રાજ્યમાં ડૂબવાની 3 ઘટનામાં 4 બાળકોના મૃત્યુ

અમરેલી, તા.30 મે, 2025: રાજ્યમાં પાણીમાં ડૂબવાની ત્રણ ઘટના બની હતી. જેમાં ચાર બાળકોના મૃત્યુ થયા હતા અને ત્રણને બચાવાયા હતા.અમરેલી જિલ્લાના સાવરકુંડલા નજીક આકાશી મેલડી મંદિર પાસે આવેલા ભેંસણિયા ડેમમાં ત્રણ બાળક નાહવા પડતાં દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં બે બાળકનાં કરુણ મૃત્યુ થયાં હતા, જ્યારે એક બાળકનો આબાદ બચાવ થયો હતો. ત્રણેય બાળક સાવરકુંડલાના જેસર રોડ વિસ્તારમાં રહેતાં હતાં. ડેમમાં નાહવા પડેલાં બાળકોમાંથી 14 વર્ષીય કૃણાલ સોલંકી અને 10 વર્ષીય મંત્ર મસરાણી ડૂબી ગયાં હતાં. 13 વર્ષીય મોહિત સોલંકીનો આબાદ બચાવ થયો હતો. ઘટનાને પગલે પરિવારજનોમાં ભારે શોક પ્રસરી જવા પામ્યો હતો અને સાવરકુંડલા સિવિલમાં પરિવારના હૈયા ફાટ રુદનના કરૂણ દ્વશ્યો સર્જાયા હતા.

હળવદ તાલુકાના કડીયાણા ગામે વોકળામાં નહાવા પડેલા બે કિશોરના મૃત્યુ નીપજ્યા હતા. આદિત્ય ભરવાડ (ઉં.વ. 13) અને પ્રિન્સ ભરવાડ (ઉં.વ. 12) નામના બે કિશોર પોતાના દાદાની સાથે ખેતરમાં ગયા હતા ત્યારે ખેતરની બાજુમાંથી પસાર થતાં વોકળામાં નહાવા પડ્યા હતા અને ડૂબવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં ગ્રામજનો અને પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
બાળકો ડૂબવાનો બનાવ જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ ગામે બન્યો હતો. જેમાં નેત્રાવતી નદીમાં નહાવા પડેલા ત્રણ બાળકો ડૂબવા લાગ્યા હતા. ત્યારે આ અંગે માછીમારોને જાણ થતાં તેમને નદીમાંથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા. માછીમારો અને તરવૈયાની સમયસૂચકતાને લીધે બાળકોનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ સુરતમાં ડીજીવીસીએલનો નાયબ ઈજનેર રૂ. 10 હજારની લાંચ લેતા ઝડપાયો












