ટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

અમેરિકા કરતાં પાંચ ગણું વધુ તેલ, છતાં ખાવાના ફાંફા! આ કારણે હંમેશા ગરીબ રહેશે વેનેઝુએલા

વિશ્વનો સૌથી મોટો તેલ ભંડાર હોવા છતાં પણ વેનેઝુએલા આજ ગરીબ છે. આનુ મુખ્ય કારણ ત્યાનું અત્યંત જાડુ અને ચીકણુ તેલ છે, જેને કાઢવુ ખુબ જ ખર્ચાળ અને મુશ્કેલ છે. ગેરવહીવટ અને જૂના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે, આ દેશ પોતાના જ ખજાનાનો લાભ લઈ શકતો નથી.

દક્ષિણ અમેરિકાનો દેશ વેનેઝુએલા, જે તેની કુદરતી સંપત્તિ માટે જાણીતો છે, તે હાલમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. ગઈકાલની રાત ત્યાંના નાગરિકો માટે દહેશત બનીને આવી. અમેરિકાએ વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં ભારે હવાઈ હુમલા કર્યા. આ હુમલાની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે મધ્યરાત્રિએ થયેલા જોરદાર વિસ્ફોટોથી આખું શહેર હચમચી ગયું હતું. પરંતુ આ યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે એક મોટો પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે, વિશ્વનો સૌથી મોટો તેલ ભંડાર હોવા છતાં આ દેશ આટલો લાચાર અને ગરીબ કેમ છે?

કુબેરનો ખજાનો, છતાં ખાલી હાથ

વેનેઝુએલાની કહાની કોઈ વિડંબનાથી કમ નથી. અલ જઝીરાના એક અહેવાલમાં જણાવાયું છે કે આ દેશ પાસે “કાળુ સોનુ” એટલે કે તેલનુ વિશાળ સમુદ્ર છે. આંકડાઓ પર નજર નાખીએ તો વેનેઝુએલા પાસે 2023 સુધી લગભગ 303 બિલિયન બેરલ પ્રમાણિત તેલ ભંડાર હતો. આ રકમ સાઉદી અરેબિયા (267.2 અબજ બેરલ), ઈરાન અને કેનેડા જેવા દિગ્ગજ દેશો કરતા ઘણી વધારે છે.

જો અમેરિકા સાથે તુલના કરીએ તો, અમેરિકા પાસે માત્ર 55 અબજ બેરલ તેલ છે, જે વેનેઝુએલા કરતાં પાંચ ગણું ઓછું છે. આ રીતે જોવા જઈએ તો વેનેઝુએલા વિશ્વનો સૌથી ધનિક દેશ હોવો જોઈએ, પરંતુ વાસ્તવિકતા તેનાથી તદ્દન વિપરીત છે. આજે, આ દેશ તેની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા માટે પણ સંઘર્ષ કરી રહ્યો છે અને અમેરિકાની તેલ આવકના પાંચમા ભાગ કરતાં પણ ઓછું કમાય છે.

તેલ તો છે, પણ વેચવું સહેલું નથી

સામાન્ય વાચકને આશ્ચર્ય થશે કે, જો આટલું બધું તેલ છે, તો ગરીબી કેમ? જવાબ વેનેઝુએલાની ભૂગોળ અને ટેકનોલોજીમાં રહેલો છે. તેનું મોટાભાગનું તેલ પૂર્વીય પ્રદેશના ઓરિનોકો પટ્ટામાં જોવા મળે છે. સમસ્યા એ છે કે તે ભારે ક્રૂડ તેલ છે. આ તેલ મધ જેવું અત્યંત જાડું અને ચીકણું હોય છે.

આ પ્રકારનું તેલ જમીનમાંથી કાઢવું ​​અને તેને રિફાઈન કરવું એ પરંપરાગત તેલ કરતાં ઘણું મુશ્કેલ અને ખર્ચાળ કાર્ય છે. તેમાં સલ્ફરનું પ્રમાણ વધુ હોય છે, જેને દૂર કરવા માટે અદ્યતન ટેકનોલોજી અને નોંધપાત્ર રોકાણની જરૂર પડે છે. કારણ કે આ તેલની ઘનતા વધારે છે, અને તેને પ્રોસેસ કરવુ મુશકેલ છે. તે આંતરરાષ્ટ્રીય બજારમાં અન્ય દેશોના ક્રૂડ તેલ કરતાં નોંધપાત્ર રીતે ઓછા ભાવે વેચાય છે. આનો અર્થ એ છે કે વધુ મહેનત અને ઓછો નફો.

ગેરવહીવટે આગમાં ઘી નાખવાનુ કામ કર્યું

ફક્ત તેલની ગુણવત્તા જ સમસ્યા નથી, પરંતુ સરકારી ગેરવહીવટે પણ આગમાં ઘી નાખવાનુ કામ કર્યું છે. રાજ્યની માલિકીની તેલ કંપની, પેટ્રોલિયોસ ડી વેનેઝુએલા (PDVSA) સમગ્ર તેલ વેપારનું નિયંત્રણ કરે છે. જોકે, વર્ષોથી માળખાગત સુવિધાઓમાં રોકાણના અભાવે મશીનરી જુની થઈ ગઈ છે અને ઉત્પાદન ક્ષમતામાં ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો અને ભ્રષ્ટાચારે પરિસ્થિતિને વધુ ખરાબ કરી દીધી છે.

આ જ કારણ છે કે વેનેઝુએલાએ 2023 માં માત્ર 4.05 અરબ ડોલરનું તેલ નિકાસ કર્યું હતું. તેની તુલનામાં, સાઉદી અરેબિયાએ 181 અરબ ડોલર અને યુનાઇટેડ સ્ટેટ્સે 125 અરબ ડોલરનું તેલ નિકાસ કર્યું હતું. ખજાનાથી સમૃદ્ધ હોવા છતાં, સંસાધનોનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં અસમર્થતા એ વેનેઝુએલાની ગરીબી અને વર્તમાન કટોકટીનું સૌથી મોટું કારણ છે.

આ પણ વાંચો: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની હત્યા, ટોળાએ માર માર્યા બાદ આગ લગાવી દીધી

Back to top button