અમદાવાદના બિલ્ડર નિલય પટેલની મુંબઈમાં ધરપકડ: યુવતી પર બળાત્કાર અને જાતીય સતામણીના આક્ષેપ

મુંબઈ: અમદાવાદ શહેરમાં ચર્ચાસ્પદ ‘પોપ્યુલર બિલ્ડર ગ્રુપ’ સાથે સંબંધ ધરાવતા અને ‘ઈઝી-પે’ (EasyPay) એપના ફાઉન્ડર તરીકે જાણીતા નિલય જશભાઈ પટેલની મુંબઈમાં ધરપકડ થઈ છે. હાઈપ્રોફાઈલ બિઝનેસમેનની આ ધરપકડથી અમદાવાદ અને મુંબઈના બિલ્ડર વર્તુળમાં મોટી ચર્ચાઓ ચાલી રહી છે. તેઓ એસ.જી. હાઈવે પર ઓફિસ ધરાવી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે સક્રિય છે.
શું છે સમગ્ર ઘટનાક્રમ?
મુંબઈ પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આરોપી નિલય પટેલ વ્યાવસાયિક કામકાજ અર્થે મુંબઈ ગયા હતા અને એરપોર્ટ નજીકની એક ફાઈવ સ્ટાર હોટલમાં રોકાયા હતા. આ જ હોટલના અન્ય રૂમમાં તેમની પરિચિત દિલ્હીની યુવતી પણ રોકાયેલી હતી.
21 જુલાઈના રોજ બપોરે આશરે 3:30 વાગ્યે આરોપી યુવતીના રૂમમાં તેની પરવાનગી વગર ઘૂસી ગયા હોવાનો અને ગેરવર્તન કરી શારીરિક અડપલાં કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ છે. યુવતીએ પ્રતિકાર કરી તેમને રૂમની બહાર કાઢી મૂક્યા હતા. ત્યારબાદ 21થી 22 જુલાઈ દરમિયાન પણ આરોપીએ યુવતીને વારંવાર કોલ અને મેસેજ કરીને સતત જાતીય સતામણી કરી હોવાનું જણાવાયું છે.
22 જુલાઈએ યુવતીએ લગાવેલા આક્ષેપ મુજબ આરોપીએ તેની સાથે બળજબરી કરી બળાત્કાર ગુજાર્યો હતો. 23 જુલાઈની રાત્રે 11:25 વાગ્યે પીડિતાએ મુંબઈના એરપોર્ટ પોલીસ સ્ટેશન પહોંચીને નિલય પટેલ વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ કાર્યવાહી અને રિમાન્ડ
મુંબઈ પોલીસના ડીસીપી નિમિત ગોયલે જણાવ્યું હતું કે પીડિતાની ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 64, 74, 75(2), 76 અને 333 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગંભીર ગુનો નોંધાતા એરપોર્ટ પોલીસે 24 જુલાઈના રોજ નિલય પટેલની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરીને 29 જુલાઈ સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.
હાલમાં પોલીસ હોટલના સીસીટીવી ફુટેજ, હોટલ સ્ટાફના નિવેદનો અને અન્ય ટેકનિકલ પુરાવાઓ એકત્ર કરીને આગળની તપાસ ચલાવી રહી છે.
આ પણ વાંચો: ચાંદીપુરા વાયરસથી મહેસાણા જિલ્લામાં પ્રથમ મોત, વડનગર સિવિલમાં સારવાર દરમ્યાન બાળકીએ જીવ ગુમાવ્યો












