બોટાદમાં ૧૧ બાળકોને મળ્યો ભિક્ષાવૃતિમાંથી મુક્તિનો માર્ગ, માતાપિતાએ જ મોકલ્યા હતા ભીખ માંગવા

બોટાદ, તા.૬ ઓગસ્ટ, ૨૦૨૫: જિલ્લા બાળ સુરક્ષા એકમ-બોટાદ અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે શહેરમાં બાળ ભિક્ષાવૃતિ નાબૂદી માટે રેડ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયના માર્ગદર્શન અને પોલીસ અધિક્ષક કે.એફ. બલોળીયાની રાહબરી હેઠળ, રેડ દરમિયાન બોટાદ બસ સ્ટેન્ડ અને રોકડિયા હનુમાન મંદિર વિસ્તારમાંથી ૧૧ બાળ ભિક્ષુક બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.
માતાપિતા દ્વારા ભીખ માંગવા માટે મોકલવામાં આવ્યા હતા
આ બાળકોને તેમના પોતાના માતાપિતા દ્વારા ભીખ માંગવા માટે મોકલવામાં આવ્યા હતા. બાળ કલ્યાણ સમિતિ સમક્ષ બાળકોને રજુ કર્યા બાદ વાલીઓને પણ બોલાવીને સમજાવવામાં આવ્યું કે બાળ ભિક્ષાવૃતિ કરાવવી ગુનાહિત પ્રવૃત્તિ છે. બાળ કલ્યાણ સમિતિના ચેરમેન વિરેન્દ્રસિંહ મોરી અને સભ્યો દ્વારા વાલીઓને બાળકોના ભવિષ્ય માટે શાળામાં અભ્યાસ કરાવવા સૂચના આપી હતી. જરૂરી દસ્તાવેજોની ચકાસણી બાદ બાળકોને તેમના વાલી-વારસને સોંપવામાં આવ્યા હતા.
બાળકોને સંસ્થાકીય આશ્રયની જરૂરિયાત જણાતા તેમને માટે જરૂરી વ્યવસ્થા પણ હાથ ધરવામાં આવી હતી. તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા અને સરકારી યોજનાઓનો લાભ અપાવવાની કામગીરી અધિકારીઓ દ્વારા શરુ કરવામાં આવી હતી. આ બાળકો ફરી બાળ ભિક્ષાવૃતિમાં ન ધકેલાય તે બાબતે બાળકોના શ્રેષ્ઠ હિતને ધ્યાને લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચોઃ બિહારમાં ડોનાલ્ડ ટ્રમ્પના નામે રહેણાંક પ્રમાણપત્રની અરજીથી સમસ્તીપુરમાં હડકંપ: અધિકારીઓ ચોંકી ગયા











