે તેનું ખાસ ધ્યાન
  • મેન પાવર: સ્કલ્પચરની એજન્સી, સફાઈ કર્મચારી, ઈલેક્ટ્રિક વિભાગ, પાણી વિભાગ મળીને ચાર હજારની વધુ કારીગરો/મજૂરની મહેનત
  • સુરક્ષા: લોકોની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા અને રિયલ ટાઇમ ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમ હશે.

ટિકિટના ભાવને લઈને ખાસ ચર્ચા

મુલાકાતીઓની સુવિધા માટે એએમસી દ્વારા ટિકિટિંગ અને ક્રાઉડ મેનેજમેન્ટની આધુનિક વ્યવસ્થા કરવામાં આવી છે. સોમવારથી શુક્રવાર દરમિયાન ટિકિટનો દર 80 રૂપિયા અને શનિ-રવિ કે જાહેર રજાના દિવસે 100 રૂપિયા રાખવામાં આવ્યો છે. 12 વર્ષથી નીચેના બાળકો, એએમસી સ્કૂલના વિદ્યાર્થીઓ, દિવ્યાંગો, સૈનિકો અને પત્રકારો માટે પ્રવેશ તદ્દન નિશુલ્ક છે, જ્યારે અન્ય શાળાના બાળકો માટે સવારના સમયે માત્ર 10 રૂપિયા ફી રાખવામાં આવી છે. શાંતિથી નિહાળવા માંગતા લોકો માટે 500 રૂપિયાની ટિકિટ સાથે ‘પ્રાઇમ સ્લોટ’ની પણ વ્યવસ્થા છે.

આ આખા આયોજન પાછળ અંદાજે 14થી 15 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. તો સ્પોન્સરશિપ અને સ્ટોલ્સના માધ્યમથી કોર્પોરેશનને મોટી આવક પણ થશે. આ ફ્લાવર શૉ દ્વારા હજારો લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી મળવાની સાથે અમદાવાદના પ્રવાસન અને અર્થતંત્રને પણ વેગ મળશે.

આ પણ વાંચો: સાવધાન: અમદાવાદમાં શાહીબાગ અંડરપાસ એક અઠવાડીયા સુધી બંધ રહેશે, જાણો કેમ આવો નિર્ણય લેવાયો

Back to top button