ભારતનું પહેલું ખાનગી રોકેટ વિક્રમ-I ઉડાન માટે તૈયાર, શ્રીહરિકોટાથી રચાશે ઇતિહાસ

Vikram I Rocket: ભારત ટૂંક સમયમાં એક મોટી અવકાશ સિદ્ધિ માટે તૈયાર છે. હૈદરાબાદ સ્થિત સ્ટાર્ટઅપ કંપની સ્કાયરૂટ એરોસ્પેસનું ખાનગી રોકેટ વિક્રમ-I હવે અવકાશમાં ઉડાન માટે તૈયાર છે. આ રોકેટની નવી તસવીરો પણ જાહેર કરવામાં આવી છે. શ્રીહરિકોટામાં વિક્રમ-1 રૉકેટના સ્ટેજ-2 ઇન્ટિગ્રેશનનું કામ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. આનો અર્થ એ છે કે રોકેટ હવે લોન્ચિંગ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારતના ખાનગી અવકાશ ક્ષેત્ર માટે આ એક ઐતિહાસિક ક્ષણ બની શકે છે અને દેશ હવે અવકાશમાં નવો ઇતિહાસ રચવાની દિશામાં કાઉન્ટડાઉન શરૂ કરી ચૂક્યો છે.
વિક્રમ-1 રોકેટની તસવીર જાહેર
સ્કાયરૂટ એરોસ્પેસે વિક્રમ-I રોકેટની તસવીર પણ જાહેર કરી છે, જેમાં તે ઉડાન માટે લગભગ તૈયાર છે. આ રોકેટનું નિર્માણ સતીશ ધવન સ્પેસ સેન્ટર, શ્રીહરિકોટા (આંધ્ર પ્રદેશ) ખાતે કરવામાં આવ્યું. વિક્રમ-1 એક ચાર તબક્કાવાળું (Four-Stage) રૉકેટ છે, જેમાં બીજા તબક્કાનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ તબક્કાને “કલામ-250” નામ આપવામાં આવ્યું છે. હવે બાકીના બે તબક્કાઓનું કામ પૂર્ણ થયા બાદ રોકેટને આગામી પરીક્ષણો અને લોન્ચિંગ પ્રક્રિયા તરફ આગળ વધારવામાં આવશે.
The first pictures from the spaceport of India’s first privately built orbital rocket.
For those following closely: Vikram-1’s Stage 2, Kalam-250, is now fully integrated inside SHAR, Sriharikota. Flex nozzle, actuators, and Interstages 1_2L & 1_2U mounted and assembled. Our… pic.twitter.com/lXBQBnwq3Q
— Skyroot Aerospace (@SkyrootA) June 12, 2026
વિક્રમ-I રોકેટની ખાસિયતો
વિક્રમ-I રોકેટની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને સંપૂર્ણપણે ભારતમાં જ વિકસાવવામાં આવ્યું છે. આ રોકેટ મજબૂત હોવા છતાં હલકું છે. તેની બોડીમાં કાર્બન કોમ્પોઝિટ મટિરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે તેને સ્ટીલ કરતાં પણ વધુ મજબૂત અને ટકાઉ બનાવે છે. રોકેટની અંદર ઘન ઇંધણ સળગતાં ભારે ગરમી ઉત્પન્ન થાય છે. આ ગરમીથી રોકેટને સુરક્ષિત રાખવા માટે તેમાં ખાસ રબર આધારિત થર્મલ પ્રોટેક્શન શિલ્ડ લગાવવામાં આવી છે.
રોકેટમાં અત્યાધુનિક ગાઇડન્સ અને નેવિગેશન સિસ્ટમ વિકસાવવામાં આવી છે, જેથી તે હવાના દબાણ અને ગુરુત્વાકર્ષણના પ્રભાવ વચ્ચે પણ પોતાના નિર્ધારિત માર્ગ પરથી ભટકે નહીં. આ ઉપરાંત, તેમાં કમ્પ્યુટર નિયંત્રિત રોબોટિક એક્ચ્યુએટર્સ લગાવવામાં આવ્યા છે, જે ઉડાન દરમિયાન રોકેટના નોઝલને સતત યોગ્ય દિશામાં ફેરવતા રહે છે અને તેની ગતિને નિયંત્રિત કરે છે.
વિક્રમ-1ની એક મહત્વપૂર્ણ વિશેષતા એ પણ છે કે ઉડાન દરમિયાન જે ભાગોનું કામ પૂર્ણ થઈ જાય છે, તે સ્ટેજ સેપરેશન ટેક્નોલોજી દ્વારા ક્ષણભરમાં મુખ્ય રોકેટથી અલગ થઈ જાય છે. આ કારણે રોકેટનું વજન ઘટે છે અને તે વધુ કાર્યક્ષમ રીતે અવકાશ તરફ આગળ વધી શકે છે.
ભારત માટે બનશે મોટી સિદ્ધિ
જ્યારે વિક્રમ-I રોકેટ અવકાશમાં ઉડાન ભરશે, ત્યારે તે ભારત માટે એક ઐતિહાસિક અને મોટી સિદ્ધિ સાબિત થશે. આ રોકેટની ઊંચાઈ આશરે 24 મીટર છે અને તે પોતાની સાથે 350 કિલોગ્રામ સુધીના નાના સેટેલાઇટ્સને પૃથ્વીની નીચલી કક્ષામાં પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે.
વિક્રમ-Iના સફળ પ્રક્ષેપણ સાથે ભારત વિશ્વના એવા પસંદગીના દેશોની યાદીમાં સામેલ થશે, જ્યાં ખાનગી ક્ષેત્ર દ્વારા વિકસાવવામાં આવેલ સ્વદેશી ઓર્બિટલ લોન્ચ રોકેટ ઉપલબ્ધ હશે.
આ સિદ્ધિ માત્ર ભારતના અવકાશ કાર્યક્રમ માટે જ નહીં, પરંતુ દેશના વિકસતા ખાનગી સ્પેસ સેક્ટર અને ટેક્નોલોજીકલ આત્મનિર્ભરતા માટે પણ એક મહત્વપૂર્ણ મીલનો પથ્થર સાબિત થશે.
આ પણ વાંચો: Explainer: ભારતમાં કેવી રીતે સામેલ થયું સિક્કિમ, પહેલા કોનું હતું શાસન, કેમ છે Tax Free સ્ટેટ?












