ગુજરાતટોપ ન્યૂઝ

Vadodara: 19 વર્ષીય વિદ્યાર્થીનો આપઘાત, આ કારણે જીવન ટૂંકાવ્યું

Vadodara Student Suicide: વડોદરા શહેરમાંથી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. આજવા રોડ વિસ્તારમાં રહેતા પોલિટેક્નિકના 19 વર્ષીય વિદ્યાર્થીએ અભ્યાસના દબાણ, નિષ્ફળતા અને માનસિક તણાવથી કંટાળી ઘરના ત્રીજા માળે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. યુવકે આ અંતિમ પગલું ભરતાં પહેલાં માતા-પિતા, નાના ભાઈ અને પોતાની માનેલી બહેન માટે ભાવુક વીડિયો બનાવ્યા હતા તેમજ 6 પાનાની સુસાઈડ નોટ લખી પોતાની અંદરની વ્યથા વ્યક્ત કરી હતી.

મૃતક કિરણ મકવાણા વડોદરાના આજવા રોડ નજીક આવેલા ચામુંડા નગર-2 વિસ્તારમાં પરિવાર સાથે રહેતો હતો અને પોલિટેક્નિક કોલેજના પ્રથમ વર્ષના બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હતો. પરિવારના જણાવ્યા મુજબ કિરણ છેલ્લા કેટલાક સમયથી માનસિક તણાવમાં રહેતો હતો. અભ્યાસમાં સફળતા ન મળતાં તે અંદરથી તૂટી ગયો હતો.

બપોરે જમ્યા બાદ રૂમમાં ગયો, સાંજે મૃત હાલતમાં મળ્યો

મળતી માહિતી મુજબ, શનિવારે બપોરે લગભગ 2 વાગ્યે કિરણ પરિવાર સાથે જમ્યો હતો. ત્યારબાદ તે ઘરના ત્રીજા માળે પોતાના રૂમમાં ગયો હતો. પરિવારજનોએ માન્યું હતું કે તે અભ્યાસ કે આરામ કરી રહ્યો હશે. દરમિયાન સાંજે લગભગ 5 વાગ્યે કિરણના નામે એક પાર્સલ આવતાં કુરિયર બોયે તેને અનેક વખત ફોન કર્યા હતા, પરંતુ કોઈ જવાબ મળ્યો નહોતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

વારંવાર ફોન વાગવા છતાં કિરણ ફોન ન ઉપાડતાં તેની માતાને શંકા ગઈ હતી. તેઓ ત્રીજા માળે તપાસ કરવા ગયાં ત્યારે રૂમનો દૃશ્ય જોઈ બુમાબૂમ મચાવી દીધી હતી. કિરણ હૂક સાથે દોરી બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોવા મળ્યો હતો. પરિવારજનો અને આસપાસના લોકો તરત જ તેને નીચે ઉતારી સારવાર માટે સયાજી હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ત્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાં બાપોદ પોલીસની ટીમ હોસ્પિટલ અને બાદમાં ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.

આપઘાત પહેલાં બનાવ્યા 3 વીડિયો

પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે કિરણે આત્મહત્યા કરતાં પહેલાં પોતાની માનેલી બહેનને ત્રણ અલગ-અલગ વીડિયો મોકલ્યા હતા. જેમાં એક વીડિયો આશરે 8 મિનિટનો, બીજો 1 મિનિટનો અને ત્રીજો 35 સેકન્ડનો હતો. વીડિયોમાં કિરણ ખૂબ જ ભાવુક અવાજમાં પોતાની અંતિમ લાગણીઓ વ્યક્ત કરતો જોવા મળે છે. તે વીડિયોમાં કહે છે કે, “મેં તને બહુ હેરાન કરી છે. મારી ભૂલોના કારણે જ આપણે દૂર થઈ ગયા હતા. હવે હું જાઉં છું. તારા જેવી બેસ્ટ બહેન કોઈ નહોતી અને ક્યારેય મળશે પણ નહીં. તું તારો ખ્યાલ રાખજે.” કિરણ વીડિયોમાં આગળ કહે છે કે, “હું બધી હિંમત હારી ગયો છું. અંદરથી સંપૂર્ણ તૂટી ગયો છું. મને એવું લાગે છે કે હું જીવતો નથી, માત્ર ભૂતની જેમ જીવન જીવી રહ્યો છું.”

માતા-પિતાને કહ્યું – ‘સોરી મમ્મી-પપ્પા’

કિરણે પોતાના અંતિમ વીડિયોમાં માતા-પિતાને પણ સંબોધ્યા હતા. તેણે કહ્યું હતું કે, “સોરી મમ્મી-પપ્પા… ખબર નથી હું આવું શા માટે કરું છું, પરંતુ આ વિચાર મારા મનમાં ઘર કરી ગયો છે. હું તમને આ હાલતમાં છોડવા નહોતો માંગતો. પપ્પા, હું અંદરથી મરી ગયો હોય તેમ લાગે છે. મારું આખું શરીર અંદરથી તૂટી રહ્યું છે.” તેના આ શબ્દો સાંભળીને પરિવારજનો સહિત વીડિયો જોનાર દરેકની આંખો ભીની થઈ ગઈ હતી.

નાના ભાઈને આપી જવાબદારી

કિરણે પોતાના ધોરણ-12માં અભ્યાસ કરતા નાના ભાઈ દેવ માટે પણ એક સંદેશ છોડ્યો હતો. વીડિયોમાં તેણે કહ્યું હતું કે, “તું મમ્મી-પપ્પાને હિંમત આપજે. તેમને દરેક ખુશી આપજે. તેમણે જીવનમાં બહુ સહન કર્યું છે. તેમની સામે ક્યારેય બોલતો નહીં. ભણવામાં ધ્યાન આપજે, સારી નોકરી કરજે અને જીવનમાં આગળ વધજે.”

6 પાનાની સુસાઈડ નોટમાં લખી અંદરની પીડા

પોલીસને સ્થળ પરથી કિરણ દ્વારા લખાયેલી 6 પાનાની સુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં તેણે જીવનમાં લીધેલા નિર્ણયો અંગે પસ્તાવો વ્યક્ત કર્યો હતો. ચિઠ્ઠીમાં તેણે લખ્યું હતું કે, “આ ભણવાનું મારાથી થતું નથી. મેં જીવનમાં દરેક નિર્ણયો ખોટા લીધા છે. શોર્ટકટ લેવા ગયો અને બધું ખરાબ થઈ ગયું. કોલેજમાં પણ નાપાસ થયો. મારે ધંધો કરવાની ઈચ્છા હતી.” તેણે માતા-પિતાને સંદેશ આપતાં લખ્યું હતું કે, “તમે અંદરોઅંદર ઝઘડો ન કરતા. શાંતિથી રહેજો અને તમારું ધ્યાન રાખજો.” ચિઠ્ઠીમાં કિરણની માનસિક હાલત, નિરાશા અને સતત વધતા દબાણની સ્પષ્ટ ઝલક જોવા મળતી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

બહેને ઘણો સમજાવવાનો પ્રયાસ કર્યો

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે વીડિયો મળ્યા બાદ તેની માનેલી બહેને કિરણને તરત ફોન કરીને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો હતો. તેણે કિરણને આ પ્રકારનું પગલું ન ભરવા માટે કહ્યું હતું, પરંતુ તે પહેલાં જ કિરણ અંતિમ પગલું ભરી ચૂક્યો હતો.

મોબાઈલ અને વીડિયો ફોરેન્સિક તપાસમાં મોકલાયા

બાપોદ પોલીસે કિરણનો મોબાઈલ, સુસાઈડ નોટ અને બહેનને મોકલેલા વીડિયો કબજે કર્યા છે. વીડિયોને ટેકનિકલ એનાલિસિસ અને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. પોલીસે આ સમગ્ર મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટનાએ ફરી એકવાર યુવાઓમાં વધતા માનસિક તણાવ, અભ્યાસના દબાણ અને નિષ્ફળતા સામે લડવાની મુશ્કેલી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

આ પણ વાંચો: આશિષ જોષી કેસમાં ન્યાયિક તપાસની માંગ સાથે કોંગ્રેસનું ઉગ્ર પ્રદર્શન, રાજ્યપાલને લોહીથી સહી કરેલું આવેદનપત્ર પાઠવ્યું

 

 

Back to top button