ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ
ટેસ્ટ ગઈ, ટેન્શન ગયું… 37ની ઉંમરે ફરી કેમ ભયાનક બન્યું વિરાટનું બેટ? 100 સદી તો બસ બહાનું છે!

virat kohli 139 vs west indies ; વેસ્ટ ઈન્ડિઝ સામે માત્ર 88 બોલમાં અણનમ 139 રન અને 9 છગ્ગા ધરાવતી વિરાટ કોહલીની ઈનિંગ્સે તેની બદલાયેલી બેટિંગ શૈલીની કહાની ફરી સામે લાવી દીધી છે. ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ વિરાટ હવે વનડે મેચોમાં શરૂઆતથી જ વધુ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
વિરાટ કોહલી હવે માત્ર સદી નથી બનાવી રહ્યો, પરંતુ ખુલ્લા મનથી આક્રમક બેટિંગ કરી રહ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ સામે 88 બોલમાં અણનમ 139 રન, 9 સિક્સર અને 50 બોલ બાકી હતા ત્યારે ભારતને જીત અપાવનારી આ ઈનિંગ્સને માત્ર તેની 55મી વનડે સદીના આંકડામાં સીમિત રાખવી અન્યાય ગણાશે. આ ઈનિંગ્સ એ જૂના વિરાટના પુનરાગમનનો સંકેત છે, જે તક મળતાં જ બોલરો પર તૂટી પડતો હતો અને મોટા શોટ્સ રમવામાં ક્યારેય ખચકાતો નહતો.
37 વર્ષની ઉંમરે વિરાટે જે અંદાજમાં બેટિંગ કરી, તેમાં અનુભવ તો હતો જ, પણ તેનાથી પણ વધુ બેફિકરી હતી. દરેક બોલને સન્માન આપનારો વિરાટ નહીં, પરંતુ તક મળતાં જ બોલને સ્ટેન્ડમાં પહોંચાડનારો વિરાટ જોવા મળ્યો. 9 સિક્સર આ વાતની સૌથી મોટી સાબિતી છે. તેની વનડે કેરિયરમાં એક ઈનિંગ્સમાં આટલા બધા છગ્ગા પહેલાં ક્યારેય આવ્યા ન હતા. અને કદાચ આ વાર્તાનો સૌથી રસપ્રદ ભાગ પણ આ જ છે.
ટેસ્ટ ગઈ, તો વિરાટનું ‘ડિફેન્સ’ પણ ગયું!
ટેસ્ટ ક્રિકેટમાંથી અલવિદા કહ્યા બાદ વિરાટ પાસે હવે ભારત માટે માત્ર વનડે ક્રિકેટ જ બાકી રહ્યું છે. આની અસર તેની બેટિંગમાં સ્પષ્ટ દેખાઈ રહી છે. તે હવે શરૂઆતમાં જ જોખમ લેવાથી અચકાતો નથી. 2025 પહેલા વનડેમાં પોતાની ઈનિંગ્સના પ્રથમ 10 બોલ પર વિરાટનો સ્ટ્રાઈક રેટ 72ની આસપાસ હતો, જે હવે વધીને 100ને પાર પહોંચી ગયો છે. એટલે કે શરૂઆતના બોલ રમવાના વિરાટના અભિગમમાં જ મોટો બદલાવ આવી ગયો છે.
પહેલાં તે ઈનિંગ્સને સમજતો હતો, પછી બોલરની વ્યૂહરચના સમજતો હતો અને ત્યારબાદ આક્રમણ કરતો હતો. પરંતુ હવે બોલરને સમજવાની રાહ જોયા વિના સીધું આક્રમણ શરૂ કરી દે છે. વિરાટ હવે ઈનિંગ્સ રચવા નહીં, પણ ઈનિંગ્સ પર પ્રહાર કરવા મેદાનમાં ઉતરે છે. દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં આ બદલાયેલા અંદાજની પ્રથમ ઝલક જોવા મળી હતી, જ્યારે વેસ્ટ ઈન્ડિઝ સામે આ પૂરી તસવીર સ્પષ્ટ થઈ ગઈ. 88 બોલમાં 139 રન એ માત્ર ઝડપી રન બનાવવાનો આંકડો નથી, પરંતુ તે માનસિક બદલાવનો પણ મોટો સંકેત છે.
100 સદીની ચર્ચા ફરી કેમ?
વિરાટની કુલ આંતરરાષ્ટ્રીય સદીઓની સંખ્યા હવે 86 થઈ ગઈ છે. 100 સદીના જાદુઈ આંકડા સુધી પહોંચવા માટે તેને હજુ 14 સદીની જરૂર છે. તે હવે માત્ર વનડે રમી રહ્યો છે અને વર્તમાન શેડ્યૂલને જોતાં તેની પાસે મર્યાદિત તકો ઉપલબ્ધ છે. અહીંથી જ 100 સદીની ચર્ચા ફરી શરૂ થાય છે.
અજિંક્ય રહાણેએ ક્રિકબઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જો વિરાટ કોહલી 100 આંતરરાષ્ટ્રીય સદીઓ કરવાનો ટાર્ગેટ પોતાના મગજમાં નક્કી કરી લે, તો તે આ સિદ્ધિ ચોક્કસ હાંસલ કરી શકે છે. રહાણેની વાતમાં વિરાટના ક્રિકેટની એક જૂની છબી પણ છુપાયેલી છે. વિરાટ પર સૌથી વધુ દબાણ બીજા કોઈનું નહીં પરંતુ પોતે પોતાનું જ હોય છે અને આ દબાણ જ અવારનવાર તેની અંદરના શ્રેષ્ઠ બેટ્સમેનને બહાર લાવે છે. જો 100 સદીનો આંકડો તેના મનમાં હોય, તો આ પ્રેશર તેના માટે બોજ બનવાને બદલે ઈંધણ (બળતણ) સાબિત થઈ શકે છે.
રહાણેએ એમ પણ કહ્યું કે કોઈપણ ખેલાડી માટે માઈલસ્ટોન (રેકોર્ડ) વિશે વિચારવું એ સ્વાર્થી હોવું નથી. વિરાટના કિસ્સામાં તો તેના આદર્શ સચિન તેંડુલકર રહ્યા છે, જેમણે 100 આંતરરાષ્ટ્રીય સદીનો એવો રેકોર્ડ બનાવ્યો છે જ્યાં આજે સુધી બીજું કોઈ પહોંચી શક્યું નથી. તો શું વિરાટ 100 સદી વિશે વિચારી રહ્યો હશે? શક્ય છે. પરંતુ અસલી સવાલ એ છે કે શું વિરાટ હવે 100 સદી માટે રમી રહ્યો છે? રવિવારની ઈનિંગ્સ જોતાં જવાબ કંઈક અલગ જ દેખાય છે.
રેકોર્ડ પાછળ છે, વિરાટ આગળ
વિરાટે પોતે ઘણી વખત કહ્યું છે કે તે વ્યક્તિગત સિદ્ધિઓ માટે નથી રમતો. આ વાત તેના આલોચકોને વિરોધાભાસી લાગી શકે છે. પરંતુ ક્રિકેટમાં માઈલસ્ટોન અને લક્ષ્ય વચ્ચે તફાવત હોય છે. તમે 100 સદીનું સપનું જોઈ શકો છો, પરંતુ દરેક મેચમાં 100મી સદી વિશે વિચારીને બેટિંગ કરી શકતા નથી. વિરાટની સૌથી મોટી તાકાત એ જ રહી છે કે જ્યારે તે મેદાન પર ઉતરે છે ત્યારે સામે રહેલો બોલ અને પરિસ્થિતિ જ તેના માટે સૌથી મોટું લક્ષ્ય બની જાય છે.
આ જ કારણ છે કે 100 સદીની ચર્ચા વચ્ચે રવિવારની ઈનિંગ્સમાં ક્યાંય એવું ન લાગ્યું કે વિરાટ કોઈ આંકડા પાછળ ભાગી રહ્યો છે. તે બોલ પાછળ ભાગી રહ્યો હતો. તફાવત સમજો. જો 100 સદી તેનું લક્ષ્ય છે, તો આ લક્ષ્ય તેને રોકવાને બદલે વધુ આક્રમક બનાવી શકે છે. કારણ કે વિરાટની ક્રિકેટ કેરિયરમાં પોતાની જાત પર દબાણ લાવવું એ કોઈ નવી વાત નથી. તેણે પોતાની મહાનતાનો મોટો હિસ્સો આ જ આત્મ-દબાણથી ઘડ્યો છે.
સચિનનો રેકોર્ડ, વિરાટની પોતાની કહાની
100 આંતરરાષ્ટ્રીય સદીનો આંકડો વિરાટ માટે એટલા માટે પણ ખાસ છે કારણ કે તેની સામે સચિન તેંડુલકર ઊભા છે. સચિન તેના આદર્શ રહ્યા છે અને હવે એ જ આંકડો વિરાટની સામે છે. પરંતુ અહીં સરખામણીમાં એક મોટો તફાવત છે. સચિને ટેસ્ટ અને વનડે બંને મળીને 100 સદી બનાવી હતી. વિરાટ હવે ટેસ્ટ ક્રિકેટ છોડી ચૂક્યો છે. એટલે કે તેનો રસ્તો વધુ ટૂંકો અને મુશ્કેલ છે. 14 સદી બાકી છે અને સમય મર્યાદિત છે.
તેથી વિરાટની આગામી વાર્તા સદીઓની સંખ્યા કરતાં તેની ફિટનેસ, ફોર્મ અને વનડે શેડ્યૂલની વાર્તા હશે. તેણે દરેક શ્રેણીમાં મોટી ઈનિંગ્સ રમવી પડશે. દરેક ઈનિંગ્સ સદીમાં ફેરવાય તે જરૂરી નથી, પરંતુ જે પ્રકારની શરૂઆત તેણે હવે કરી છે તેનાથી તેની પાસે મોટા સ્કોર સુધી પહોંચવાની તકો ચોક્કસ વધી જાય છે.
અસલી બદલાવ સ્કોરબોર્ડ પર નહીં, મગજમાં છે
વિરાટની બેટિંગમાં સૌથી મોટો બદલાવ કદાચ આ 9 સિક્સર નથી. બદલાવ એ છે કે હવે તે શરૂઆતમાં પોતાને રોકતો જોવા મળતો નથી. એક સમયે વિરાટની બેટિંગમાં જોખમનો અર્થ વિકેટ ગુમાવવાનો ભય હતો. હવે કદાચ તે જોખમને રન બનાવવાનો શ્રેષ્ઠ માર્ગ માની રહ્યો છે. અને આ જ કારણ છે કે 37 વર્ષની ઉંમરે પણ વિરાટની બેટિંગ જૂની વાર્તાનું પુનરાવર્તન કરવાને બદલે નવી વાર્તા લખતી દેખાઈ રહી છે.
પહેલા વિરાટ રેકોર્ડ બનાવતો હતો અને રેકોર્ડ તેની પાછળ ભાગતા હતા. હવે વિરાટ રેકોર્ડ પાછળ ભાગશે કે નહીં તે તો સમય જ બતાવશે, પરંતુ એટલું સ્પષ્ટ છે કે તેનું બેટ ફરીથી બોલરોની પાછળ દોડી રહ્યું છે. 100 સદી હજુ 14 કદમ દૂર છે. અંદાજે 30 વનડે મેચોનો રસ્તો સામે છે. મંઝિલ કેટલી દૂર છે તે ભવિષ્ય બતાવશે, પરંતુ રવિવારની રાત્રે વિરાટે એક વાત ચોક્કસ સાબિત કરી દીધી – 100 સદીની ભૂખ હોય કે ન હોય, વિરાટના બેટની ભૂખ હજુ પણ અકબંધ છે.











