અમદાવાદ: CP GS મલિકની અધ્યક્ષતામાં યોજાઈ ક્રાઈમ કોન્ફરન્સ; JCP, DCP, ACP સહિતના અધિકારીઓ હાજર

15 જુલાઇ 2025 અમદાવાદ: શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેર પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકની અધ્યક્ષતામાં શહેરમાં ક્રાઈમની સ્થિતિને લઈને કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં સમગ્ર વર્ષ દરમિયાન અમદાવાદ શહેરમાં ક્રાઈમને લગતા ગુનાઓ સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી અને ક્રાઈમ રેટમાં ઘટાડો કરવા તેમજ શહેરમાં શાંતિ અને સુરક્ષા વધારે સુદઢ બનાવવા કમિશનર દ્વારા તમામ અધિકારીઓ પાસે તાગ મેળવાયો હતો અને સૂચનો કરાયા હતા.
શહેરમાં લોકભાગીદારીથી 22,776 કેમેરા હાલ કાર્યરત
પત્રકાર પરિષદનું આયોજન કરતા પોલીસ કમિશનર જીએસ મલીકે જણાવ્યું હતું કે ગુનાની સ્થિતિ કાબુમા છે, શહેરમાં ગુનાઓ ઘટી રહ્યા છે. 2024નાં મે મહિનામાં CCTV લગાવવાનો ઓર્ડર અપાયો હતો. જેમાં અત્યાર સુધીમાં લોકભાગીદારીથી 22,776 કેમેરા લાગવામાં આવ્યા છે. ત્યારે માર્ચ 2025માં ફરીથી બીજા ભાગમાં આ કામગીરી કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. લોક ભાગીદારીથી લગાવેલા કેમેરાથી પોલીસને પણ ખુબ મદદ મળી રહી છે. ખાસ કરીને CCTVની મદદથી ડિટેક્શનની કામગીરી ઝડપી બની છે. ગત વર્ષે 87.2 % લૂંટના બનાવમાં ડિટેક્શન હતું ત્યારે આ વર્ષે 100% છે.
પોલીસ સ્ટેશનના PIની ડ્યુટી વધારતા અસર દેખાઇ
CPએ વધુમાં જણાવ્યું હતું કે હાલમાં અસામાજિક તત્વો વિરુદ્ધ પણ ઝડપી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે આ વખતે રથયાત્રા અને વિમાન દુર્ઘટનામાં પણ પોલીસે સારી કામગીરી કરી છે. વિમાન દુર્ઘટના બાદ પોલીસ સાથે અન્ય ઇમરજન્સી સેવાઓ આપતા વિભાગે ઝડપી કામગીરી કરી છે. ખાસ કરીને આ વર્ષે જ તમામ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓને ડ્યુટીનો સમય પણ વધારી દેવામાં આવ્યો છે અને ફરજિયાત પણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લઈને આવતા નગરજનોને સાંભળવાનો પણ હુકમ કરાયો છે જેના કારણે ઘણી અસર દેખાઈ રહી છે, સાથે નાઇટ પેટ્રોલિંગ માટે પણ અમદાવાદ પોલીસ સક્ષમ છે.












