ટ્રેન્ડિંગવર્લ્ડ

હોર્મુઝના તણાવ વચ્ચે ઈઝરાયલના વિદેશ મંત્રીએ એસ જયશંકરને લગાવ્યો ફોન, આ થઈ વાત

Middle East Crisis: મધ્ય પૂર્વ મુદ્દે મોટા સમાચાર આવી રહ્યા છે. ઈઝરાયલના વિદેશ મંત્રી ગિદિયોન સારે ભારતના વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર સાથે ફોન પર વાતચીત કરી છે. જયશંકરે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જાણકારી આપી કે આજે મંગળવારે બપોરે ઈઝરાયલના વિદેશ મંત્રી સાથે ફોન પર વાત થઈ, જેમાં પશ્ચિમ એશિયાની વર્તમાન સ્થિતિને લઈને અનેક પાસાઓ પર ચર્ચા કરવામાં આવી છે. બંને વચ્ચે પશ્ચિમ એશિયાની બગડતી સ્થિતિ, ખાસ કરીને ઈરાન, લેબનોન અને હોર્મુઝ સ્ટ્રેટમાં સુરક્ષાના પડકારો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ અંગેની માહિતી ઈઝરાયલના વિદેશ મંત્રીએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી છે.

ઈરાનને પરમાણુ હથિયાર મેળવતા રોકવું જરૂરી

ઇઝરાયલના વિદેશ પ્રધાન ગિદિયોન સા’રે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાયની સુરક્ષા માટે ઈરાનને પરમાણુ હથિયાર મેળવતા રોકવું અનિવાર્ય છે. ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે હંમેશની જેમ સુખદ વાતચીત થઈ. અમે ઈરાન, હોર્મુઝ સ્ટ્રેટ અને લેબનોન પર ચર્ચા કરી છે. મેં કહ્યું કે ઈરાનને પરમાણુ હથિયાર મેળવતા રોકવા માટેની શરતો પર વાતચીતમાં અમેરિકાનું સ્પષ્ટ વલણ સમગ્ર આંતરરાષ્ટ્રીય સમુદાય માટે જરૂરી છે.

ઈરાન સામે નિર્ણાયક કાર્યવાહીની જરૂર

ગિદિયોન સા’રે જણાવ્યું કે, ઈરાન તરફથી જહાજ પરિવહનની સ્વતંત્રતામાં ઊભા કરવામાં આવી રહેલા અવરોધો વૈશ્વિક અર્થતંત્રને મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે. હવે એવી નિર્ણાયક કાર્યવાહીની જરૂર છે, જેનાથી ભારત અને ખાડી દેશો સહિત તમામ રાષ્ટ્રોના વેપારી જહાજો સુરક્ષિત રીતે અવરજવર કરી શકે. તેમણે લેબનોનની સ્થિતિ પર પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

કુવૈત-સિંગાપોરના વિદેશ મંત્રીઓ સાથે કરી વાત

આ પહેલા વિદેશ મંત્રી એસ. જયશંકરે ઈરાની બંદરો પર અમેરિકન નાકાબંધી પ્રભાવી હોવા વચ્ચે સોમવારે કુવૈત અને સિંગાપોરના પોતાના સમકક્ષો સાથે વાત કરીને પશ્ચિમ એશિયા સંકટ પર ચર્ચા કરી હતી. કુવૈતના વિદેશ મંત્રી શેખ જર્રાહ જાબેર અલ-અહમદ અલ-સબા સાથેની વાતચીત દરમિયાન જયશંકરે ત્યાં રહેતા ભારતીયોની સુરક્ષા અંગે પણ વાત કરી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આ પણ વાંચોઃ BIG Breaking: બિહારના નવા મુખ્યમંત્રીનું નામ જાહેર, ભાજપે આ નેતાને સોંપી જવાબદારી

Back to top button