અમદાવાદ શહેર પ્રદૂષણની ગાઢ ચાદરમાં લપેટાઈ ગયું, જાણો કયા વિસ્તારની હવા જોખમી!
- ફટાકડા ફોડવાના કારણે હવાના પ્રદૂષણમાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો
- દિવાળીએ ફટાકડાના ધુમાડામાં ગૂંગળાયું અમદાવાદ શહેર
- થલતેજ જેવા વિસ્તારમાં તો AQI 1000થી વધુના અત્યંત જોખમી સ્તરે
દિવાળીના તહેવારની ઉજવણી બાદ અમદાવાદ શહેર જાણે પ્રદૂષણની ગાઢ ચાદરમાં લપેટાઈ ગયું. સોમવારે રાત્રે સરકારી નિયમોને નેવે મૂકીને મોડી રાત સુધી ફોડવામાં આવેલા ફટાકડાના કારણે શહેરની હવા ઝેરી બની ગઈ હતી. 20 ઓક્ટોબરની રાત્રે શહેરનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 300ને પાર કરી ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં પહોંચી ગયો હતો, જ્યારે થલતેજ જેવા વિસ્તારમાં તો AQI 1000થી વધુના અત્યંત જોખમી સ્તરે પહોંચતા ચિંતાનો માહોલ સર્જાયો છે.
ફટાકડા ફોડવાના કારણે હવાના પ્રદૂષણમાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો
દિવાળીના તહેવારમાં તમામ લોકો ઉજવણી કરી રહ્યાં છે. પણ ફટાકડા ફોડવાના કારણે હવાના પ્રદૂષણમાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો જોવા મળ્યો હતો. જેમાં અમદાવાદમાં રાત્રે 10:45 વાગ્યે AQI (એર ક્વોલિટી ઇન્ડેક્સ) 371 સુધી પહોંચી ગયો હતો. એટલે કે, હવા ખૂબ જ ખરાબ અને લોકો માટે જોખમકારક બની ગઈ હતી.
રાજ્ય સરકારે રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાની માર્ગદર્શિકા બહાર પાડી
રાજ્ય સરકારે રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાની માર્ગદર્શિકા બહાર પાડી હતી, પરંતુ શહેરના મોટાભાગના વિસ્તારોમાં મોડી રાત સુધી આતશબાજી ચાલુ રહી હતી. પરિણામે, હવામાં PM2.5 અને PM10 જેવા ઝેરી રજકણોનું પ્રમાણ ભયજનક સ્તરે વધી ગયું હતું. aqi.in વેબસાઇટ મુજબ ચાંદખેડા, બોપલ, શીલજ, નારોલ અને સાયન્સ સિટી જેવા વિસ્તારોમાં AQI 350થી 500ની વચ્ચે ‘ગંભીર’ શ્રેણીમાં નોંધાયો હતો. દિવાળીની સવાર ધુમ્મસભરી રહી અને હવામાં ગનપાઉડરની તીવ્ર ગંધ અનુભવાઈ, જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. જ્યારે એક સમયે નારોલ જેવા વિસ્તારમાં AQI 850થી ઉપર નોંધાયો હતો.
આ પણ વાંચો: ગુજરાતનાં MLA માટે માત્ર રૂ. 37ના ભાડામાં લક્ઝુરિયસ ફ્લેટ, 5 સ્ટાર જેવી સુવિધાઓ












