આસ્થા અને જૈવ વિવિધતાનો અનોખો સંગમ: ગિરનારમાં 600થી વધુ વનસ્પતિઓ અને 300થી વધુ પક્ષીઓનો વસવાટ

A unique confluence of faith and biodiversity: 22 મેના આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ નિમિત્તે ગિરનારની પ્રાકૃતિક સમૃદ્ધિ અને જૈવ વૈવિધ્ય ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને ભક્તિનું કેન્દ્ર ગણાતો ગિરનાર માત્ર ધાર્મિક મહત્ત્વ ધરાવતો પર્વત જ નથી, પરંતુ જૈવ વિવિધતાની દૃષ્ટિએ પણ ગુજરાતના સૌથી સમૃદ્ધ વિસ્તારોમાં સ્થાન ધરાવે છે.
જૂનાગઢ નજીક આવેલો ગિરનાર વિસ્તાર એશિયાઈ સિંહોના મહત્વના વસવાટ સ્થળોમાંનો એક છે. તેની સાથે અહીં વિવિધ પ્રકારના સરીસૃપો, 300થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ અને 600થી વધુ પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે. ગિરનારની આસપાસનો લગભગ 179 ચોરસ કિલોમીટર વિસ્તાર અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યો છે, જે અનેક દુર્લભ જીવસૃષ્ટિ અને ઔષધીય વનસ્પતિઓનું આશ્રયસ્થાન છે.
ગિરનાર ડુંગર દક્ષિણ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર G. P. Suhagiya એ જણાવ્યું હતું કે ગિરનાર એક પ્રાચીન પર્વતમાળા છે અને અહીં વૈવિધ્યસભર જૈવસૃષ્ટિ જોવા મળે છે. એશિયાઈ સિંહ ઉપરાંત ચિત્તલ, સાબર, નીલગાય, હાયના અને કીડીખાવ જેવા અનેક વન્ય પ્રાણીઓનો અહીં વસવાટ છે. ઉપરાંત ઝેરી અને બિનઝેરી સાપ, મગર, ગરોળી સહિતના અનેક સરીસૃપો પણ અહીં જોવા મળે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
તેમણે વધુમાં જણાવ્યું કે ગિરનારમાં ઔષધીય ગુણધર્મો ધરાવતી વનસ્પતિઓનું પણ વિશાળ વૈવિધ્ય જોવા મળે છે. અહીં ઘાસ, વેલા, છોડ, ઝાડીઓ અને વૃક્ષોની અસંખ્ય પ્રજાતિઓ છે. ખાસ કરીને ‘જનાર્ધ’ નામની દુર્લભ માસભક્ષી વનસ્પતિ ગિરનારની વિશેષ ઓળખ બની છે, જે સંશોધકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર છે.
વન વિભાગના જણાવ્યા મુજબ, પ્રકૃતિનું સંતુલન જાળવવા માટે જૈવ વિવિધતાનું સંરક્ષણ અત્યંત જરૂરી છે. તૃણાહારી, મિશ્રાહારી અને માસાહારી પ્રાણીઓની આહાર શૃંખલા એકબીજા સાથે સંકળાયેલી છે. આ કુદરતી સંતુલનમાં કોઈ પણ પ્રકારની ખલેલ સમગ્ર ઇકોસિસ્ટમને અસર પહોંચાડી શકે છે.
જૂનાગઢ વન વિભાગ જનસહયોગથી ગિરનારની જૈવ વિવિધતાના સંરક્ષણ માટે સતત કાર્યરત છે. વન વિભાગે પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને વન્યજીવોના કુદરતી આવાસને ખલેલ ન પહોંચાડવા તેમજ પ્લાસ્ટિક પ્રદૂષણથી દૂર રહેવા અપીલ કરી છે.
ગિરનારમાં દર વર્ષે સરેરાશ 300થી 1200 મીલીમીટર જેટલો વરસાદ પડે છે, જેના કારણે જંગલ વિસ્તાર હરિયાળો રહે છે અને વિવિધ જીવસૃષ્ટિને પોષણ મળે છે. આ કુદરતી પરિસ્થિતિ ગિરનારને જૈવ વિવિધતાનું અનોખું કેન્દ્ર બનાવે છે.
ઉલ્લેખનીય છે કે જી.પી. સુહાગીયાએ ‘ગિરનારના વૃક્ષો’ નામનું પુસ્તક પણ લખ્યું છે, જેમાં ગિરનાર વિસ્તારમાં જોવા મળતા વૃક્ષો, તેમના સ્થાનિક નામો, વૈજ્ઞાનિક નામો, ઔષધીય ઉપયોગો અને અન્ય રસપ્રદ માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પુસ્તક વન વિભાગના કર્મચારીઓ તેમજ પ્રકૃતિપ્રેમીઓ માટે માર્ગદર્શકરૂપ સાબિત થઈ રહ્યું છે.
આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસના અવસરે ગિરનાર આપણને પ્રકૃતિના સંરક્ષણ અને જૈવ વૈવિધ્યના મહત્ત્વનો સંદેશ આપે છે.
આ પણ વાંચો : 10 રાજ્યોની 24 રાજ્યસભા સીટો પર ચૂંટણીની જાહેરાત, આ તારીખે થશે મતદાન, જાણો ગુજરાતની કેટલી છે સીટ












