Valsad: રાજહંસ સિનેમામાં દારૂબંધીના લીરેલીરા, થિયેટરમાં જામી દારૂની મહેફિલ

Valsad News: ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવાના દાવાઓ વચ્ચે વલસાડની પ્રતિષ્ઠિત ગણાતી રાજહંસ સિનેમામાં કાયદાના લીરેલીરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. થિયેટરમાં ફિલ્મ જોવા આવેલા કેટલાક અસામાજિક તત્વો કોઈપણ પ્રકારના ડર વગર અંદર દારૂની બોટલો લઈ ગયા હતા અને ફિલ્મના શો દરમિયાન જ અંદર દારૂની મહેફિલ જામી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ વલસાડ પંથકમાં ભારે ચર્ચા જાગી છે.
જાગૃત નાગરિકે ભાંડો ફોડ્યો
આ શરમનાક ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે ત્યાં હાજર એક જાગૃત નાગરિકે આ સમગ્ર હરકત જોઈ લીધી હતી. તેમણે હિંમત દાખવીને પોતાના મોબાઈલ ફોનમાં આ દારૂની મહેફિલનો વીડિયો ઉતારી લીધો હતો. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે કેટલાક શખ્સો કાયદાની પરવા કર્યા વગર સિનેમા હોલની અંદર દારૂની બોટલો સાથે બેઠા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સુરક્ષા વ્યવસ્થા પર સવાલિયા નિશાન
રાજહંસ સિનેમા જેવી મલ્ટિપ્લેક્સમાં સામાન્ય રીતે એન્ટ્રી ગેટ પર સિક્યોરિટી ગાર્ડ્સ દ્વારા કડક ચેકિંગ કરવામાં આવતું હોય છે. ખાણી-પીણીની નાની વસ્તુઓ પણ અંદર લઈ જવા પર પ્રતિબંધ હોય છે, ત્યારે આ શખ્સો દારૂની આખી બોટલો અંદર કેવી રીતે લઈ ગયા તે એક મોટો પ્રશ્ન છે. શું સુરક્ષા કર્મીઓએ યોગ્ય ચેકિંગ કર્યું નહોતું? કે પછી જાણીજોઈને તેમને જવા દેવામાં આવ્યા?
સંચાલકોની ઉદાસીનતા
આ મામલે જ્યારે રાજહંસ સિનેમાના સંચાલકોનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે આશ્ચર્યજનક રીતે આ બાબતે પોતે અજાણ હોવાનું જણાવી પલ્લું ઝાડી દીધું હતું. સંચાલકોની આ પ્રકારની પ્રતિક્રિયાને કારણે તેમની ગંભીર બેદરકારી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ પણ વાંચો: Valsad: વિવા પેનલ કંપનીમાં લાગી ભીષણ આગ આકાશમાં ધુમાડાના ગોટેગોટા












