અમદાવાદમાં CA દંપતીનું ₹10.36 કરોડનું કૌભાંડ: સગા મામાના પરિવાર સાથે જ કરી છેતરપિંડી
Ahmedabad CA Couple Fraud Case: અમદાવાદમાં એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ઉચ્ચ શિક્ષિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) પતિ-પત્નીએ પોતાના જ સગા-સંબંધીઓનો આંધળો વિશ્વાસ જીતીને કરોડો રૂપિયાનો આર્થિક ચૂનો લગાવ્યો છે. શેરબજારમાં રોકાણના નામે ટૂંકા સમયમાં મોટો નફો કમાઈ આપવાની લોભામણી લાલચ આપીને આ દંપતીએ આશરે ₹10.36 કરોડની હાઈપ્રોફાઈલ છેતરપિંડી આચરી છે. આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખા (EOW) એ ત્વરિત કાર્યવાહી કરીને ઠગ દંપતીની ધરપકડ કરી લીધી છે અને કોર્ટમાંથી આગામી 21 જૂન સુધીના રિમાન્ડ મેળવીને વધુ તપાસ શરૂ કરી છે.
નાણાકીય દસ્તાવેજોનો કર્યો દુરુપયોગ
અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા કૌશલભાઈ વિનોદકુમાર નાયકે આ કૌભાંડ અંગે EOW માં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, તેમના સગી બહેનનો દીકરો જ્વલિત ઉર્ફે જય અને તેની પત્ની બોસકી બંને પ્રોફેશનલ CA હોવાથી કૌશલભાઈના સમગ્ર પરિવારના ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) અને તમામ ફાઇનાન્સિયલ વ્યવહારો આ દંપતી જ સંભાળતું હતું. આ સંબંધ અને વ્યવસાયિક વિશ્વાસનો ફાયદો ઉઠાવીને જ્વલિત અને બોસકીએ શેરબજારમાં રોકાણ કરાવ્યું હતું. જેમાં કૌશલભાઈએ પોતાના ₹5.91 કરોડ અને અન્ય નજીકના સંબંધીઓએ ₹4.44 કરોડ મળીને કુલ ₹10.36 કરોડ આ દંપતીના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
નકલી બેંક સ્ટેટમેન્ટ આપતા ભાંડો ફૂટ્યો
સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે કૌશલભાઈએ પોતાના દીકરાના ઉચ્ચ અભ્યાસ માટે વિઝાની પ્રક્રિયા શરૂ કરી હતી. વિઝા માટે જરૂરી સત્તાવાર બેંક બેલેન્સ સ્ટેટમેન્ટ માંગતા જ્વલિતે કૂટ રચિત (નકલી) દસ્તાવેજો અને બોગસ વિગતો ધરાવતો ઇમેઇલ મોકલ્યો હતો. આ દસ્તાવેજો શંકાસ્પદ જણાતા તપાસ કરવામાં આવી, જેમાં ખબર પડી કે નાયક પરિવારના પાનકાર્ડ અને આધાર વિગતોનો દુરુપયોગ કરીને તેમની જાણ બહાર બોગસ કંપનીઓ ઊભી કરાઈ હતી અને તેના દ્વારા કરોડો રૂપિયાના બેનામી ટ્રાન્ઝેક્શન્સ કરવામાં આવ્યા હતા.
વૈભવી લાઇફસ્ટાઇલ બતાવી લોકોને જાળમાં ફસાવતા
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી પતિ-પત્ની અમદાવાદ અને ગાંધીનગરમાં આલીશાન ઓફિસો ધરાવે છે. ગ્રાહકોને પ્રભાવિત કરવા માટે તેઓ અત્યંત લક્ઝુરિયસ અને વૈભવી લાઇફસ્ટાઇલ જીવતા હતા. તેઓ વ્યવસાયે CA હોવાથી આર્થિક ટ્રેક છુપાવવામાં ખૂબ જ પાવરધા છે, જેથી પોલીસ અત્યારે સાયબર અને ફાઇનાન્સિયલ એક્સપર્ટ્સની મદદ લઈને નાણાં ક્યાં ટ્રાન્સફર થયા છે તેની તપાસ કરી રહી છે. પોલીસે અન્ય નાગરિકોને પણ આ દંપતી સામે ફરિયાદ નોંધાવવા અપીલ કરી છે.
આ પણ વાંચો: સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ! ચાંચરવાડીના સરપંચે પેવર બ્લોક ખાનગી જમીનમાં લગાવ્યા, પંચાયતની કામગીરી પર સવાલ












