ગુજરાતટોપ ન્યૂઝ

વડોદરામાં 5 વર્ષની બાળકીનો અપહરણ બાદ નર્મદા કેનાલમાંથી મળ્યો મૃતદેહ, આરોપી ઝડપાયો

Vadodara Girl Murder Case: વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સતીષાણા ગામમાં પાંચ વર્ષની માસૂમ બાળકીના અપહરણ અને હત્યાની હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી દીધું છે. ત્રણ દિવસથી ગુમ થયેલી બાળકીનો મૃતદેહ નર્મદા કેનાલમાંથી મળી આવતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, જ્યારે ગામમાં પણ ભારે આક્રોશ ફેલાયો છે. પોલીસે ઝડપી તપાસ હાથ ધરીને આરોપીની ધરપકડ કરી લીધી છે.

મળતી માહિતી મુજબ, સતીષાણા ગામમાં રહેતા શ્રમિક પરિવારની પાંચ વર્ષની દીકરી 14 જૂનની રાત્રે પોતાના ઘરના ઓટલા પર ખાટલામાં સૂતી હતી. મધરાત બાદ કોઈ અજાણ્યા શખ્સે બાળકીને લલચાવી અથવા અન્ય કોઈ રીતે ત્યાંથી લઈ જઈ તેનું અપહરણ કર્યું હતું. સવારે પરિવારજનો જાગ્યા ત્યારે બાળકી ગાયબ હોવાનું જણાતા તાત્કાલિક શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

પરિવારે પોલીસને જાણ કરતાં શિનોર પોલીસ સહિત જિલ્લા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. બાળકીની શોધ માટે વિવિધ ટીમો તૈનાત કરવામાં આવી હતી. ડોગ સ્ક્વોડ, ટેક્નિકલ સર્વેલન્સ અને સ્થાનિક સૂત્રોની મદદથી તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો હતો. ત્રણ દિવસ સુધી સતત ચાલેલી શોધખોળ દરમિયાન બુધવારે વણીયાદ નજીકની નર્મદા કેનાલમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

મૃતદેહ મળતાં જ પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં અપહરણ બાદ હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે બાળકી સાથે કોઈ પ્રકારની છેડછાડ થઈ હતી કે નહીં તેમજ હત્યા પાછળનું ચોક્કસ કારણ શું હતું તે અંગેનો ખુલાસો પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને આગળની તપાસ બાદ જ થશે.

આ સમગ્ર કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં મહત્વની સફળતા મેળવી હતી. તપાસ દરમિયાન મળેલા પુરાવા અને માહિતીના આધારે 26 વર્ષીય અજય લક્ષ્મણભાઈ રાઠોડીયાની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની પૂછપરછ ચાલુ છે અને પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટનાએ માત્ર સતીષાણા ગામ જ નહીં પરંતુ સમગ્ર જિલ્લામાં ચિંતા અને શોકનું વાતાવરણ ઊભું કર્યું છે. માસૂમ બાળકીના મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, જ્યારે ગ્રામજનો આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ ઉઠાવી રહ્યા છે.

આ પણ વાંચો: વર્સેલ્સનો મહેલ ફરી ચર્ચામાં: જ્યાં ટ્રમ્પે કરાર કર્યો, ત્યાંથી જ બીજા વિશ્વયુદ્ધનો પાયો નાખાયો હતો

 

Back to top button