અભિજીત દીપકેના દાદીનું નિધન, 80 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા

Abhijeet Dipke Grandmother Death: દિલ્હીના જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરવા પહોંચેલા કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દીપકે માટે શનિવારનો દિવસ અત્યંત દુઃખદ રહ્યો છે. એક તરફ દિલ્હી એરપોર્ટ પર પહોંચતાં જ પોલીસે તેમની અટકાયત કરી, તો બીજી તરફ મહારાષ્ટ્રમાં તેમના દાદીનું નિધન થયું છે. અભિજીત દીપકેના દાદી સાવિત્રીબાઈ શંકર દીપકેનું લાંબી બીમારી બાદ મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં અવસાન થયું છે. આ સમાચાર સામે આવતાં પરિવાર અને તેમના વતનમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
લાંબી બીમારી બાદ દાદીએ લીધા અંતિમ શ્વાસ
અભિજીત દીપકેના દાદી સાવિત્રીબાઈ શંકર દીપકે છેલ્લા કેટલાક સમયથી બીમાર હતાં. તેમણે શનિવાર, 10 ઓક્ટોબર 2026ના રોજ મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લાના સંતુક પિંપરી ગામમાં આવેલા તેમના પૈતૃક નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. તેમની ઉંમર 80 વર્ષ હતી. પરિવારના સૂત્રોના જણાવ્યા અનુસાર તેમના અંતિમ સંસ્કાર રવિવાર, 11 ઓક્ટોબરે સવારે 10 વાગ્યે યોજાવાના છે.
દાદીના નિધન સમયે દિલ્હીમાં પોલીસ કસ્ટડીમાં અભિજીત
અભિજીત દીપકે શનિવારે CJP દ્વારા યોજાનારા વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મુંબઈથી દિલ્હી પહોંચ્યા હતા, પરંતુ દિલ્હી એરપોર્ટ પર પહોંચતાં જ પોલીસે તેમની અટકાયત કરી હતી. તેમની સાથે આશુતોષ રાંકા અને સૌરવ દાસને પણ અટકાયતમાં લેવામાં આવ્યા હતા. CJP દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે દિલ્હીના જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શનની જાહેરાત કરવામાં આવી હતી. જોકે દિલ્હી પોલીસે આ પ્રદર્શનને મંજૂરી આપી નહોતી.
અંતિમ સંસ્કારમાં હાજરી અંગે શું કહ્યું પોલીસે?
દાદીના નિધનના સમાચાર સામે આવ્યા બાદ દિલ્હી પોલીસે જણાવ્યું છે કે અભિજીત દીપકેને આ દુઃખદ ઘટનાની જાણ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર તેઓ અંતિમ સંસ્કારમાં હાજરી આપવા મહારાષ્ટ્ર પરત જઈ શકે છે. હવે પરિવાર પાસે જવાનો નિર્ણય અભિજીત દીપકે પર નિર્ભર છે. જોકે તેઓ ક્યારે મહારાષ્ટ્ર પહોંચશે અને અંતિમ સંસ્કારમાં હાજર રહેશે કે નહીં તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
માતા-પિતાએ પોલીસ કાર્યવાહી સામે વ્યક્ત કર્યો રોષ
અભિજીત દીપકેની અટકાયત બાદ તેમના માતા-પિતાએ પણ નારાજગી વ્યક્ત કરી હતી. તેમની માતા અનીતા દીપકેએ મીડિયા સમક્ષ પુત્રની કામગીરીનું સમર્થન કરતાં કેન્દ્ર સરકારની કાર્યવાહી સામે સવાલો ઉઠાવ્યા હતા. દરમિયાન, દાદીના નિધનના સમાચાર મળતાં અભિજીતના માતા-પિતા છત્રપતિ સંભાજીનગર સ્થિત તેમના નિવાસસ્થાનેથી હિંગોલી જવા રવાના થયા હતા.એક તરફ રાજકીય આંદોલન અને પોલીસ કાર્યવાહી ચાલી રહી છે, તો બીજી તરફ પરિવારમાં સર્જાયેલા શોકને કારણે અભિજીત દીપકેની સ્થિતિ વધુ મુશ્કેલ બની છે.












