ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

વડોદરાની શરમજનક ઘટના, પોલીસકર્મી ખુદ બુટલેગર બની, લાખોના દારુ સાથે ઝડપાયો

વડોદરા: વડોદરામાંથી કાયદો અને વ્યવસ્થાને શરમાવે તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જનતાની સુરક્ષા અને કાયદાનું પાલન કરાવવાની જવાબદારી ધરાવતો પોલીસ કર્મચારી જ દારૂની હેરાફેરી કરતા ઝડપાયો છે. ગોધરાના ડેરોલ રેલવે પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સંજય ચુડાસમાને બુટલેગર સાથે વિદેશી દારૂની ખેપ મારતા પોલીસે ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી મુજબ, સંજય ચુડાસમા બુટલેગર વિક્રમ થાપા સાથે સુરત તરફથી દારૂનો જથ્થો લઈને વડોદરા તરફ આવી રહ્યો હતો. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રીના બંદોબસ્તમાં તૈનાત પોલીસ કાફલાને એક કાર શંકાસ્પદ લાગતા તેને રોકવામાં આવી હતી.

શંકાસ્પદ કારમાંથી રૂ. 4.60 લાખનો દારૂ મળ્યો

પોલીસે કારનું ચેકિંગ કરતાં અંદરથી આશરે રૂ. 4.60 લાખ કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે કારમાં સવાર રેલવે પોલીસ કોન્સ્ટેબલ સંજય ચુડાસમા અને બુટલેગર વિક્રમ થાપાની સ્થળ પર જ ધરપકડ કરી હતી.

પોલીસ કર્મચારી જ દારૂના જથ્થા સાથે ઝડપાતા પોલીસ વિભાગમાં પણ ચકચાર મચી ગઈ છે.

દારૂના ધંધામાં 50 ટકા ભાગીદારીનો ખુલાસો

પ્રાથમિક પૂછપરછ દરમિયાન વધુ ચોંકાવનારી વિગતો સામે આવી હોવાનું જણાવાઈ રહ્યું છે. તપાસમાં સામે આવ્યું છે કે કોન્સ્ટેબલ સંજય ચુડાસમા બુટલેગર સાથે દારૂના ધંધામાં 50 ટકા ભાગીદારી ધરાવતો હતો.

આરોપ છે કે પોલીસની નોકરી સાથે સંકળાયેલો હોવા છતાં તે બુટલેગર સાથે મળીને દારૂની હેરાફેરીના નેટવર્કમાં સક્રિય હતો.

માંદગીનું બહાનું બતાવી રજા લઈને દારૂની ખેપ મારવા નીકળ્યો

આ કેસમાં વધુ એક ગંભીર બાબત સામે આવી છે. દારૂની ખેપ મારવાના દિવસે સંજય ચુડાસમાએ પોલીસ વિભાગમાં માંદગીનું કારણ બતાવી રજા લીધી હતી. ત્યારબાદ તે બુટલેગર સાથે દારૂનો જથ્થો લઈ નીકળ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

આ સમગ્ર ઘટનાને કારણે પોલીસ વિભાગની આંતરિક દેખરેખ અને શિસ્તને લઈને પણ સવાલ ઊભા થયા છે.

કોન્સ્ટેબલ સામે કડક કાર્યવાહી શરૂ

પોલીસે બંને આરોપીઓ સામે પ્રોહિબિશન સહિત લાગુ પડતી કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો અને આ નેટવર્કમાં અન્ય કોણ-કોણ સામેલ છે તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ખાખી વર્દીધારી પોલીસ કર્મચારી જ બુટલેગર સાથે મળીને દારૂની હેરાફેરીમાં ઝડપાતા આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો: ભોપાલમાં વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન, હવે Gen Alpha રસ્તા પર ઉતરી જોરદાર વિરોધ કર્યો

Back to top button