ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

મહિલા વર્લ્ડ કપઃ 2000થી સાતમાંથી છઠ્ઠી વખત બની આ ઘટના, ભારત પણ લિસ્ટમાં

મુંબઈ, તા. 3 નવેમ્બર, 2025: મહિલા વનડે વર્લ્ડ કપની ફાઇનલમાં ટોસ જીતવો જેટલો મહત્ત્વપૂર્ણ છે, તેટલો જ મોટો નિર્ણય હોય છે – પહેલા બેટિંગ કરવી કે બોલિંગ. આંકડા દર્શાવે છે કે છેલ્લા બે દાયકામાં પહેલા બેટિંગ કરનારી ટીમનું પલડું ભારે રહ્યું છે. વર્ષ 2000 થી અત્યાર સુધીમાં રમાયેલી સાત મહિલા વનડે વર્લ્ડ કપ ફાઇનલમાં, છ વખત પ્રથમ બેટિંગ કરનારી ટીમે ટાઇટલ જીત્યું છે. હવે ભારત પણ આ યાદીમાં સામેલ થઈ ગયું છે. દક્ષિણ આફ્રિકાએ 2025 વનડે વર્લ્ડ કપની ફાઇનલમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. એટલે કે, તેઓએ જાતે જ ભારતને ભેટમાં જીત આપી દીધી હતી.

2000 થી શરૂ થયો છે ટ્રેન્ડ

ન્યૂઝીલેન્ડમાં યોજાયેલી 2000 વિશ્વ કપની ફાઇનલમાં, યજમાન ટીમે પહેલા બેટિંગ કરીને 184 રન બનાવ્યા અને ઓસ્ટ્રેલિયાને 180 પર રોકીને ચાર રનથી ઐતિહાસિક જીત નોંધાવી. ત્યારથી મહિલા ક્રિકેટમાં આ સિલસિલો સતત ચાલતો રહ્યો છે. પહેલા બેટિંગ કરનારી ટીમો દબાણવાળા પ્રસંગોએ રન બોર્ડ પર મોટો સ્કોર બનાવીને ચેમ્પિયન બનતી રહી છે. આ સાત ફાઇનલ્સમાં માત્ર 2009માં પરિણામ અલગ રહ્યું, બાકીની છ વાર પહેલા બેટિંગ કરનારી ટીમ વિજેતા બની હતી.

2005 (યજમાન: દક્ષિણ આફ્રિકા): ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરીને ભારત સામે 215 રન બનાવ્યા અને 98 રનથી જીત મેળવી. ભારતીય ટીમ 46 ઓવરમાં 117 રનમાં સમેટાઈ ગઈ હતી.

2009 (યજમાન: ઓસ્ટ્રેલિયા): આ એક અપવાદ રહ્યો, જ્યારે ઇંગ્લેન્ડે 2009 મહિલા વનડે વર્લ્ડ કપની ફાઇનલમાં ચેઝ કરતા ન્યૂઝીલેન્ડને ચાર વિકેટે હરાવ્યું. એટલે કે, એકમાત્ર તક જ્યારે પીછો કરનારી ટીમ ચેમ્પિયન બની. પહેલા બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની ટીમ 47.2 ઓવરમાં 166 રનમાં સમેટાઈ ગઈ. જવાબમાં ઇંગ્લેન્ડે 46.1 ઓવરમાં છ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું.

2013 (યજમાન: ભારત): ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરી અને વેસ્ટ ઇન્ડીઝને 114 રનથી હરાવીને ટાઇટલ જીત્યું. પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં સાત વિકેટે 259 રન બનાવ્યા. જવાબમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ 43.1 ઓવરમાં 145 રનમાં સમેટાઈ ગઈ હતી.

2017 (યજમાન: ઇંગ્લેન્ડ): ઇંગ્લેન્ડે પહેલા બેટિંગ કરીને ભારતને નવ રનથી હરાવ્યુંહતું. લોર્ડ્સમાં ઇંગ્લેન્ડે પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 228 રન બનાવ્યા. જવાબમાં ભારતીય ટીમ 48.4 ઓવરમાં 219 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.

2022 (યજમાન: ન્યૂઝીલેન્ડ): ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગમાં 356 રન બનાવીને ઇંગ્લેન્ડને 71 રનથી હરાવ્યું હતું. ક્રાઇસ્ટચર્ચમાં ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 356 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ 43.4 ઓવરમાં 285 રન પર ઓલઆઉટ થઈ ગઈ.

2025 (યજમાન: ભારત/શ્રીલંકા): ટીમ ઇન્ડિયાએ મહિલા વનડે વિશ્વ કપ 2025ની ફાઇનલમાં દ. આફ્રિકાને 52 રનથી હરાવ્યું. પહેલા બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં સાત વિકેટે 298 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 246 રનમાં સમેટાઈ ગઈ હતી. દીપ્તિ શર્માએ પાંચ વિકેટ લઈને મેચ પલટી દીધી.

આ પણ વાંચોઃ 24 કલાકમાં 43 તાલુકામાં માવઠું, જાણો આજની આગાહી

Back to top button