ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

વડોદરા: જ્વેલરી શો રુમમાં બની ઠનીને આવેલી મહિલા ચોરી કરતા પકડાઈ, પછી માફી માગી

વડોદરા: શહેરના પોશ ગણાતા રેસકોર્સ વિસ્તારમાં એક જાણીતા જ્વેલરી શો રૂમમાં ખરીદીના બહાને આવેલી હાઈ પ્રોફાઇલ દેખાતી મહિલાએ લાખો રૂપિયાના કિંમતી દાગીના ચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. જોકે, શોરૂમના સ્ટાફની સતર્કતાના કારણે મહિલાનો ભાંડો ફૂટી જતાં તેને રંગેહાથ પકડી પાડવામાં આવી હતી.

મહિલા પકડાઈ જતા તેને પગે પડીને માફી માંગી હતી. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ મહિલાને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી, પરંતુ શો રૂમ સંચાલકોએ આ મામલે કોઈ પોલીસ ફરિયાદ કરી નહોતી. મહિલા ગ્રાહક બનીને શો રૂમમાં પ્રવેશી હતી અને સોના તથા ડાયમંડના દાગીના જોવા માંગ્યા હતા. દાગીના નિહાળતી વખતે તેણે પોતાની વાતોમાં સ્ટાફને વ્યસ્ત રાખવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સ્ટાફની નજર ચૂકવી મહિલાએ એક કિંમતી ગોલ્ડ-ડાયમંડની ઈયરરિંગ્સ તથા ફિંગર રિંગ પોતાના મોઢામાં છુપાવી દીધી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

જોકે, મહિલાની હિલચાલ પર સ્ટાફને શંકા જતાં દાગીનાની ફરી ગણતરી કરવામાં આવી હતી. તેમાં કેટલીક વસ્તુઓ ગાયબ હોવાનું જણાતા સ્ટાફે મહિલાની પૂછપરછ શરૂ કરી હતી. સ્ટાફની સતર્કતા અને કડકાઈ સામે મહિલા ગભરાઈ જતાં તેના મોઢામાંથી ચોરી કરાયેલા દાગીના મળી આવ્યા હતા. આ રીતે લાખો રૂપિયાના દાગીનાની ચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો.

ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મહિલાની અટકાયત કરી હતી. પ્રાથમિક તપાસમાં મહિલા દ્વારા અગાઉ પણ અન્ય મોટા જ્વેલરી શોરૂમોને નિશાન બનાવવામાં આવ્યા હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

Back to top button