ગુજરાતટ્રેન્ડિંગ

એસ.જી. હાઈવે પર ફરી હિટ એન્ડ રન, ટક્કર બાદ બાઇક કારના બોનેટમાં ઘૂસી ગઈ અને…

Ahmedabad Accident: અમદાવાદના વ્યસ્ત એસ.જી. હાઈવે પર આજે ફરી એકવાર પૂરઝડપે દોડતી કારે નિર્દોષ વાહનચાલકનો ભોગ લીધો છે. પકવાન ઓવરબ્રિજ પર એક બેફામ વોક્સવેગન કારચાલકે બાઈક સવાર આધેડને એવી જોરદાર ટક્કર મારી કે બાઈક કારના બોનેટમાં ફસાઈ ગયું હતું. માનવતા નેવે મૂકીને કારચાલક બાઈકને હાઈવે પર લાંબે સુધી ઢસડતો રહ્યો અને બાદમાં ફરાર થઈ ગયો હતો.

થલતેજથી સરખેજ તરફ જતી વખતે સર્જાયો અકસ્માત

નરોડા વિસ્તારમાં રહેતા 47 વર્ષીય કમલેશભાઈ પાણખાણિયા આજે પકવાન ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન થલતેજથી સરખેજ તરફના માર્ગ પર પૂરઝડપે આવી રહેલી એક કારે તેમના બાઈકને અડફેટે લીધું હતું. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા કંપારી છૂટી જાય તેવા વીડિયોમાં જોઈ શકાય છે કે, ટક્કર બાદ બાઈક કારના એન્જિનના ભાગમાં ફસાઈ ગયું હોવા છતાં ચાલકે કાર રોકવાની તસ્દી લીધી નહોતી.

ઈજાગ્રસ્તની હાલત ગંભીર, ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા

આ ગમખ્વાર અકસ્માતમાં કમલેશભાઈને માથા, કપાળ, છાતી અને કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. આ ઉપરાંત તેમના બંને પગમાં ફ્રેક્ચર જેવી જીવલેણ ઈજાઓ થઈ છે. ઘટનાના પગલે એકઠા થયેલા લોકોએ તાત્કાલિક 108ને જાણ કરી તેમને સોલા સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ હાલત વધુ નાજુક જણાતા તેમને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.

પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા

ટ્રાફિક પોલીસે આ મામલે અજાણ્યા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા એસ.જી. હાઈવે પર લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે જેથી કારના નંબરના આધારે ફરાર આરોપીને વહેલી તકે ઝડપી શકાય. હાઈવે પર સર્જાયેલા આ અકસ્માતે શહેરમાં ફરી એકવાર ટ્રાફિક સુરક્ષા સામે અનેક સવાલો ઉભા કર્યા છે.

આ પણ વાંચોઃ પેટ્રોલ-ડીઝલ બચાવવા માટે સરકાર 10-15 દિવસનું લોકડાઉન લગાવી શકે છે- સંજય રાઉત

આ પણ વાંચોઃ 8મું પગાર પંચ અપડેટ: સરકારી કર્મચારીઓના પગારમાં થશે મોટો વધારો, જાણો ક્યારથી થશે અમલ

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button