ટ્રેન્ડિંગવર્લ્ડ

ભારતનો મોટો નિર્ણય, નેપાળને મળશે 654 મેગાવોટ વીજળી

Nepal: નેપાળમાં તાજેતરમાં આવેલા પૂરથી (Nepal Flood) ભયાનક તારાજી સર્જાઈ છે, જેમાં આશરે 1365 લોકોએ જીવ ગુમાવ્યા છે. અનેક લોકો હજુ પણ લાપતા છે. પરિજનો પોતાના સ્વજનોની રાહ જોઈ રહ્યા છે, જ્યારે કેટલાક પરિવારોએ પોતાના રીતિ-રિવાજ મુજબ લાપતા સભ્યોને મૃત માનીને તેમની અંતિમવિધિ પણ સંપન્ન કરી દીધી છે.

નેપાળ પર આવી પડેલી આ કુદરતી આપત્તિના સમયે ભારતે સતત સહાય પૂરી પાડી છે. હેલિકોપ્ટર દ્વારા રાહત-બચાવ કામગીરી હાથ ધરવાથી લઈને આશરે 130 ટન રાહત સામગ્રી મોકલવા સુધી, દેશે પાડોશી રાષ્ટ્રને તમામ સ્તરે સાથ આપ્યો છે. હવે અહેવાલ સામે આવ્યા છે કે ભારત નેપાળને 654 મેગાવોટ (MW) વીજળી પૂરી પાડશે.

પૂરમાં નેપાળના હાઇડ્રોપાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને થયેલા વ્યાપક નુકસાન બાદ ભારતે નેપાળને વધારાની વીજળી નિકાસ કરવાની મંજૂરી આપી છે. ઊર્જા મંત્રાલયે 13 સપ્ટેમ્બરથી 31 ડિસેમ્બર 2026 સુધી દરરોજ 18 કલાક (એટલે કે રાત્રે 00:00 થી સાંજના 18:00 વાગ્યા સુધી) નેપાળ વિદ્યુત સત્તામંડળને વીજળી નિકાસ કરવાની પરવાનગી આપી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

બે પાવર ટ્રાન્સમિશન લાઇન દ્વારા વીજ પુરવઠો અપાશે

ભારત તરફથી નેપાળને આ વધારાની વીજળી બે મુખ્ય ટ્રાન્સમિશન લાઈનો દ્વારા પૂરી પાડવામાં આવશે, જેમાં 400 kV ક્ષમતા ધરાવતી મુઝફ્ફરપુર-ઢલકેબર લાઇન મારફતે મહત્તમ 600 MW અને 132 kV ક્ષમતા ધરાવતી ટનકપુર-મહેન્દ્રનગર લાઇન દ્વારા મહત્તમ 54 MW વીજળી અપાશે, આમ બંને લાઈનો મળીને નેપાળને કુલ 654 MW સુધીનો મહત્તમ વીજ પુરવઠો પ્રાપ્ત થશે.

પૂરના કારણે હાઇડ્રોપાવરને મોટો ફટકો

નેપાળની સમગ્ર વીજળી વ્યવસ્થામાં હાઇડ્રોપાવર અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. તાજેતરના પૂર અને ભારે વરસાદને કારણે અનેક જળવિદ્યુત પ્રોજેક્ટ્સ, ટ્રાન્સમિશન નેટવર્ક અને વીજ ઉત્પાદન સાથે સંકળાયેલા માળખાગત ઢાંચાને ભારે નુકસાન પહોંચ્યું છે. પરિણામે નેપાળની સ્થાનિક વીજ ઉત્પાદન ક્ષમતા ઘટી ગઈ છે અને માંગમાં વધારો થયો છે.

આવા મુશ્કેલ સમયમાં ભારત તરફથી મળનારી વધારાની વીજળી નેપાળ માટે તાત્કાલિક રાહતરૂપ સાબિત થશે. ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં પૂરને કારણે ઉત્પાદન કે સપ્લાય ખોરવાયો છે, ત્યાં ભારતનો વીજ પુરવઠો અછત દૂર કરવામાં સહાયક બનશે.

આ પણ વાંચો:ચીન સામે ભારતની જમીન નહીં બને હથિયાર, બીજિંગનો દાવો

31 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે વીજ નિકાસ

ઊર્જા મંત્રાલયની મંજૂરી અનુસાર આ વધારાની વીજ નિકાસ 13 સપ્ટેમ્બરથી 31 ડિસેમ્બર 2026 સુધી અમલમાં રહેશે. નેપાળને દૈનિક 18 કલાક વીજળી પૂરી પાડવાની જોગવાઈ કરાઈ છે. આ વ્યવસ્થા હાલ પૂરતી કામચલાઉ છે. ડિસેમ્બર 2026માં તેની સમીક્ષા કરવામાં આવશે અને તેના આધારે જાન્યુઆરી 2027થી વીજ નિકાસનો જથ્થો નક્કી કરવામાં આવશે.

ભારત-નેપાળ ઊર્જા સહયોગ વધુ મજબૂત બનશે

ભારત અને નેપાળ વચ્ચે ઊર્જા ક્ષેત્રે અગાઉથી જ ગાઢ સહયોગ ચાલી રહ્યો છે. નેપાળમાં હાઇડ્રોપાવર ક્ષમતા વધવાની સાથે બંને દેશો વચ્ચે ઊર્જા વેપાર પણ ખૂબ મહત્વપૂર્ણ બન્યો છે. કુદરતી આપત્તિ બાદ ભારતે તાત્કાલિક લીધેલો આ નિર્ણય નેપાળની તાતી જરૂરિયાત પૂર્ણ કરવાની સાથે બંને દેશો વચ્ચેના ઊર્જા સંબંધોને નવી ઊંચાઈ આપશે. જોકે, 654 MW એ મહત્તમ મંજૂર થયેલી ક્ષમતા છે, અને વાસ્તવિક સપ્લાય વીજળીની ઉપલબ્ધતા તેમજ ગ્રીડની સ્થિતિ પર આધારિત રહેશે.

આ પણ વાંચો:પરંપરાગત અંદાજમાં સામંથાનું બેબી શાવર, તસવીરો થઈ વાયરલ

Back to top button