કોણ છે IPS બી સુમતિ? માત્ર 3 કલાકમાં 40 પુરુષોએ ઘેરી લીધા

Who is IPS B Sumati?: હૈદરાબાદમાં મહિલાઓની સુરક્ષાની વાસ્તવિક સ્થિતિ જાણવા માટે મલ્કાજગિરી પોલીસ કમિશનર બી. સુમતિએ અનોખું અને સાહસિક પગલું ભર્યું હતું. તેઓ અડધી રાતે સામાન્ય મહિલાની જેમ બસ સ્ટોપ પર એકલા ઊભા રહ્યા અને શહેરમાં મહિલાઓ માટે રાત્રિના સમયે રસ્તાઓ કેટલા સુરક્ષિત છે તેની હકીકત જાણવા પ્રયાસ કર્યો.
આ વિશેષ અભિયાન રાત્રે 12:30 વાગ્યાથી વહેલી સવારે 3:30 વાગ્યા સુધી ચાલ્યું હતું. આ દરમિયાન બી. સુમતિએ કોઈપણ પ્રકારની પોલીસ સુરક્ષા સાથે રાખી નહોતી. તેઓ સામાન્ય વસ્ત્રોમાં બસ સ્ટોપ પર ઊભા રહી મહિલાઓને પડતી મુશ્કેલીઓનો જાતે અનુભવ કરી રહી હતી.
માત્ર 3 કલાકમાં આશરે 40 પુરુષો તેમની પાસે આવ્યા હતા. મળતી માહિતી મુજબ, કેટલાક લોકો દારૂના નશામાં હતા તો કેટલાકે નશીલા પદાર્થોનું સેવન કર્યું હોવાનું પણ સામે આવ્યું હતું. આ લોકોમાં યુવાનો અને વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થતો હતો. તેમને એ ખબર નહોતી કે તેઓ એક વરિષ્ઠ પોલીસ અધિકારી સાથે વાતચીત કરી રહ્યા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
આ ઘટનાની બાદ પોલીસે તમામ લોકોની ઓળખ કરી હતી. જોકે, તેમની સામે સીધી કાનૂની કાર્યવાહી કરવાની જગ્યાએ કાઉન્સેલિંગ દ્વારા સમજ આપવામાં આવી હતી. મહિલાઓની સુરક્ષા અને જાહેર સ્થળોએ શિસ્ત જાળવવાની સમજ આપી ચેતવણી આપવામાં આવી હતી.
બી. સુમતિ માટે આ પ્રકારનું અભિયાન નવું નથી. લગભગ 25 વર્ષ પહેલા પણ તેઓએ પોલીસ ઉપાધીક્ષક તરીકે ફરજ દરમિયાન આવું જ અંડરકવર અભિયાન ચલાવ્યું હતું. તેઓ તેલંગાણા કેડરની જાણીતી અધિકારી માનવામાં આવે છે અને તાજેતરમાં મલ્કાજગિરીની પ્રથમ મહિલા પોલીસ કમિશનર તરીકે નિમણૂક થઈ છે.
મહિલાઓની સુરક્ષા અંગે આ અભિયાન હવે સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યું છે અને સોશિયલ મીડિયા પર પણ લોકો તેમની હિંમતની પ્રશંસા કરી રહ્યા છે.
આ પણ વાંચો : એક્સ ગર્લફ્રેન્ડ પાસે માફી માગવા ગયો હતો યુવક, ત્રીજા માળેથી કૂદીને આત્મહત્યા કરી












