અંજલિબેને રડતાં રડતાં કહ્યું- મને વિજયનું મોઢું બતાવો, વિજયભાઈના છેલ્લા શબ્દો- અંજુ ફ્લાઈટમાં બેસી ગયો છું, કાલે આવું છું

અમદાવાદ, 14 જૂન, 2025: Ahmedabad plane crash અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનાથી આખો દેશ સ્તબ્ધ થઈ ગયો છે. આ આઘાતજનક ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી Vijay Rupani સહિત 250થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અંગેના સમાચાર મળતા વિજયભાઈ રુપાણીના પત્ની અંજલિબેન સવારે લંડનથી અમદાવાદ આવી પહોંચ્યા હતા. આ દરમ્યાન ખૂબ જ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.
ગાંધીનગરમાં આવેલા તેમના નિવાસસ્થાન પર લોકો સાંત્વના આપવા આવી રહ્યા છે. પ્લેનમાં બેઠા પછી વિજયભાઈ રુપાણીએ પત્ની અંજલિબેન સાથે કોલમાં છેલ્લી વાર વાત કરી હતી. જેમાં વિજયભાઈના અંતિમ શબ્દો હતા, “અંજુ, ફ્લાઈટમાં બેસી ગયો છું, ફ્લાઈટ હમણાં ઉપડે જ છે, કાલે આવું છું.”
આ અગાઉ શુક્રવારે વહેલી સવારે અંજલિબેન રુપાણી આવતા જ અમદાવાદ એરપોર્ટ પર ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. તેમણે કહ્યું કે, “મને એક વાર વિજયનું મોઢું બતાવો.” ત્યારે તમામની આંખો ભીની થઈ ગઈ હતી. વિજયભાઈની સુરક્ષા માટે તૈનાત કમાન્ડોને જોઈ અંજલિબેન બોલ્યા, “તમે તો સાહેબનું કાયમ ખૂબ જ ધ્યાન રાખતા હતા, કાલે કેમ સાહેબનું ધ્યાન ન રાખ્યું.” આટલું સાંભળતાની સાથે જ કમાન્ડોની આંખો પણ ભીની થઈ ગઈ. સતત 20 મિનિટ સુધી અંજલિબેનના રુદનથી તમામની આંખોમાં આંસૂ આવી ગયા. ત્યાર બાદ અંજલિબેન તેમના ગાંધીનગરમાં આવેલા બંગલે રવાના થયા હતા.
આ પણ વાંચો: દિવંગત વિજય રુપાણીના પુત્ર વહેલી સવારે ગાંધીનગર પહોંચ્યા, 11 વાગ્યે બ્લડ સેમ્પલ આપવા પહોંચશે












