અમદાવાદ: જશોદાનગરમાં મહિલાના આત્મવિલોપન બાદ AMC કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ

અમદાવાદ 17 ઓગસ્ટ 2025: અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં પુનિતનગર રેલવે ફાટક નજીક ગુરુવારે અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ગેરકાયદે દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન ગંભીર ઘટના બની. ભાગ્યદેવ કરિયાણા સ્ટોરની માલિક નર્મદાબેન કુમાવતે દુકાન તોડવાના વિરોધમાં કેરોસિન રેડી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો, જેમાં તેઓ 80 ટકાથી વધુ દાઝી ગયાં. તેમની હાલત ગંભીર હોવાથી તેમને એલ.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં, જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું.
આ ઘટનામાં નર્મદાબેનના પતિ રમેશ કુમાવત અને તેમના બાળકે પણ આત્મદાહનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેઓને પણ ઈજાઓ થઈ. સમગ્ર પરિવારને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. આ ઘટનાથી સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો, જેના કારણે AMC ટીમ પર પથ્થરમારો થયો અને ટીમની ગાડીના કાચ તૂટ્યા. સ્થાનિકોએ આગળ વધી વટવા GIDC પોલીસ સ્ટેશન ખાતે AMC વિરુદ્ધ રજૂઆત કરી હતી.
મૃતકના પતિ રમેશ કુમાવતે AMCના એસ્ટેટ વિભાગના કર્મચારીઓ તેજસ મકવાણા અને હાર્દિક પટેલ વિરુદ્ધ વટવા GIDC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદમાં જણાવાયું કે AMC ટીમે બળજબરીપૂર્વક દુકાન ખાલી કરાવી અને આગોતરા નોટિસ વિના તોડફોડ શરૂ કરી. સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે AMC અધિકારીઓ દ્વારા હપ્તા ઉઘરાતા હતા, છતાં ડિમોલિશન કરવામાં આવ્યું.
વટવા GIDC પોલીસે બંને કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઘટનાસ્થળે પરિસ્થિતિ નિયંત્રણમાં લાવવા દસથી વધુ પોલીસ વાહનો તૈનાત કરવામાં આવ્યા હતા. ACP પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે AMCએ 13 ઓગસ્ટે પોલીસ બંદોબસ્ત માટે પત્ર આપ્યો હતો, પરંતુ પોલીસ પ્રોટેક્શનના અભાવે પરિસ્થિતિ વધુ ઉગ્ર બની.
આ પણ વાંચો: દેશના ભાગલા માટે “આ ત્રણ” જવાબદાર હતાઃ જાણો NCERTના નવા અભ્યાસક્રમમાં શું શું બદલાયું?












