ચીનના રાષ્ટ્રપ્રમુખનું અમેરિકામાં ભવ્ય સ્વાગત, ટ્રમ્પે 11 વર્ષ જૂનો રેકોર્ડ તોડી સૌને ચોંકાવી દીધા
Donald Trump Xi Jinping Us Visit: અમેરિકા અને ચીન વચ્ચે વેપાર, ટેક્નોલોજી, તાઇવાન અને વૈશ્વિક રાજકારણને લઈને તણાવ વચ્ચે ચીનના પ્રમુખ શી જિનપિંગ ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે વોશિંગ્ટન પહોંચ્યા છે. બુધવાર, 23 સપ્ટેમ્બરે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મેરીલેન્ડના Joint Base Andrews ખાતે શી જિનપિંગનું જાતે વિમાન પાસે જઈ સ્વાગત કરતાં આ મુલાકાતની શરૂઆત જ ચર્ચામાં આવી ગઈ હતી. શીની આ લગભગ ત્રણ વર્ષ બાદની પ્રથમ અમેરિકા યાત્રા છે.
11 વર્ષ બાદ અમેરિકી પ્રમુખે એરબેઝ પર કર્યું સ્વાગત
ચીની પ્રમુખ શી જિનપિંગ અને તેમની પત્ની પેંગ લિયુઆનનું વિમાન Joint Base Andrews પહોંચતાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ ત્યાં હાજર હતા. બંને દંપતીએ એકબીજાનું હાથ મિલાવીને સ્વાગત કર્યું અને થોડો સમય વાતચીત કરી હતી.
President Donald J. Trump and First Lady Melania Trump greet President Xi Jinping of China and Madame Peng Liyuan upon their arrival in Washington, D.C., ahead of the state visit at the White House. pic.twitter.com/nm2vGonChM
— The White House (@WhiteHouse) September 24, 2026
C-SPANના પ્રમુખીય કાર્યક્રમોના રેકોર્ડ અનુસાર, Joint Base Andrews ખાતે અમેરિકી પ્રમુખ દ્વારા કોઈ વિદેશી નેતાનું રૂબરૂ સ્વાગત કરવાનો આ 11 વર્ષમાં પ્રથમ પ્રસંગ હતો. આ પહેલાં સપ્ટેમ્બર 2015માં તત્કાલીન પ્રમુખ બરાક ઓબામાએ પોપ ફ્રાન્સિસનું ત્યાં સ્વાગત કર્યું હતું. સામાન્ય રીતે સત્તાવાર મુલાકાતે આવતા વિદેશી નેતાઓનું મુખ્ય ઔપચારિક સ્વાગત વ્હાઇટ હાઉસ ખાતે કરવામાં આવે છે.
રેડ કાર્પેટ, મિલિટ્રી બેન્ડ અને B-1 બોમ્બરનું ફ્લાયઓવર
શી જિનપિંગના સ્વાગત માટે વિમાનની સીડીથી લગભગ 100 ફૂટ લાંબો રેડ કાર્પેટ પાથરવામાં આવ્યો હતો અને 21 સભ્યોનું ઓનર ગાર્ડ ગોઠવવામાં આવ્યું હતું. મિલિટ્રી બેન્ડ દ્વારા બંને દેશોના રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યા હતા અને તોપોની ઔપચારિક સલામી પણ આપવામાં આવી હતી.
આ સ્વાગત દરમિયાન અમેરિકન વાયુસેનાના B-1 બોમ્બર વિમાનોનું ફ્લાયઓવર પણ યોજાયું હતું. વિમાનોના ભારે અવાજ દરમિયાન ટ્રમ્પની ક્ષણિક પ્રતિક્રિયા કેમેરામાં કેદ થતાં તેનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ ચર્ચામાં આવ્યો હતો.
સ્વાગત સમારોહ બાદ ટ્રમ્પ અને શી અલગ-અલગ રવાના થયા હતા. બંને નેતાઓ વચ્ચે મુખ્ય ઔપચારિક મંત્રણાઓ ગુરુવારે યોજાવાની છે.
‘અમેરિકા અને ચીને હરીફ નહીં, ભાગીદાર બનવું જોઈએ’
અમેરિકા પહોંચ્યા બાદ જાહેર કરાયેલા લેખિત નિવેદનમાં શી જિનપિંગે અમેરિકા અને ચીનને એકબીજાના હરીફના બદલે ભાગીદાર તરીકે આગળ વધવાની જરૂર હોવાનું જણાવ્યું હતું. તેમણે બંને દેશોના વિકાસના લક્ષ્યો એકસાથે આગળ વધી શકે છે અને સહકારથી બંને દેશો તેમજ વિશ્વને લાભ થઈ શકે છે એવો સંદેશ આપ્યો હતો.
શીએ ટ્રમ્પ સાથે બંને દેશોના સંબંધો અને વૈશ્વિક પરિસ્થિતિ સંબંધિત મહત્વના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાની આશા વ્યક્ત કરી છે. ચીનના સત્તાવાર નિવેદન મુજબ બેઇજિંગ સંવાદ વધારવા, મતભેદોને નિયંત્રિત કરવા અને સહકાર વિસ્તૃત કરવા માગે છે.
US-ચીન ટ્રેડ ટ્રુસ હવે 10 જાન્યુઆરી 2027 સુધી
ટ્રમ્પ-શી બેઠક પહેલાં જ બંને દેશો વચ્ચે વેપાર મોરચે મહત્ત્વની સહમતિ થઈ છે. અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે જણાવ્યું કે અમેરિકા અને ચીને તેમના વેપાર યુદ્ધના વિરામને બે મહિના માટે લંબાવીને 10 જાન્યુઆરી 2027 સુધી ચાલુ રાખવા સંમતિ આપી છે. આ ટ્રુસ અગાઉ 10 નવેમ્બર 2026ના રોજ પૂર્ણ થવાનો હતો.
બેસેન્ટે ચીનના વાઇસ પ્રીમિયર હે લિફેંગ સાથે ચર્ચા કર્યા બાદ આ જાહેરાત કરી હતી. બેસેન્ટના જણાવ્યા પ્રમાણે વધારાના બે મહિનાથી બંને દેશોને વધુ વ્યાપક આર્થિક સમજૂતી પર કામ કરવા માટે સમય મળશે. જોકે વધુ મોટો વેપાર કરાર થશે કે વર્તમાન વ્યવસ્થા જ આગળ વધારવામાં આવશે તે અંગે હજુ અનિશ્ચિતતા છે.
વેપારથી લઈને AI અને તાઇવાન સુધીના મુદ્દા ટેબલ પર
ગુરુવારે યોજાનારી ટ્રમ્પ-શી મંત્રણામાં વેપાર અને ટેરિફ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સેમિકન્ડક્ટર અને ટેક્નોલોજી નિયંત્રણો, રેર અર્થ મિનરલ્સ, તાઇવાન તથા ચીન-ઈરાન સંબંધો જેવા મુદ્દાઓ ચર્ચાના કેન્દ્રમાં રહેવાની શક્યતા છે.
બંને દેશો ચોક્કસ ક્ષેત્રોમાં ટેરિફ ઘટાડવા, નશીલા પદાર્થોની હેરાફેરી સામે સહકાર વધારવા તેમજ બંને સેનાઓ વચ્ચે સીધો સંવાદ વધુ મજબૂત બનાવવા જેવા મર્યાદિત કરારો પર પણ ચર્ચા કરી શકે છે. આ ઉપરાંત AI ક્ષેત્રમાં અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલી સ્પર્ધા અને AI સંબંધિત જોખમો અંગે સંવાદ સ્થાપિત કરવાનો મુદ્દો પણ મહત્વપૂર્ણ બની રહ્યો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
વિશ્વની નજર ટ્રમ્પ-શી બેઠક પર
અમેરિકા અને ચીન વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ છે અને બંને દેશો વચ્ચેના નિર્ણયો વૈશ્વિક વેપાર, શેરબજાર, ટેક્નોલોજી અને ભૂરાજકીય સમીકરણો પર વ્યાપક અસર કરી શકે છે. તેથી ગુરુવારની ટ્રમ્પ-શી બેઠકમાંથી મોટા કરાર કરતાં બંને દેશો વચ્ચેના તણાવને કેવી રીતે સંભાળવામાં આવે છે અને ટ્રેડ ટ્રુસ બાદની દિશા શું રહેશે તેના પર વિશ્વની નજર રહેશે.
આ પણ વાંચો: ગુજરાતમાં ભાદરવી ગરમીનો માર, નવરાત્રીમાં વરસાદની શક્યતા; બંગાળની ખાડીનું ડીપ ડિપ્રેશન કિનારે પહોંચ્યું











