ગુજરાતટ્રેન્ડિંગ

રાજકોટમાં પ્રસંગેથી પરત ફરતા પરિવારને ટ્રકે મારી ટક્કર: સાસુ-વહુનાં થયાં મૃત્યુ

રાજકોટ, 5 મે 2025: રાજકોટમાં એક કરૂણ હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ગોંડલ રોડ પર કોરાટ ચોક નજીક ટ્રકે હડફેટે લેતા સાસુ વહુના મૃત્યુ નિપજ્યા છે. ટ્રક ચાલકે બેફામ ટ્રક ચલાવી ટુ-વ્હીલરને હડફેટે લીધું હતું અને ત્યારબાદ અકસ્માત સર્જીને ટ્રક ચાલક ફરાર થયો હતો ગોંડલના વતની સાસુ-વહુના મૃત્યુ થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. જનોઇ પ્રસંગે સાસુ-વહુ રાજકોટ આવ્યા હતા.

રાત્રીના 1:00 વાગ્યા આસપાસ 5 મે 2025 ના રોજ મનોજભાઈ બાવનીયા તેમજ તેમનો પુત્ર વ્યોમ બાવનીયા પોત પોતાની પત્ની સાથે ટુ-વ્હીલર ઉપર રાજકોટ ખાતેથી ગોંડલ પર જઈ રહ્યા હતા. જે દરમિયાન ટ્રક ચાલક દ્વારા રાજકોટ ગોંડલ હાઇવે ઉપર આવેલી કોરાટ ચોકડી પાસે પિતા પુત્રને તેમની પત્નીઓ સાથે અડફેટે લેવામાં આવતા 49 વર્ષીય જ્યોતિબેન બાવનીયા તેમજ તેમની 23 વર્ષીય પુત્રવધુ જાનવી બાવનીયાનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. અકસ્માતની ઘટનામાં મનોજભાઈ તેમજ તેમના પુત્ર વ્યોમને પણ ઇજા પહોંચતા સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મૃતદેહને પીએમ અર્થે રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

સમગ્ર મામલે પરિવાર દ્વારા શાપર વેરાવળ પોલીસને હિટ એન્ડ રનની ફરિયાદ નોંધવા બાબતે જણાવવામાં આવ્યું છે. જોકે પોલીસ દ્વારા હિટ એન્ડ રન બાબતની ફરિયાદ નોંધવામાં નથી આવી રહી. જેથી પરિવાર રાજકોટ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા જઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. તેમજ જ્યાં સુધી હિટ એન્ડ રનની ફરિયાદ નોંધવામાં નહીં આવે ત્યાં સુધી અમે મૃતદેહ ન સ્વીકારવો પ્રકારની ચીમકી પરિવારજનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. તો બીજી તરફ મળતી વિગતો અનુસાર ટ્રક લઈ ભાગી ચૂકેલા ચાલકને પોલીસે ઝડપી લીધો હોવાનું પણ હાલ જાણવા મળી રહ્યું છે. પિતા પુત્ર પ્રાઇવેટ નોકરી કરતા હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો..શેરબજારમાં જોવા મળ્યો ઉછાળો: સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ 80,000ને પાર

Back to top button