ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ! ચાંચરવાડીના સરપંચે પેવર બ્લોક ખાનગી જમીનમાં લગાવ્યા, પંચાયતની કામગીરી પર સવાલ

Chanchravadi Sarpanch controversy: સાણંદ તાલુકાના ચાંચરાવાડી ગ્રામ પંચાયત વિસ્તારમાં સરકારી ગ્રાન્ટના નાણાંનો બેફામ દુરુપયોગ અને મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. સરકાર દ્વારા જાહેર વિકાસકામો અને સામાન્ય જનતાની સુવિધા માટે ફાળવવામાં આવેલી ગ્રાન્ટમાંથી નિયમ વિરુદ્ધ જઈને ખાનગી મિલકતોમાં પેવર બ્લોક બેસાડી દેવામાં આવ્યા હોવાનો મામલો સામે આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે.

જાહેર રસ્તા પડતા મૂકી ખાનગી જગ્યાઓ પર મહેરબાની

પ્રાપ્ત વિગતો અનુસાર, સરકાર દ્વારા ગામમાં પેવર બ્લોક નાખવા માટે લાખો-કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. નિયમ મુજબ આ બ્લોક ગામના જાહેર રસ્તાઓ અને જરૂરિયાતવાળી જગ્યાઓએ નાખવાના હતા. પરંતુ પંચાયતના સત્તાધીશો અને વહીવટદારોએ પોતાની મનમરજી ચલાવીને, જાહેર હિતને બાજુ પર મૂકી દીધું હતું. પોતાના અંગત લોકોના ફાયદા માટે ખાનગી મકાનોના આંગણા, ખાનગી જમીનો અને એટલું જ નહીં, પરંતુ ઢોર બાંધવાના વાડામાં પણ સરકારી ખર્ચે પેવર બ્લોક ફીટ કરી દીધા હોવાના આક્ષેપો થયા છે. ગામમાં “ઘરના ભુવા અને ઘરના ડાકલા” જેવો ઘાટ સર્જાયો છે, જ્યાં જરૂરિયાતવાળા રસ્તાઓ આજે પણ બિસ્માર હાલતમાં છે.

જાગૃત નાગરિક દ્વારા ઉચ્ચ સ્તરે લેખિત રજૂઆત

આ સમગ્ર કૌભાંડ સામે ચાંચરાવાડી ગામના જાગૃત નાગરિક મનીષભાઈ ચૌહાણ દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો છે. તેમણે સ્થાનિક તંત્રથી લઈને ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સુધી આ મામલે લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે. રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, જે જગ્યાઓ પર કાયદેસર રીતે સરકારી નાણાં વાપરી જ ન શકાય, ત્યાં કોના આદેશથી અથવા કયા ઠરાવના આધારે આ કામગીરી કરવામાં આવી તેની ઝીણવટભરી તપાસ થવી અનિવાર્ય છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

કરોડોનું કૌભાંડ બહાર આવવાની શક્યતા

અરજદારે આશંકા વ્યક્ત કરી છે કે જો આ સમગ્ર પેવર બ્લોકની કામગીરી, મંજૂર થયેલા નકશા અને ફાળવેલી ગ્રાન્ટના અંદાજપત્ર (એસ્ટીમેટ) સાથે રાખીને ઊંડાણપૂર્વક તપાસવામાં આવે, તો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવી શકે છે. સત્તાધીશોએ પોતાના પદ અને સત્તાનો દુરુપયોગ કરીને સરકારી નાણાંનો વેડફાટ કર્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

કડક કાર્યવાહીની માંગ

ગામના નાગરિકો અને અરજદાર દ્વારા માંગ કરવામાં આવી છે કે, આ સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ એજન્સી દ્વારા ઓડિટ અને તપાસ થાય. તપાસમાં જે કોઈ પણ અધિકારી, કર્મચારી કે પંચાયતના સત્તાધીશ દોષિત સાબિત થાય, તેમની સામે તાત્કાલિક કાયદેસરની ફોજદારી કાર્યવાહી કરવામાં આવે તેમજ હોદ્દાનો દુરુપયોગ કરનારા જવાબદારોને તેમના પદ પરથી તાત્કાલિક દૂર કરવામાં આવે.

હવે જોવાનું એ રહેશે કે ઉચ્ચ પ્રશાસન આ આક્ષેપોને કેટલી ગંભીરતાથી લે છે અને ચાંચરાવાડી ગ્રામ પંચાયતના દૂધનું દૂધ અને પાણીનું પાણી ક્યારે થાય છે.

આ પણ વાંચો: VIDEO: OPD પાસે નમાઝ પઢવાનો વીડિયો વાયરલ થતાં SSG હોસ્પિટલ એક્શનમાં, જાણો સમગ્ર મામલો

Back to top button