ACB Trap: અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલને લાંચ માંગવી ભારે પડી

અમદાવાદ, તા. 21 સપ્ટેમ્બર, 2025: રાજ્યમાં લાંચ લેવાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે, જેનો વધુ એક કિસ્સો સામે આવ્યો હતો. અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયો હતો.
ફરિયાદીની ઓટો રીક્ષા બાપુનગર ખાતેના લુંટના બનાવમાં વપરાયાની શંકાના કામે આરોપી સહદેવસિંહ જેઠીભા પલાણીયા (પોલીસ કોન્સ્ટેબલ, ઉ.વ.૩૫ નોકરી- સર્વેલન્સ સ્કોડ, બાપુનગર પોલીસ સ્ટેશન, અમદાવાદ શહેર. વર્ગ-૩)એ ઓટોરીક્ષા પકડી હતી. જે ઓટો રીક્ષા છોડાડવા ફરીયાદી બાપુનગર પોલીસ સ્ટેશન ગયા હતા. જ્યાં આરોપીને મળતા તેઓએ ફરીયાદી પાસે રીક્ષા છોડવા રૂ.૩૦૦૦ ની લાંચની માંગણી કરી હતી. પરંતુ ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એ.સી.બી નો સંપર્ક કર્યો હતો.
તેમની ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. લાંચના છટકા દરમિયાન આરોપી ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂ.૩૦૦૦ સ્વીકારતાં ઝડપાયો હતો.
તાજેતરમાં એન્ટી કરપ્શન બ્યુરોએ 24 કલાકમાં લાંચ લેતા ચાર ઇસમોને ઝડપ્યા હતા. ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના આઉટ સોર્સ સુપર વાઇઝર અને કલાર્ક બાદ જામનગરમાંથી સરપંચ પતિ અને પ્રજાજન ઝડપાયા હતા. જામનગરના કાલાવડમાં મહિલા સરપંચના પતિ સહિત બે વ્યક્તિ લાંચ લેતા ઝડપાયા છે.
આ પણ વાંચોઃ રાજ્યમાં 24 કલાકમાં 104 તાલુકામાં વરસાદ, ખેલૈયા-ગરબા આયોજકો ચિંતામાં











