ટ્રેન્ડિંગનેશનલ

રાહુલ ગાંધીએ કહ્યું ‘ગદ્દાર’, તો સામે મળ્યો જડબાતોડ જવાબ; જાણો કોણ છે કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ

નવી દિલ્હીઃ 4 ફેબ્રુઆરી, 2026: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ વચ્ચેની તકરાર ફરી એકવાર ચર્ચામાં આવી છે. બુધવારે સંસદ ભવનમાં જ્યારે રાહુલ ગાંધીએ બિટ્ટુને ‘ગદ્દાર’ કહ્યા, ત્યારે બંને નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પંજાબ કોંગ્રેસનો મોટો ચહેરો રહેલા બિટ્ટુ 2024ની લોકસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

કોણ છે રવનીત સિંહ બિટ્ટુ?

10 સપ્ટેમ્બર 1975ના રોજ જન્મેલા રવનીત સિંહ બિટ્ટુ લાંબા સમય સુધી કોંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા હતા. તેઓ વર્ષ 2009, 2014 અને 2019માં કોંગ્રેસની ટિકિટ પર લોકસભાની ચૂંટણી જીત્યા હતા. જોકે, 2024ની ચૂંટણી પહેલા તેઓ ભાજપમાં સામેલ થયા. ભાજપે તેમને લુધિયાણાથી ટિકિટ આપી હતી, પરંતુ તેઓ પંજાબ કોંગ્રેસના પ્રમુખ અમરિંદર સિંહ રાજા વડિંગ સામે 20 હજારથી વધુ મતોથી હારી ગયા હતા.

હારવા છતાં બન્યા કેન્દ્રીય મંત્રી

ચૂંટણીમાં હાર છતાં જૂન 2024માં બિટ્ટુને કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવ્યા હતા. મે 2024માં લુધિયાણામાં પ્રચાર દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મતદારોને વચન આપ્યું હતું કે જો તેઓ બિટ્ટુને મત આપશે, તો તેમને ‘મોટા માણસ’ બનાવવાની જવાબદારી તેઓ પોતે નિભાવશે. અમિત શાહે તેમને પોતાના જૂના મિત્ર ગણાવ્યા હતા.

વર્તમાન મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં બિટ્ટુ કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી છે અને હાલમાં રાજ્યસભાના સાંસદ છે. ઉલ્લેખનીય છે કે, તેઓ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બેઅંત સિંહના પૌત્ર છે, જેમની 1995માં આતંકવાદી હુમલામાં હત્યા કરવામાં આવી હતી.

કોંગ્રેસ સાથેની સફર

બિટ્ટુ 2008માં પ્રથમવાર પંજાબ યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. તેમણે પંજાબમાં ડ્રગ્સ વિરુદ્ધ મોટું અભિયાન ચલાવ્યું હતું. 2011માં તેમણે ડ્રગ્સ વિરુદ્ધ 121 કલાક લાંબી ભૂખ હડતાળ પણ કરી હતી, જેના દબાણમાં આવીને તત્કાલીન સરકારે ડ્રગ્સ પ્રિવેન્શન બોર્ડની રચના કરવી પડી હતી.

શું છે વિવાદ?

તાજેતરમાં જ્યારે રવનીત સિંહ બિટ્ટુ સંસદમાં પ્રવેશ કરી રહ્યા હતા, ત્યારે વિરોધ કરી રહેલા સાંસદોને જોઈને તેમણે ટિપ્પણી કરી કે “આ લોકો જાણે યુદ્ધ જીતીને આવ્યા હોય તેમ વર્તે છે.” આ સાંભળી રાહુલ ગાંધીએ વળતો પ્રહાર કરતા કહ્યું, “જુઓ, એક ગદ્દાર આવી રહ્યો છે… મારા ગદ્દાર મિત્ર, ચિંતા ન કરો, પાછા આવી જાઓ.” સામે બિટ્ટુએ પણ આકરો જવાબ આપતા કહ્યું કે, “આ લોકો દેશના દુશ્મન છે.” રાહુલ ગાંધીએ હાથ મિલાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બિટ્ટુએ હાથ મિલાવ્યા વગર સીધા સંસદની અંદર ચાલ્યા ગયા હતા.

 

Back to top button