વન સ્ટોપ સેન્ટર: સ્લોગનના ઢોંગ અને રેપિસ્ટોને રક્ષણ આપતી સરકારની અસલિયત

One Stop Centre: સંસદમાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ મહિલા સુરક્ષાના વન સ્ટોપ સેન્ટર (OSC) ને લઈને સવાલ ઉઠાવ્યા, પરંતુ સરકારનો જવાબ હંમેશાની જેમ નિરાશાજનક હતો.
રાહુલ ગાંધીએ પૂછ્યું, “જ્યારે કોઈ મહિલા હિંસાથી ત્રાસીને વન સ્ટોપ સેન્ટરે આશરો મેળવવા આવે છે, ત્યારે તેને મદદ કેમ નથી મળતી? સેન્ટર પર તાળું કેમ લાગેલું હોય છે? સ્ટાફની કમી કેમ છે? દેશભરમાંથી આવતી ફરિયાદો કેમ સાંભળવામાં નથી આવતી?”
મોદી સરકારનો જવાબ હતો – “બધું સંતોષજનક છે”
આ એક જવાબથી સરકારની પ્રાથમિકતા સ્પષ્ટ દેખાઈ આવે છે. મહિલાઓની સુરક્ષા તેમના માટે માત્ર એક રાજકીય રમત અને ઢોંગ છે, જવાબદારી નહીં.
नेता विपक्ष श्री @RahulGandhi ने महिला सुरक्षा से जुड़े वन स्टॉप सेंटर (OSC) पर संसद में सवाल पूछा, लेकिन सरकार का जवाब हर बार की तरह निराशाजनक था।
श्री राहुल गांधी ने संसद में पूछा: जब कोई महिला हिंसा से भागकर वन स्टॉप सेंटर (OSC) पहुंचती है, तो उसे मदद क्यों नहीं मिलती, ताला… pic.twitter.com/MRAy2oEuG9
— Congress (@INCIndia) April 5, 2026
આ એક ઘટના નથી, આ તો પેટર્ન છે. મોદી સરકારે “બેટી બચાઓ, બેટી પઢાઓ”ના મોટા મોટા સ્લોગન આપીને આખા દેશને ભરમાવ્યો. પણ વાસ્તવિકતા જુઓ તો મહિલાઓની સુરક્ષા ક્યાં છે? નિર્ભયા ફંડના અબજો રૂપિયા ખર્ચ જ થયા નથી. વન સ્ટોપ સેન્ટરો (OSC) અધૂરા પડ્યા છે, સ્ટાફની ભારે કમી છે અને ઘણા સેન્ટરો પર તો તાળા લાગેલા છે. ગુજરાત હોય કે દેશના અન્ય રાજ્યો, રેપ અને મહિલા હિંસાના કેસો દિવસે-દિવસે વધતા જાય છે, પણ સરકાર ખાલી સ્લોગન અને જાહેરાતો આપવામાં જ વ્યસ્ત છે.
ગુજરાતની વાત કરીએ તો બિલકિસ બાનો કેસ આ સરકારની અસલિયતનો સૌથી મોટો પુરાવો છે. 2002ના ગુજરાત રમખાણો દરમિયાન ગર્ભવતી બિલકિસ બાનો સાથે નિર્દયતાથી ગેંગરેપ કરવામાં આવ્યો અને તેની આંખ સામે જ તેના સાત કુટુંબીજનોની હત્યા કરી નાખવામાં આવી. એક નિર્દોષ માતા અને તેના અજન્મા બાળકની ચીસો આજે પણ દેશના કાનમાં ગુંજી રહી છે.
આ ઘટનામાં 11 નરાધમોને આજીવન કેદની સજા થઈ હતી. પણ 15 ઓગસ્ટ 2022ના દિવસે, જ્યારે આખો દેશ આઝાદીની ઉજવણી કરી રહ્યો હતો, ગુજરાતની ભાજપ સરકારે તેમને અચાનક મુક્ત કરી દીધા, એવુ કહીને કે જેલમાં આ બળાત્કારીઓનો વ્યવહાર સારો છે. આ નરાધમો જ્યારે જેલમાંથી બહાર આવ્યા ત્યારે તેમને માળા પહેરાવીને તેમનુ સ્વાગત કરવામાં આવ્યું. આ નજારો જોઈને સમગ્ર દેશ ચોંકી ગયો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અમિત શાહની આગેવાનીમાં આ મુક્તિને મંજૂરી આપી હતી. ત્યારે સવાલ ઊભો થયો કે, શું એક ગર્ભવતી મહિલાનું અપમાન અને તેના પરિવારની હત્યા આટલી સસ્તી છે?
પછી સુપ્રીમ કોર્ટે 8 જાન્યુઆરી 2024માં આ નિર્ણયને અયોગ્ય અને ગેરકાયદેસર ગણીને સંપૂર્ણ રદ કરી નાખ્યો અને ગુનેગારોને પાછા જેલ હવાલે કર્યા. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે ગુજરાત સરકારને આ અધિકાર જ નહોતો. આ કેસ મહારાષ્ટ્રમાં ચાલ્યો હતો, તેથી માત્ર મહારાષ્ટ્ર સરકાર જ રીમિશન આપી શકે. ત્યાંથી એટલુ તો સ્પષ્ટ થઈ ગયું કે, રેપિસ્ટો સાથે ભાજપ સરકાર ઊભી છે.
આ એક કેસ નથી. ભાજપના પોતાના નેતાઓ પર આવા આરોપોની યાદી લાંબી છે. ઉત્તર પ્રદેશના ભાજપ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર પર ઉન્નાવ રેપ કેસમાં સજા થઈ ચૂકી છે. કુસ્તીબાજોના યૌન શોષણના આરોપમાં ભાજપ સાંસદ બ્રિજ ભૂષણ શરણ સિંહ હજુ પણ પાર્ટીમાં છે. ભાજપના ઘણા ધારાસભ્યો-સાંસદો પર યૌન અપરાધના આરોપો છે. પરંતુ પાર્ટી તેમને રક્ષણ આપે છે, કાર્યવાહી નથી કરતી. નવાઈની વાત છે કે તોય આ જ સરકાર “બેટી બચાઓ, બેટી પઢાઓ”ના નારા લગાવે છે અને જનતા આસાનીથી મુર્ખ બની જાય છે.
ગુજરાતમાં NCRB ડેટા અનુસાર, 2016થી 2020 સુધીમાં 41,621 મહિલાઓ ગુમ થઈ છે. દેશભરમાં તો આ આંકડો વધુ ભયાનક છે. 2019થી 2021ના માત્ર ત્રણ વર્ષમાં 13.13 લાખ છોકરીઓ અને મહિલાઓ ગાયબ થઈ ગઈ. દર વર્ષે લાખો કેસ નોંધાય છે પણ હજારો કેસો હજુ સુધી ઉકેલાયા નથી. આવી સ્થિતિમાં સવાલ ઊભો થાય છે કે આ ગુમ થયેલી મહિલાઓ ક્યાં જાય છે? શું તેઓ માનવ તસ્કરીના જાળમાં ફસાઈ રહી છે કે અન્ય પ્રકારના શોષણનો ભોગ બની રહી છે? સરકાર આટલા બધા કેસોમાં તેમને ઝડપથી શોધી કેમ નથી શકતી? રેપના કેસોમાં કન્વિક્શન રેટ માત્ર 27-28% જ છે અને 90% કેસોમાં વર્ષો સુધી ન્યાય નથી મળતો.
સરકાર શું કરે છે? ખાલી “બેટી બચાઓ બેટી પઢાઓ”ના સ્લોગન અને ફોટોસેશન.
એટલુ તો સ્પષ્ટ છે કે, આ સરકાર મહિલાઓને સુરક્ષા નથી આપી શકતી. એક તરફ “બેટી બચાઓ બેટી પઢાઓ”ની જાહેરાતો પર કરોડો ખર્ચ, બીજી તરફ પોતાના નેતાઓ અને ગુનેગારોને રક્ષણ. ગુજરાતમાં બિલકિસ જેવા કેસમાં રહેમ અને દેશભરમાં OSC સેન્ટરો પર તાળા, આ છે સરકારની વાસ્તવિકતા.
દીકરીઓ અને મહિલાઓની સુરક્ષા કોઈ રાજકીય મુદ્દો નથી. આ દેશની બહેનો-દીકરીઓના જીવન અને આબરૂનો સવાલ છે. સરકાર જો ખરેખર બેટી બચાવવા માંગે છે તો પહેલા પોતાના ઘરમાંથી રેપિસ્ટોને બહાર કાઢે, ગુનેગારોને રક્ષણ આપવાનું બંધ કરે અને ઢોંગ છોડીને વાસ્તવિક કાર્યવાહી કરે. નહીંતર આ સ્લોગનો માત્ર વોટ માટેના ઢોંગ જ સાબિત થઈ રહ્યા છે. સમય આવી ગયો છે જવાબ આપવાનો…
આ પણ વાંચો: શું ભારત સ્વતંત્ર છે કે ટ્રમ્પના હાથની કઠપૂતળી? એપસ્ટીન ફાઇલ્સમાં છુપાયેલી છે PM મોદીની સચ્ચાઈ












