ભારતમાં લોન્ચ થયું દુનિયાનું પ્રથમ વીકમાં ફક્ત એક વાર લેવાનું ઇન્સ્યુલિન, ડાયાબિટીસના દર્દીઓને રાહત

Health News: ડાયાબિટીસના કરોડો દર્દીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ડેનમાર્કની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની Novo Nordiskએ ભારતમાં Awiqli (Insulin Icodec) નામનું વિશ્વનું પ્રથમ અઠવાડિયામાં માત્ર એક વખત લેવાનું બેઝલ ઇન્સ્યુલિન લોન્ચ કર્યું છે. આ નવી સારવાર ડાયાબિટીસ મેનેજમેન્ટમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર લાવી શકે છે.
અત્યાર સુધી મોટાભાગના દર્દીઓને રોજ એક અથવા વધુ વખત ઇન્સ્યુલિન લેવું પડતું હતું. જોકે Awiqliની મદદથી હવે વર્ષ દરમિયાન 365 ઇન્જેક્શનની જગ્યાએ માત્ર 52 ઇન્જેક્શન લેવાના રહેશે. આથી દર્દીઓ માટે સારવાર વધુ સરળ અને અનુકૂળ બનશે.
કંપનીના જણાવ્યા અનુસાર ભારતમાં ઘણા દર્દીઓ રોજ ઇન્સ્યુલિન લેવાના ડર અથવા ઇન્જેક્શન અંગેની માનસિક અચકાટને કારણે સમયસર ઇન્સ્યુલિન શરૂ કરતા નથી. ઘણી વખત દર્દીઓ ઇન્સ્યુલિન થેરેપી શરૂ કરવામાં સરેરાશ 7થી 9 વર્ષનો વિલંબ કરે છે, જેના કારણે ડાયાબિટીસની જટિલતાઓનું જોખમ વધી શકે છે.
શું છે બેઝલ ઇન્સ્યુલિન?
બેઝલ ઇન્સ્યુલિન શરીરમાં દિવસભર બ્લડ શુગરનું સ્તર નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. ટાઈપ-1 ડાયાબિટીસ અને ટાઈપ-2 ડાયાબિટીસ ધરાવતા દર્દીઓ માટે તે જરૂરી બને છે.
ભારતમાં ડાયાબિટીસની ગંભીર સ્થિતિ
ભારતમાં હાલમાં અંદાજે 10.1 કરોડ લોકો ડાયાબિટીસથી પીડિત છે, જ્યારે 13.6 કરોડ લોકો પ્રિ-ડાયાબિટીસની સ્થિતિમાં છે. ઉપરાંત દેશમાં 9 લાખથી વધુ લોકો ટાઈપ-1 ડાયાબિટીસ સાથે જીવન જીવી રહ્યા છે, જેમના માટે ઇન્સ્યુલિન જીવનરક્ષક સારવાર છે.
નવી Once-Weekly Insulin થેરાપી દર્દીઓમાં સારવાર પ્રત્યેની નિયમિતતા વધારશે, ઇન્જેક્શનનો ડર ઘટાડશે અને લાંબા ગાળે બ્લડ શુગર નિયંત્રણમાં સુધારો લાવવામાં મદદરૂપ બની શકે છે.












