ભ્રષ્ટાચારે માજા મુકીઃ જામનગર-કાલાવાડ રોડ પર સરપંચ પતિને ACB એ સાણસામાં લીધો

જામનગર, તા. 20 ઓક્ટોબર, 2025: એન્ટી કરપ્શન બ્યુરોએ 24 કલાકમાં લાંચ લેતા ચાર ઇસમોને ઝડપ્યા હતા. ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના આઉટ સોર્સ સુપર વાઇઝર અને કલાર્ક બાદ જામનગરમાંથી સરપંચ પતિ અને પ્રજાજન ઝડપાયા હતા. જામનગરના કાલાવડમાં મહિલા સરપંચના પતિ સહિત બે વ્યક્તિ લાંચ લેતા ઝડપાયા છે. બેલાની ખાણ લીઝમાં પંચાયત તરફથી હેરાનગતિ ન કરવાના બહાને લાંચની માંગણી કરી હતી. સમગ્ર મામલે ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ને જાણ કરતાં ACBએ છટકું ગોઠ્યું હતું અને આરોપીને રંગે હાથે ઝડપી પાડ્યા હતા.
મળતી માહિતી મુજબ, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ભલસાણ બેરાજા ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિ દિનેશ તેજા અને વચેટિયો હમીર સોલંકીએ બેલાની ખાણની લીઝ ચલાવતા વ્યક્તિ પાસેથી 75000ની માંગણી કરી હતી. જેમાં આરોપીઓએ ગ્રામ પંચાયત કચેરી તરફથી ખાણના ધંધામાં કોઈ પ્રકારની હેરાનગતિ ન કરવાના બહાને લાંચ માગી હતી.
સમગ્ર મામલે ફરિયાદીએ ACBને જાણ કરી હતી. આ પછી આરોપીને ઝડપી પાડવા માટે ACBએ જામનગર-કાલાવડ રોડ પર માટલી પાટીયા ગામ નજીક છટકું ગોઠ્યું હતું અને મહિલા સરપંચના પતિ સહિત બંને આરોપીને ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર કાર્યવાહી ટ્રેપીંગ અધિકારી આર.એન.વિરાણી, ફીલ્ડ પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. રાજકોટ એકમ તથા જામનગર એ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટીનો ક્લાર્ક લાંચ લેતા ACBની ઝપટે ચડ્યો












