ટ્રેન્ડિંગવર્લ્ડ

રિક્ટર સ્કેલ પર 9.5ની તીવ્રતા! દુનિયાના સૌથી ભયાનક 10 ભૂકંપ વિશે જાણો

World News: પૃથ્વીની અંદર આવેલી ટેક્ટોનિક પ્લેટો એકબીજા સાથે અથડાય અથવા સરકે ત્યારે ભૂકંપ આવે છે. ક્યારેક માત્ર થોડી સેકન્ડ ચાલતો ભૂકંપ પણ શહેરો અને ગામોને ખંડેરમાં ફેરવી નાખે છે. ખાસ કરીને જ્યારે રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7થી 9.5 વચ્ચે હોય ત્યારે ભારે જાનહાનિ અને આર્થિક નુકસાન થાય છે. ઇતિહાસમાં અનેક એવા ભૂકંપ આવ્યા છે, જેણે લાખો લોકોના જીવનને અસર પહોંચાડી છે. ચાલો જાણીએ દુનિયાના સૌથી વિનાશક 10 ભૂકંપ વિશે.

દુનિયાના 10 સૌથી શક્તિશાળી ભૂકંપ

1. વાલ્ડિવિયા, ચિલી (22 મે, 1960) – 9.5 તીવ્રતા

આ અત્યાર સુધીનો વિશ્વનો સૌથી શક્તિશાળી ભૂકંપ માનવામાં આવે છે. તેના પછી આવેલી સુનામીએ હજારો કિલોમીટર દૂર સુધી તબાહી મચાવી હતી. અંદાજે 1,655થી 6,000 લોકોના મોત થયા અને લગભગ 20 લાખ લોકો બેઘર બન્યા હતા.

2. પ્રિન્સ વિલિયમ સાઉન્ડ, અલાસ્કા (27 માર્ચ, 1964) – 9.2 તીવ્રતા

‘ગ્રેટ અલાસ્કા અર્થક્વેક’ તરીકે ઓળખાતા આ ભૂકંપ પછી સુનામી અને ભૂસ્ખલન થયું હતું. લગભગ 131 લોકોના મોત થયા હતા.

3. સુમાત્રા, ઇન્ડોનેશિયા (26 ડિસેમ્બર, 2004) – 9.1 તીવ્રતા

હિંદ મહાસાગરમાં આવેલા આ ભૂકંપ બાદ ભયાનક સુનામી આવી હતી. ભારત, શ્રીલંકા, ઇન્ડોનેશિયા અને થાઈલેન્ડ સહિત 14 દેશોમાં વિનાશ સર્જાયો હતો. અંદાજે 2.27 લાખથી વધુ લોકોના મોત થયા હતા.

4. તોહોકુ, જાપાન (11 માર્ચ, 2011) – 9.0 તીવ્રતા

40 મીટર ઊંચી સુનામીના કારણે ફુકુશિમા પરમાણુ પ્લાન્ટમાં રેડિયેશન લીક થયું હતું. 22 હજારથી વધુ લોકોના મોત અથવા ગુમ થયા હતા. વર્લ્ડ બેન્કના અંદાજ મુજબ દેશનો અબજો રૂપિયાનું નુકસાન થયું હતું.

5. કામચટકા, રશિયા (4 નવેમ્બર, 1952) – 9.0 તીવ્રતા

13 મીટર ઊંચી સુનામીના કારણે સેવેરો-કુરીલ્સ્ક શહેર લગભગ સંપૂર્ણપણે નષ્ટ થયું. આશરે 2,336 લોકોના મોત થયા. 20મી સદીનો આ સૌથી ખતરનાક ભૂકંપ માનવામાં આવે છે.

6. માઉલે, ચિલી (27 ફેબ્રુઆરી, 2010) – 8.8 તીવ્રતા

ચિલીની લગભગ 80 ટકા વસ્તીએ આ ભૂકંપ અનુભવ્યો હતો. ત્યારબાદ આવેલી સુનામીથી તટીય વિસ્તારોમાં નુકસાન થયું હતું. લગભગ 525 લોકોના મોત થયા હતા અને કરોડોનું નુકસાન થયું હતું.

7. ઇક્વાડોર-કોલંબિયા કિનારો (31 જાન્યુઆરી, 1906) – 8.8 તીવ્રતા

પ્રશાંત મહાસાગરમાં આવેલા આ ભૂકંપ અને સુનામીમાં અંદાજે 1,000થી 1,500 લોકોના મોત થયા. એ સમયે આધુનિત ચેતવણી વ્યવસ્થા ન હોવાને કારણે લોકોને બચવાનો મોકો મળી શક્યો ન હતો.

8. રેટ આઇલેન્ડ્સ, અલાસ્કા (4 ફેબ્રુઆરી, 1965) – 8.7ની તીવ્રતા

આ ભૂકંપ સમુદ્રની નજીક આવેલા દૂરના અને લગભગ નિર્જન વિસ્તારમાં આવ્યો હતો. તેના કારણે લગભગ 10 મીટર ઊંચી સુનામી સર્જાઈ હતી, પરંતુ વિસ્તારની વસ્તી ખૂબ ઓછી હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી. કેટલીક ઇમારતો અને બંદરોને સામાન્ય નુકસાન થયું હતું. આ ઘટના દર્શાવે છે કે જો શક્તિશાળી ભૂકંપ ઓછી વસ્તીવાળા વિસ્તારમાં આવે તો જાનહાનિ નોંધપાત્ર રીતે ઓછી થઈ શકે છે.

9. આસામ-તિબેટ ભૂકંપ (15 ઓગસ્ટ, 1950) – 8.6ની તીવ્રતા

આ ભારતના ઇતિહાસના સૌથી શક્તિશાળી ભૂકંપોમાંનો એક હતો. તેનું કેન્દ્ર તિબેટની સરહદ નજીક હતું, પરંતુ સૌથી વધુ અસર આસામ અને ઉત્તર-પૂર્વ ભારત પર પડી હતી. ભારે ભૂસ્ખલન થતાં અનેક નદીઓમાં કાટમાળ ભરાઈ ગયો અને ત્યારબાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં અંદાજે 1,500થી 4,800 લોકોના મોત થયા હતા. અનેક ગામો સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા હતા અને હજારો લોકોને પોતાનું ઘર છોડવાની ફરજ પડી હતી.

10. ઉત્તર સુમાત્રા, ઇન્ડોનેશિયા (11 એપ્રિલ, 2012) – 8.6ની તીવ્રતા

સમુદ્રની અંદર આવેલા આ શક્તિશાળી ભૂકંપની તીવ્રતા 8.6 હતી. જોકે તેની પ્રકૃતિ અલગ હોવાથી મોટી સુનામી સર્જાઈ નહોતી. તેમ છતાં હિંદ મહાસાગર આસપાસના અનેક દેશોમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી. આ દુર્ઘટનામાં માત્ર 10 લોકોના મોત થયા હતા અને મોટા પાયે નુકસાન ટળી ગયું હતું.

જાપાનમાં ભૂકંપ છતાં મોત કેમ ઓછા થાય છે?

જાપાન દર વર્ષે સેંકડો ભૂકંપનો સામનો કરે છે, છતાં અન્ય દેશોની સરખામણીએ ત્યાં જાનહાનિ ઓછી થાય છે. તેનું મુખ્ય કારણ આધુનિક પૂર્વચેતવણી પ્રણાલી, ભૂકંપપ્રૂફ ઇમારતો અને લોકોમાં જાગૃતિ છે.

જાપાને સમુદ્રની નીચે S-Net નામનું અદ્યતન સેન્સર નેટવર્ક સ્થાપિત કર્યું છે, જે ભૂકંપ અને સુનામીની અગાઉથી જાણ કરી શકે છે. ઉપરાંત ત્યાંની ઇમારતો કડક ભૂકંપરોધક ધોરણો મુજબ બનાવવામાં આવે છે અને શાળાઓ તથા ઓફિસોમાં નિયમિત બચાવ અભ્યાસ પણ કરાવવામાં આવે છે. આ કારણે મોટા ભૂકંપ છતાં જાનહાનિ ઘણી હદ સુધી ઘટાડી શકાય છે.

આ પણ વાંચોઃ ડિજિટલ ગોલ્ડ ટ્રેડિંગના નામે છેતરપિંડી : 5 મહિનામાં 21 ટ્રાંઝેક્શન દ્વારા 3.6 કરોડની કરી ઠગાઈ
Back to top button