ગુજરાતટ્રેન્ડિંગ

વડોદરા: નશામાં ધૂત નબીરાએ ફૂટપાથ સૂતેલા શ્રમિક પરિવારને કચડ્યો

  • અકસ્માતમાં 4 વર્ષના એક માસૂમ બાળકનું ઘટનાસ્થળે મોત
  • ગમખ્વાર અકસ્માતમાં અન્ય 4 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા
  • કારની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની બોટલો મળી

વડોદરામાં ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે, જેમાં નશામાં ધૂત એક કારચાલકે બેફામ ગતિએ કાર હંકારીને ફૂટપાથ પર સૂતેલા એક શ્રમજીવી પરિવારને કચડી નાખ્યો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં 4 વર્ષના એક માસૂમ બાળકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું અને અન્ય 4 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા.

નીતિન ઝાએ પોતાનો કાબૂ ગુમાવી કાર ફૂટપાથ પર ચડાવી દીધી

શહેરના અવધૂત ફાટક નજીક વિશ્વામિત્રી રોડ પર ઘટના બની હતી. નશામાં ધૂત કારચાલક નીતિન ઝાએ પોતાનો કાબૂ ગુમાવી કાર ફૂટપાથ પર ચડાવી દીધી હતી. તેણે ફૂટપાથ પર સૂતા શ્રમિક પરિવારને કચડી નાંખ્યા હતા. આ અકસ્માતમાં 4 વર્ષના માસૂમ બાળક ઉપર કારના પૈડાં ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

મૃતક બાળકનું નામ નીતિન હોવાનું સામે આવ્યું

મૃતક બાળકનું નામ નીતિન હોવાનું સામે આવ્યું છે. આ સિવાય સોનિયાબહેન અને આશાબહેન સહિતના અન્ય 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત સર્જીને કારચાલક નીતિન ઝા કાર લઈને ભાગી છૂટ્યો હતો. જોકે, ત્યાં હાજર લોકોએ તેનો પીછો કરીને તેને અક્ષર ચોક પાસે ઝડપી પાડ્યો હતો અને તેને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. આ દરમિયાન પોલીસ સ્થળ પર પહોંચી હતી અને કારની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જે પોલીસે કબ્જે કરી કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો: ગુજરાત રાજયમાં હાલ બેવડી સિઝન, જાણો ક્યા છે વરસાદની આગાહી

Back to top button