ભરૂચની જામા મસ્જિદમાં મહિલાઓએ પૂજા કરતા હોબાળો: મુસ્લિમ સમાજે વિરોધ નોંધાવ્યો, તણાવનું વાતાવરણ સર્જાયું

Bharuch News: ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદમાં કેટલીક મહિલાઓ દ્વારા મસ્જિદની અંદર ફૂલ, શ્રીફળ અને પ્રસાદ સાથે પૂજા કરવામાં આવી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટનાને કારણે શહેરમાં તણાવનું વાતાવરણ ઊભું થયું છે અને મુસ્લિમ સમાજમાં આ ઘટના સામે ભારે આક્રોશ જોવા મળ્યો છે. વાયરલ વિડીયોમાં મહિલાઓ મસ્જિદની અંદર પૂજા કરતી અને વિવિધ ધાર્મિક ક્રિયાઓ કરતી નજરે પડે છે. મુસ્લિમ સમાજે આ કૃત્યને અપમાનજનક ઠેરવીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લીંક પર ક્લીક કરો
ભરૂચ શહેરની મધ્યમાં આવેલી જામા મસ્જિદ હાલમાં પુરાતત્વ વિભાગના સંરક્ષણ હેઠળ છે. તંત્રના અનુસાર, આ સ્થળે રક્ષણાત્મક નિયમો લાગુ છે, છતાં છેલ્લા કેટલાક વર્ષોમાં મસ્જિદની અંદર નિયમો વિરુદ્ધ પ્રવૃત્તિઓની ફરિયાદો ઉઠવા પામી છે. ઘટનાના વિરોધમાં જામા મસ્જિદ ખાતે ટ્રસ્ટીઓ અને મુસ્લિમ આગેવાનો એકઠા થયા હતા. તેમણે જણાવ્યું કે આ સ્થળ ઇસ્લામિક ધાર્મિક પરંપરાઓ મુજબ સંચાલિત થાય છે, તેથી અન્ય ધાર્મિક ક્રિયાઓ યોગ્ય નથી અને ધાર્મિક સ્થળની પરંપરાઓનું પાલન થવું જોઈએ. ટ્રસ્ટીઓએ તંત્રને કાર્યવાહી માટે અપીલ કરી છે અને મુસ્લિમ સમાજને શાંતિ જાળવવા માટે અનુરોધ કર્યો છે.
બીજી તરફ, સંત સમાજનો દાવો છે કે આ સ્થળ મૂળ “સમળી વિહાર” જૈન મંદિર અને ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હતું. તેઓ અગાઉ પણ આ દાવા માટે ઉપવાસ આંદોલન કરી ચુક્યા છે. સંત સમિતિ દ્વારા આ દાવા પુનરાવર્તિત કરવામાં આવ્યા છે.











