ગુજરાતટ્રેન્ડિંગ

ઉત્તરાખંડના યુવકને ફાડી ખાનાર 4 સિંહોને ઝૂમાં કરાયા કેદ

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક એક આઘાતજનક ઘટના સામે આવી છે. અહીં એક નિર્દોષ યુવક પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારનાર 4 સિંહોને વન વિભાગે આજીવન જૂનાગઢના સક્કરબાગ ઝૂ (Sakkarbaug Zoo) માં કેદ રાખવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. વન વિભાગ દ્વારા લેવાયેલા સિંહોના સેમ્પલના લેબોરેટરી રિપોર્ટમાં સત્તાવાર પુષ્ટિ થઈ છે કે આ જ સિંહોએ માનવ ભક્ષણ કર્યું હતું.

સિંહોના ટોળાએ યુવકને ફાડી ખાધો હતો

થોડા દિવસો અગાઉ રાજુલાના કોવાયા ગામ નજીક ઉત્તરાખંડના રહેવાસી પ્રકાશચંદ્ર નામના એક યુવક પર રાત્રિના સમયે સિંહોના ટોળાએ અચાનક હુમલો કરીને તેનો ક્રૂરતાપૂર્વક શિકાર કર્યો હતો. આ ગંભીર અને ભયાનક ઘટનાને પગલે વન વિભાગ તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું હતું.

ઘટનાસ્થળની આસપાસના વિસ્તારોમાંથી લોકેશન ટ્રેસ કરીને રાજુલા રેન્જ વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ 2 પાઠડા (યુવાન સિંહ) અને 2 પુખ્ત સિંહો સહિત કુલ 4 સિંહોને પાંજરે પૂર્યા હતા અને તેમને ઓબ્ઝર્વેશન હેઠળ રાખ્યા હતા.

લેબ રિપોર્ટમાં થઈ મોટી પુષ્ટિ: સિંહોના મળમાંથી મળ્યા માનવ અવશેષો

વન વિભાગે પકડેલા ચારેય સિંહો માનવભક્ષી છે કે નહીં તે તપાસવા માટે વન્યજીવ નિયમો અનુસાર તેમના મળ (Fecal Matter) અને અન્ય જરૂરી સેમ્પલ મેળવ્યા હતા. આ સેમ્પલ્સને તાત્કાલિક તપાસ અર્થે સાસણ ગીર લેબોરેટરી (Sasan Gir Laboratory) માં મોકલવામાં આવ્યા હતા.

આ લેબ રિપોર્ટના આધારે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ સત્તાવાર રીતે સ્પષ્ટ કર્યું છે કે, મૃતક યુવકના શરીરના અવશેષો અને વાળ આ ચારેય સિંહોના સેમ્પલમાંથી મળી આવ્યા છે. આ વૈજ્ઞાનિક પુરાવા દર્શાવે છે કે આ ચારેય સિંહો માણસનો શિકાર કરીને માનવભક્ષી બન્યા હતા.

ભવિષ્યમાં જંગલ કે ખુલ્લી વસાહતમાં મુક્તિ નહીં

વન વિભાગના કાયદા અને નિયમો અનુસાર, જે વન્યજીવ એકવાર માનવ લોહીનો સ્વાદ ચાખી ચૂકે છે, તેને ફરી ક્યારેય ખુલ્લા જંગલમાં કે માનવ વસાહતની આસપાસ છોડી શકાય નહીં, કારણ કે તે ભવિષ્યમાં પણ મનુષ્યો પર હુમલા ચાલુ રાખે છે.

વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ચારેય સિંહોને હવે આજીવન સક્કરબાગ ઝૂના એનિમલ કેર સેન્ટર (Animal Care Centre) ના બંધ પાંજરામાં જ રાખવામાં આવશે. ભવિષ્યમાં જો લાંબા સમય બાદ તેમના વર્તનમાં કોઈ સકારાત્મક સુધારો જણાય અને વાઇલ્ડલાઇફ નિષ્ણાતો લીલી ઝંડી આપે, તો જ તેમને સક્કરબાગથી કોઈ બંધિયાર નેશનલ પાર્ક (સફારી પાર્ક) માં શિફ્ટ કરવા અંગે વિચારણા થઈ શકે છે. જોકે, તેમને સામાન્ય જંગલ કે રેવન્યુ વિસ્તારો નજીક ક્યારેય મુક્ત કરવામાં નહીં આવે. વન વિભાગે આ સમગ્ર પ્રકરણને અત્યંત ગંભીરતાથી લઈને આસપાસના ગામોમાં નાઇટ પેટ્રોલિંગ પણ સઘન બનાવ્યું છે.

અમરેલી અને ભાવનગર જિલ્લામાં વન્યપ્રાણીઓના હુમલાની તાજેતરની ઘટનાઓ

છેલ્લા કેટલાક સમયથી અમરેલી અને ભાવનગર જિલ્લાના દરિયાકાંઠાના અને જંગલ વિસ્તારોમાં વન્યપ્રાણીઓ દ્વારા માનવ પર હુમલા અને માનવ મૃત્યુની આશંકાવાળી ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે, જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે:

ક્રમ તારીખ જિલ્લો તાલુકો ગામ ઘટનાની વિગત
1 26/05/2026 અમરેલી જાફરાબાદ ભાકોદર વન્યપ્રાણીના હુમલામાં માનવ શરીરના અવશેષો મળ્યા (માનવ મૃત્યુ)
2 15/06/2026 અમરેલી સાવરકુંડલા જુના સાવર માનવ શરીરના કેટલાક અવશેષો મળ્યા (માનવ મૃત્યુની આશંકા)
3 16/06/2026 અમરેલી રાજુલા કોવાયા સિંહ દ્વારા ઉત્તરાખંડના યુવકનો શિકાર (માનવ મૃત્યુ)
4 17/06/2026 ભાવનગર મહુવા ગઢડા માનવ મૃત્યુના અવશેષો મળી આવ્યા
5 24/06/2026 અમરેલી ખાંભા ચતુરી વન્યપ્રાણી દ્વારા 5 વર્ષના માસૂમ બાળકનો શિકાર (માનવ મૃત્યુ)
6 – અમરેલી બગસરા ઘંટીયાણ વન્યપ્રાણીના હુમલામાં માનવ મૃત્યુની ઘટના

આ પણ વાંચોઃ બિસ્કિટ કંપનીના દાવા પર FSSAIની કાર્યવાહી, 100% લોટ અને નો એડેડ શુગર પર ઉઠ્યા સવાલ

આ પણ વાંચોઃ અસલામત અમદાવાદઃ ધોળા દિવસે કારનો કાચ તોડી રૂ. 50 લાખ ભરેલી બેગ લઈ લૂંટારુઓ ફરાર

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button