ગુજરાતટ્રેન્ડિંગ

પ્રાંતિજ નજીક ટ્રક અને ખાનગી બસ વચ્ચે અકસ્માત, 3ના મૃત્યુ

HD ન્યૂઝ, ૨૪ જૂન, ૨૦૨૫: ગુજરાતમાં રોડ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કાટવાડ નજીક સોમવારે (23મી જૂન) સવારે ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ મુસાફરનાં મોત થયાં અને સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાની જાણ પોલીસને થતા ઘટનાસ્થળે પહોંચીને ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા હતા.

મુંબઈથી રાજસ્થાન જતી ખાનગી બસને અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઈવે પર કાટવાડ નજીક અકસ્માત નડ્યો હતો. આ ખાનગી બસ ધડાકાભેર સાથે ટ્રકમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, ખાનગી બસની ડાબી સાઈડ ચિરાઈ ગઈ હતી. જેના કારણે બસના પતરા કાપીને એક મહિલા અને બે પુરુષ સહિત ત્રણનાં મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં હતા.

સમગ્ર ઘટનાની જાણ થતાં પ્રાંતિજ પોલીસ, હાઈવે ટ્રાફિક, ચાર ‘108’ એમ્બ્યુલન્સ અને પ્રાંતિજ-હિંમતનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માત સર્જાતા રસ્તા પર લોકોના ટોળા ઉમટી પડ્યાં હતા.

Back to top button