અમદાવાદગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલ

વલસાડ: ટેકનોલોજીનો જમાનો, ડિજિટલ તરફ વળીએ તો ઝડપભેર નોકરી મળશે: મંત્રી બલવંતસિંહ રાજપુતે મહિલા ITIની મુલાકાત લેતા કહ્યું!

14 ઓગસ્ટ 2025 અમદાવાદ: રાજ્યના ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપુતે વલસાડની ઔરંગા નદી પાસે લીલાપોર સ્થિત મહિલા આઈ.ટી.આઈ.ની મુલાકાત લીધી હતી, જેમાં ઘર બેઠા રોજગારી મળી શકે તે માટે દીકરીઓને ડ્રોનનો કોર્સ શીખવા માટે પ્રોત્સાહિત કરી તેમજ વિદ્યાર્થીઓએ બનાવેલા વિવિધ પ્રોજેક્ટનું પણ નિરીક્ષણ કરી તેઓની આવડતને બિરદાવી હતી.

ડિજિટલ તરફ વળીશું તો ઝડપભેર નોકરી મળશે: મંત્રી
મળતી માહિતી મુજબ મંત્રીએ લીલાપોર સ્થિત મહિલા આઈટીઆઈના ઇલેક્ટ્રીશિયન ટ્રેડની મુલાકાત લઈ તાલીમાર્થી વિદ્યાર્થીઓ સાથે આત્મીય વાર્તાલાપ કરી ભણવાની મજા આવે છે ને પ્રશ્ન કરી અહીં કેટલા ટ્રેડ ચાલે છે, કેટલા વિદ્યાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે અને કુલ કેટલો સ્ટાફ ફરજ બજાવે છે તેની પ્રાથમિક માહિતી મેળવી હતી. આ સાથે જ તેમણે એડિટિંગ, મેન્યુફેક્ચરિંગ અને ટેક્નિશિયન (થ્રિડી પ્રિન્ટિંગ), કોસ્મેટોલોજી, વેલ્ડર અને ફિટર ટ્રેડની મુલાકાત લઈ તાલીમાર્થીઓ સાથે પ્રેરક સંવાદ કર્યો હતો, જેમાં તેમણે દીકરીઓને ડ્રોનનો કોર્સ શીખવા માટે પ્રોત્સાહિત કરી હતી. જેથી ઘર બેઠા રોજગારી મળી શકે. રાજ્ય અને કેન્દ્ર સરકારની રોજગારલક્ષી અનેકવિધ યોજનાઓનો લાભ લેવા મંત્રીએ તાલીમાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓએ બનાવેલા વિવિધ પ્રોજેક્ટનું પણ નિરીક્ષણ કરી તેઓની આવડતને બિરદાવી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. વિદ્યાર્થીઓને મંત્રીએ જણાવ્યું કે, આજે ટેકનોલોજીનો જમાનો છે. આપણે ડિજિટલ તરફ વળીશું તો ઝડપભેર નોકરી મળી જશે. જમાના સાથે ટ્રેડમાં પણ બદલાવ લાવવો જરૂરી છે.

ભારત પાસે યુવાધન ઘણું, તેમની સ્કીલનો ઉપયોગ જરૂરી
મંત્રીએ આચાર્ય જે.ટી.પટેલ તેમજ ઇન્સ્ટ્રકટરો સાથે વાતચીત કરી તેમને મહત્વના સૂચનો કરતા જણાવ્યું કે, આઈટીઆઈમાં તમામ જગ્યા ભરાઈ તે માટે ક્યાં કોર્સની ડિમાન્ડ છે તે માટે માહિતી મેળવી સ્કીલબેઝ તાલીમાર્થીઓ તૈયાર કરવા જોઈએ. ભારત યુવા દેશ છે. યુવાધન ઘણું છે તેમની સ્કીલનો વધુમાં વધુ ઉપયોગ થઈ શકે તે માટે ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરી તેઓની જરૂરિયાત મુજબ નવા ટ્રેડ શરૂ કરવાથી અનેક યુવાનોને રોજગાર મળશે.

Back to top button