Gujarat Unseasonal Rain: 24 કલાકમાં 43 તાલુકામાં માવઠું, જાણો આજની આગાહી

અમદાવાદ, તા. 3 નવેમ્બર, 2025: ગુજરાતમાં કમોસમી વરસાદનું જોર ઘટ્યું હતું. રાજ્યમાં આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં 43 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. દ્વારકામાં સૌથી વધુ 1.38 ઇંચ વરસાદ વરસ્યો હતો. ભાવનગરમાં 0.87 ઇંચ, લાલપુરમાં 0.79 ઇંચ, વડાલીમાં 0.79 ઇંચ, મોરબીમાં 0.79 ઇંચ, ઘોઘામાં 0.71 ઇંચ, માળીયામાં 0.71 ઇંચ, હળવદમાં 0.67 ઇંચ, સોજીત્રામાં 0.63 ઇંચ, ખેડબ્રહ્મામાં 0.55 ઇંચ વરસાદ પડ્યો હતો. બાકીના તાલુકાઓમાં અડધા ઇંચથી ઓછો વરસાદ પડ્યો હતો.
વરસાદની સાથે જ રાજ્યના તાપમાનમાં પણ મોટો ફેરફાર જોવા મળ્યો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન રાત્રિના તાપમાનમાં સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં નોંધપાત્ર વધારો થયો હતો, જ્યારે બાકીના પ્રદેશમાં ખાસ કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો ન હતો. જોકે, ગુજરાતના ભાગોમાં તાપમાન સામાન્યથી ઘણું વધારે હતું, અને સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં પણ તે સામાન્યથી ઉપર હતું. રાજ્યમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન ઘણા સ્થળોએ 23 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

હવામાન વિભાગ દ્વારા આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, આણંદ, દાહોદ, મહિસાગર, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગામી વરસાદી સિસ્ટમની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં જોવા મળશે, જ્યાં હળવા વરસાદની સંભાવના છે. આથી, હવામાન વિભાગ દ્વારા આ વિસ્તારો માટે 3 દિવસ માટે ઓરેન્જ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. બીજી તરફ, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, વરસાદી સિસ્ટમ ધીરે ધીરે નબળી પડી રહી છે અને એક થી બે દિવસની અંદર વરસાદ વિદાય લઈ શકે છે અને ગુલાબી ઠંડી જોર પકડી શકે છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, નવેમ્બર 2025 દરમિયાન દેશના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્યથી વધુ વરસાદ થવાની સંભાવના છે ઉત્તર-પશ્ચિમ ભારત અને દક્ષિણ દ્વીપકલ્પના કેટલાક વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના છે. આગાહી મુજબ, ગુજરાતમાં નવેમ્બરમાં સામાન્ય રીતે વરસાદની સંભાવના ખૂબ ઓછી હોય છે પરંતુ આ વર્ષે નવેમ્બરમાં અહીં વરસાદનું જોર વધારે જોવા મળશે.












