ટ્રેન્ડિંગમનોરંજન

દિગ્ગજ ફોટોગ્રાફર રઘુ રાયનું નિધન, કલા જગતમાં શોકની લાગણી

Raghu Rai passes away:   ભારતના વિવિધ રંગો, સંસ્કૃતિ અને ઐતિહાસિક ક્ષણોને પોતાના કેમેરામાં કેદ કરનાર પ્રખ્યાત ફોટોગ્રાફર રઘુ રાય હવે આપણી વચ્ચે રહ્યા નથી. રવિવારે સવારે 83 વર્ષની વયે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. લાંબા સમયથી તેઓ અસ્વસ્થ હતા અને સારવાર હેઠળ હતા.

રઘુ રાયના નિધનથી કલા, મીડિયા અને મનોરંજન જગતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. તેમના અંતિમ સંસ્કાર આજે સાંજે લોધી શ્મશાન ઘાટ ખાતે કરવામાં આવશે. તેમના અવસાનના સમાચાર મળતા જ અનેક જાણીતી હસ્તીઓએ સોશિયલ મીડિયા દ્વારા શ્રદ્ધાંજલિ અર્પી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

અભિનેત્રી દિયા મિર્ઝાએ રઘુ રાયની તસવીર શેર કરીને લખ્યું કે, “ભગવાન તેમની આત્માને શાંતિ આપે.” ગાયક અને ગીતકાર સ્વાનંદ કિર્કિરે તેમજ જાણીતા ફોટોગ્રાફર અતુલ કાસબેકરે પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. અતુલે જણાવ્યું કે રઘુ રાય જેવા મહાન કલાકારનું જવું એક યુગનો અંત છે.

રઘુ રાયના પુત્ર અને ફોટોગ્રાફર નિતિન રાયે તેમના નિધનની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે રઘુ રાય છેલ્લા બે વર્ષથી પ્રોસ્ટેટ કેન્સર સામે લડી રહ્યા હતા. શરૂઆતમાં સારવારથી રાહત મળી હતી, પરંતુ બાદમાં કેન્સર ફરીથી ફેલાયું અને સ્વાસ્થ્ય વધુ નબળું બનતું ગયું.

રઘુ રાયનો જન્મ વર્ષ 1942માં બ્રિટિશ ઇન્ડિયાના ઝાંગ, પંજાબમાં થયો હતો, જે હાલમાં પાકિસ્તાનમાં આવેલું છે. તેમણે પોતાના મોટા ભાઈ અને જાણીતા ફોટોગ્રાફર એસ. પૉલ પાસેથી ફોટોગ્રાફીની તાલીમ લીધી હતી.

રઘુ રાય ખાસ કરીને ભોપાલ ગેસ દુર્ઘટનાની હૃદયવિદારક તસવીરો માટે વિશ્વભરમાં જાણીતા બન્યા હતા. તેમની તસ્વીરો માત્ર દૃશ્ય નહીં, પરંતુ સમયના સાક્ષી તરીકે યાદ રહેશે.

તેમના પરિવારમાં પત્ની ગુરમીત, પુત્ર નિતિન અને ત્રણ પુત્રીઓ લગન, અવની અને પૂર્વઈ છે.

આ પણ વાંચો : સ્પેશ્યલ હેલમેટ, નાઇટ વિઝન લેન્સ અને એક્શન મોડ, સિક્રેટ સર્વિસે ટ્રમ્પને કેવી રીતે સુરક્ષિત બહાર કાઢ્યા?

Back to top button