મુંબઈ મહાપાલિકામાં પરાજય બાદ ઉદ્ધવ ઠાકરેની ગર્જના: ‘ચિન્હ ગયું છે, શિવસેના નહીં’

મહારાષ્ટ્રઃ 17 જાન્યુઆરી, 2026: મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને ખાસ કરીને બીએમસી (BMC)માં થયેલા પરાજય બાદ શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ભાજપ અને શિંદે જૂથ પર આકરા પ્રહારો કર્યા છે. નવ-નિર્વાચિત નગરસેવકોને સંબોધતા તેમણે માત્ર હારના કારણો પર જ ચર્ચા નથી કરી, પરંતુ મહાયુતિ સરકારને પણ આડે હાથ લીધી હતી
‘કાર્યકરો જ અસલી વાસ્તુકાર‘
ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે, તાજેતરની ચૂંટણીમાં મળેલી સફળતા કોઈ એક ચહેરાને કારણે નથી, પરંતુ તે પાયાના કાર્યકરોની મહેનતનું પરિણામ છે જેમણે કપરા સમયમાં પણ પક્ષનો સાથ છોડ્યો નથી. તેમણે ભાવુક થતા કહ્યું, “હું તો માત્ર એક ચહેરો છું, અસલી વાસ્તુકાર તો એ લોકો છે જેઓ ગલી-મહોલ્લામાં પક્ષ માટે અડીખમ ઊભા રહ્યા.”
‘ચિન્હ છીનવ્યું પણ શિવસેનાને નહીં મિટાવી શકો‘
ભાજપ પર સીધો નિશાન સાધતા ઠાકરેએ સ્વીકાર્યું કે, આ સંઘર્ષ ખૂબ જ મુશ્કેલ હતો, કારણ કે સત્તા, સંસાધનો અને સંસ્થાઓ તેમની વિરુદ્ધ હતી. તેમણે કહ્યું કે વિરોધીઓ એવું વિચારે છે કે કાગળ પરથી નામ અને ચૂંટણી ચિન્હ છીનવી લેવાથી શિવસેના ખતમ થઈ જશે, પરંતુ “માટી સાથે જોડાયેલી શિવસેના” ને કોઈ સમાપ્ત કરી શકશે નહીં.
‘પૈસા અને સત્તા વિરુદ્ધ નિષ્ઠાની લડાઈ‘
તેમણે આરોપ લગાવ્યો કે સત્તાધારી પક્ષે ‘શક્તિ, પૈસા અને ધમકી’ દ્વારા લોકોને તોડવાનો પ્રયાસ કર્યો છે. ઉદ્ધવના મતે, જે લોકો પક્ષ છોડીને ગયા છે તેઓ ભલે સત્તા સાથે હોય, પરંતુ સાચા શિવસૈનિકોની નિષ્ઠા આજે પણ અડગ છે અને તેને ખરીદી શકાતી નથી.
‘મુંબઈને ગીરો મૂકવાનું પાપ‘
ભવિષ્યના મનસૂબા જાહેર કરતા ઠાકરેએ મુંબઈમાં ફરી પોતાની પાર્ટીનો મેયર બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી. તેમણે પક્ષપલટો કરનારા નેતાઓ પર પ્રહાર કરતા કહ્યું કે, તેમણે વિશ્વાસઘાત કરીને “મુંબઈને બહારની શક્તિઓના હાથમાં ગીરો” મૂકી દીધું છે, જેને મરાઠી જનતા ક્યારેય માફ નહીં કરે.
સંબોધનના અંતે તેમણે કાર્યકરોમાં જોશ પૂરતા કહ્યું, “તેમની પાસે માત્ર પૈસા છે, જ્યારે આપણી પાસે દિલ અને જઝબો છે.” તેમણે એકજૂથ રહેવાની અપીલ કરતા સ્પષ્ટ કર્યું કે આ લડાઈ હજુ પૂરી થઈ નથી.












