ટોપ ન્યૂઝવર્લ્ડ

વેનેઝુએલા ફરી ધ્રુજ્યું: વિનાશક ભૂકંપ બાદ સતત આંચકા, હજારો લોકો હજુ લાપતા

Venezuela earthquake 2026: દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપ બાદ પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે. રવિવારે ફરી એકવાર 5.6ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો, જેના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ વધી છે. યુરો-મેડિટેરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટર (EMSC) મુજબ આ ભૂકંપનું કેન્દ્ર અરાગુઆના દરિયાકાંઠા નજીક સમુદ્રમાં લગભગ 30 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું.

આ પહેલાં 24 જૂને વેનેઝુએલામાં 7.2 અને 7.5ની તીવ્રતાના બે મોટા ભૂકંપ આવ્યા હતા. ત્યારબાદ શનિવારે 4.9 તીવ્રતાનો આંચકો પણ અનુભવાયો હતો. સતત આવતા આંચકાઓના કારણે અનેક વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાયો છે.

મૃત્યુઆંક વધ્યો, હજારો લોકો હજુ લાપતા

ભૂકંપ બાદ અત્યાર સુધીમાં 1430 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે 3300થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ભૂકંપના 72 કલાક બાદ પણ લગભગ 68,900 લોકો હજુ ગુમ છે. કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. નિષ્ણાતોના મતે ભૂકંપ બાદના શરૂઆતના 48થી 72 કલાક બચાવ કામગીરી માટે સૌથી મહત્વપૂર્ણ હોય છે. આ સમયગાળા દરમિયાન કાટમાળ નીચે ફસાયેલા લોકોને જીવિત બહાર કાઢવાની શક્યતા સૌથી વધુ રહે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પરિવારજનો જાતે જ કાટમાળ હટાવી શોધ કરી રહ્યા છે

ઘણા અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત ટીમોની સંખ્યા ઓછી હોવાના કારણે સ્થાનિક લોકો પોતે જ પોતાના સ્વજનોને શોધવા માટે મેદાનમાં ઉતર્યા છે. લોકો હથોડા, લોખંડના સાધનો અને હાથથી કાટમાળ હટાવીને પરિવારના સભ્યોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઘણા વિસ્તારોમાં મકાનો ધરાશાયી થતાં લોકો ખુલ્લા આકાશ નીચે અથવા અસ્થાયી કેમ્પોમાં રહેવા મજબૂર બન્યા છે.

ભારતે શરૂ કર્યું ‘ઓપરેશન અમિસ્તાદ’

વેનેઝુએલાની મદદ માટે ભારત સરકારે ‘ઓપરેશન અમિસ્તાદ’ શરૂ કર્યું છે. સ્પેનિશ ભાષામાં ‘અમિસ્તાદ’નો અર્થ મિત્રતા થાય છે. આ અભિયાનનો હેતુ ભૂકંપ પ્રભાવિત લોકો સુધી ઝડપથી રાહત સામગ્રી અને તબીબી સહાય પહોંચાડવાનો છે. ભારતીય વાયુસેનાના બે C-17 ગ્લોબમાસ્ટર વિમાનો મારફતે લગભગ 35 ટન રાહત સામગ્રી મોકલવામાં આવી છે. તેમાં દવાઓ, મેડિકલ સાધનો અને અન્ય જરૂરી વસ્તુઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભારતે 60 પેરા ફિલ્ડ હોસ્પિટલ યુનિટની 41 સભ્યોની મેડિકલ ટીમ પણ મોકલી છે. આ ટીમમાં ડોક્ટર, નર્સ અને અન્ય આરોગ્ય નિષ્ણાતો સામેલ છે, જે ઘાયલોની સારવાર કરશે અને જરૂર પડે ત્યાં અસ્થાયી હોસ્પિટલ શરૂ કરશે.

અનેક દેશોની બચાવ ટીમો મેદાનમાં

વેનેઝુએલાની મદદ માટે દુનિયાના અનેક દેશોની ટીમો પહોંચી રહી છે. સરકારના જણાવ્યા પ્રમાણે અમેરિકા, મેક્સિકો, કોલંબિયા, અલ સાલ્વાડોર અને સ્વિટ્ઝર્લેન્ડ સહિતના દેશોના 861થી વધુ બચાવકર્મીઓ રાહત કાર્યમાં જોડાયા છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પણ આંતરરાષ્ટ્રીય સર્ચ એન્ડ રેસ્ક્યૂ ટીમોને મોકલવાની તૈયારી કરવામાં આવી છે. ભારે મશીનો, ફાયર ફાઇટર્સ અને ઇમરજન્સી ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત કામગીરી કરી રહી છે.

એરપોર્ટને નુકસાનથી રાહત પહોંચાડવામાં મુશ્કેલી

ઇન્ટરનેશનલ રેસ્ક્યૂ કમિટી (IRC)ના અધિકારીઓના જણાવ્યા અનુસાર ભૂકંપથી દેશનું મુખ્ય એરપોર્ટ પણ પ્રભાવિત થયું છે, જેના કારણે બહારથી આવતી મદદ પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી છે. IRC પાસે પાડોશી દેશ કોલંબિયામાં રાહત સામગ્રી તૈયાર છે, પરંતુ તેને વેનેઝુએલા પહોંચાડવા માટે પરિવહન વ્યવસ્થા સૌથી મોટો પડકાર બની રહી છે. આગામી દિવસોમાં રાહત સંસ્થાઓનો મુખ્ય ફોકસ અસરગ્રસ્ત લોકોને ખોરાક, પીવાનું પાણી, આશ્રય અને જરૂરી દવાઓ પહોંચાડવા પર રહેશે.

લાખો લોકો પ્રભાવિત, સામાન્ય જીવન ઠપ

ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન (IOM) અનુસાર ભૂકંપથી વેનેઝુએલામાં લગભગ 67.6 લાખ લોકો પ્રભાવિત થયા છે. જેમાંથી લગભગ 20 લાખ લોકો રાજધાની કારાકાસમાં રહે છે. ભૂકંપના કારણે અનેક ઇમારતો ધરાશાયી થઈ છે અને વીજળી, પાણી તથા અન્ય જરૂરી સેવાઓ પર પણ અસર પડી છે. હજારો લોકો હાલ પોતાના ઘર ગુમાવીને રાહત કેમ્પોમાં આશરો લઈ રહ્યા છે.

વેનેઝુએલા સામે હવે સૌથી મોટો પડકાર ગુમ થયેલા લોકોને શોધવાનો અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ઝડપથી રાહત પહોંચાડવાનો છે. બચાવ ટીમો દિવસ-રાત કામગીરી કરીને લોકોને સુરક્ષિત બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો: ગાંધીનગરમાં કોસ્ટ ગાર્ડના જવાને સર્વિસ રાઈફલથી ગળામાં ગોળી મારી, હાલત ગંભીર

Back to top button