શું ‘વંદે માતરમ’ માટે પણ બનશે ‘જન ગણ મન’ જેવા નિયમો? સરકાર નવો પ્રોટોકોલ બનાવી શકે છે

કેન્દ્ર સરકાર હવે રાષ્ટ્રગીત “વંદે માતરમ્” માટે પણ રાષ્ટ્રગાન “જન ગણ મન”ની જેમ સન્માન અને આચરણ સંબંધિત નિયમો બનાવવાનો વિચાર કરી રહી છે. આ મહિનાની શરૂઆતમાં એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા થઈ હતી. બંકિમ ચંદ્ર ચેટર્જી દ્વારા લખાયેલ “વંદે માતરમ”, સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન એક મુખ્ય સૂત્ર બની ગયું હતું. બંધારણ સભાએ તેને રાષ્ટ્રગાન જેટલું જ સન્માન આપવાની માંગ કરી હતી. જો કે, હાલમાં તેના ગાવા માટે કોઈ ફરજિયાત નિયમો નથી.
નવા નિયમો શું હોઈ શકે છે?
એક અહેવાલ મુજબ, ગૃહ મંત્રાલય દ્વારા બોલાવવામાં આવેલી એક બેઠકમાં, વરિષ્ઠ અધિકારીઓએ ચર્ચા કરી કે શું રાષ્ટ્રગીત માટે પણ માર્ગદર્શિકા નક્કી કરવી જોઈએ.
- રાષ્ટ્રગીત કયા સંજોગોમાં ગાવું જોઈએ?
- શું રાષ્ટ્રગાન સાથે તેને ગાવાનું ફરજિયાત બનાવવું જોઈએ?
- શું અનાદર માટે સજા કે દંડ થવો જોઈએ?
જણાવી દઈએ કે રાષ્ટ્રગાનનો આદર કરવો એ હાલમાં બંધારણના અનુચ્છેદ 51A(a) માં નાગરિકોની મૂળભૂત ફરજ તરીકે સમાવિષ્ટ છે. રાષ્ટ્રગાનના અનાદર કરવા બદલ ત્રણ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. પરંતિ, રાષ્ટ્રગીત માટે હાલમાં આવા કોઈ કડક નિયમો નથી.
જ્યારે સંસદમાં ચર્ચા થઈ…
તાજેતરના વર્ષોમાં, વંદે માતરમનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સંસદના શિયાળુ સત્રમાં પણ આ મુદ્દા પર ગરમાગરમ ચર્ચા જોવા મળી. ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર વંદે માતરમના મહિમાને દબાવવાનો આરોપ લગાવ્યો. ભાજપનો આરોપ છે કે કોંગ્રેસે 1937માં “તુષ્ટિકરણની રાજનીતિ”ને કારણે ગીતમાંથી મુખ્ય પંક્તિઓ કાઢી નાખી હતી.
બીજી તરફ, કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે ભાજપ ઇતિહાસને ખોટી રીતે રજુ કરી રહ્યું છે અને તેણે પશ્ચિમ બંગાળની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રગીત પર ચર્ચા કરવા માટે સમય કાઢ્યો છે.
આ પણ વાંચો: એન્જિનિયર યુવરાજના મૃત્યુના બે નવા વીડિયો સામે આવ્યા, જાણો તેની અંતિમ ક્ષણોમાં શું થયું હતું.












