Most Devastating War: હાલના સમયમાં અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધ ફાટી પડ્યું છે. રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષ કરતા પણ વધારે સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે આ ઉપરાંત પાકિસ્તાન અને અફ્ઘાનિસ્તાન વચ્ચે પણ યુદ્ધ જેવી સ્થિતિ છે. જો કે આ પહેલીવાર નથી અગાઉ પણ અનેક યુદ્ધ થયા છે જેમાં અનેક લોકોના મોત થયા છે. આજે આપણે એક એવા મહાવિનાશકારી યુદ્ધની વાત કરીશું જેમાં સાત કરોડ લોકો હોમાયા હતા.
ઇતિહાસના સૌથી વિનાશકારી સંઘર્ષ
દુનિયાના ઈતિહાસમાં અનેક મોટા અને ભયાનક યુદ્ધો થયા છે, પરંતુ સૌથી વિનાશકારી અને રક્તરંજિત યુદ્ધ તરીકે World War II એટલે કે દ્વિતીય વિશ્વ યુદ્ધનું નામ લેવામાં આવે છે. વર્ષ 1939 થી 1945 સુધી ચાલેલા આ યુદ્ધમાં વિશ્વના મોટા ભાગના દેશો સામેલ થયા હતા. અંદાજે 4 કરોડથી 7 કરોડ લોકો સુધીના લોકોના મૃત્યુ થયા હોવાનું ઈતિહાસકારો જણાવે છે, જેના કારણે તેને માનવ ઇતિહાસના સૌથી વિનાશકારી સંઘર્ષોમાં ગણવામાં આવે છે.
આ રીતે થઈ દ્વિતીય વિશ્વ યુદ્ધની શરૂઆત
દ્વિતીય વિશ્વ યુદ્ધની શરૂઆત 1 સપ્ટેમ્બર 1939ના રોજ થઈ હતી, જ્યારે જર્મની (Germany)એ પોલેન્ડ (Poland) પર આક્રમણ કર્યું હતું. ત્યારબાદ બ્રિટેન (Britain) અને ફ્રાંસ (France)એ જર્મની સામે યુદ્ધ જાહેર કર્યું અને વિશ્વવ્યાપી સંઘર્ષની શરૂઆત થઈ. આ યુદ્ધમાં બે મુખ્ય ગઠબંધનો હતા, ધુરી રાષ્ટ્રો અને મિત્ર રાષ્ટ્રો. ધુરી રાષ્ટ્રોમાં જર્મની, ઈટાલી (Italy) અને જાપાન (Japan)નો સમાવેશ થતો હતો, જ્યારે મિત્ર રાષ્ટ્રોમાં બ્રિટન, ફ્રાન્સ, યુનાટેડ સ્ટેટ્સ (United States) અને સોવિયત સંઘ (Soviet Union) સહિત ઘણા દેશો જોડાયા હતા.
અનેક દેશોની અર્થવ્યવસ્થાઓ તબાહ થઈ
આ યુદ્ધમાં માત્ર સૈનિકો જ નહીં, પરંતુ સામાન્ય નાગરિકોએ પણ ભારે જાનહાનિ સહન કરવી પડી. અંદાજ મુજબ લગભગ 2 કરોડ સૈનિકો અને 5 કરોડ જેટલા નાગરિકો યુદ્ધ, બોમ્બમારી, ભૂખમરો અને અન્ય પરિસ્થિતિઓના કારણે મોતને ભેટ્યા હતા. યુરોપ અને એશિયાના અનેક મોટા શહેરો યુદ્ધ દરમિયાન સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયા હતા, જેના કારણે અનેક દેશોની અર્થવ્યવસ્થાઓ તબાહ થઈ ગઈ.
ઈતિહાસમાં ક્યારેય ન જોવાયેલો ઘટનાક્રમ
દ્વિતીય વિશ્વ યુદ્ધનું સૌથી ભયાનક અને ઈતિહાસમાં ક્યારેય ન જોવાયેલો ઘટનાક્રમ ત્યારે બન્યો, જ્યારે અમેરિકા (United States)એ જાપાના હિરોશિમા (Hiroshima) અને નાગાસાકિ (Nagasaki) શહેરો પર પરમાણુ બોમ્બ ઝીંકી દીધા હતા. આ હુમલા માનવ ઇતિહાસમાં પ્રથમ અને એકમાત્ર પરમાણુ બોમ્બ હુમલા તરીકે નોંધાયા છે. આ હુમલાઓ બાદ જાપાને સમર્પણ કર્યું અને 1945માં યુદ્ધનો અંત આવ્યો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લીંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
યુદ્ધમાં ભારતના સૈનિકોએ ભાગ લીધો હતો
આ મહાવિનાશકારી યુદ્ધમાં ભારતના પણ લાખો સૈનિકોએ ભાગ લીધો હતો. તે સમયે ભારત બ્રિટિશ શાસન હેઠળ હતું અને ભારતીય સૈનિકોએ મિત્ર રાષ્ટ્રોની તરફથી વિવિધ મોરચાઓ પર લડાઈ લડી હતી. તેમની બહાદુરી અને યોગદાનને વિશ્વ ઇતિહાસમાં મહત્વપૂર્ણ સ્થાન મળ્યું છે. દ્વિતીય વિશ્વ યુદ્ધનો અસર માત્ર જાનહાનિ કે વિનાશ સુધી મર્યાદિત રહી નહોતી. આ યુદ્ધ બાદ વિશ્વની રાજકીય અને ભૂ-રાજકીય વ્યવસ્થામાં મોટો ફેરફાર આવ્યો. અનેક દેશોની સીમાઓ બદલાઈ, નવા દેશો ઉભા થયા અને આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં નવી શક્તિઓનો ઉદય થયો.

સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના થઈ
આ યુદ્ધનું એક મહત્વપૂર્ણ પરિણામ સંયુક્ત રાષ્ટ્ર સંઘ (United Nations)ની સ્થાપના હતું. 1945માં સ્થાપિત થયેલ આ આંતરરાષ્ટ્રીય સંસ્થા વિશ્વમાં શાંતિ, સુરક્ષા અને દેશો વચ્ચે સહકાર વધારવાના ઉદ્દેશ સાથે બનાવવામાં આવી હતી. દ્વિતીય વિશ્વ યુદ્ધ માનવ ઇતિહાસ માટે એક મોટો પાઠ સાબિત થયું છે. આ સંઘર્ષે બતાવ્યું કે વૈશ્વિક સ્તરે થયેલા યુદ્ધો કેટલો વિનાશ લાવી શકે છે અને શાંતિ તથા સહકારનું મહત્વ કેટલું મોટું છે. આજે પણ આ યુદ્ધને વિશ્વના ઇતિહાસમાં સૌથી મોટા અને ભયાનક યુદ્ધ તરીકે યાદ કરવામાં આવે છે.
આ પણ વાંચો : ઈરાન સાથે યુદ્ધની વચ્ચે અમેરિકાએ ખતરનાક મિસાઈલનું પરીક્ષણ કર્યું












