અમદાવાદગુજરાત

અમદાવાદમાં ભાવ આસમાને પહોંચતા બે શખ્સોએ લસણ ભરેલા 14 કોથળા ચોરી લીધા

Text To Speech

અમદાવાદ, 5 ફેબ્રુઆરી 2024, ગુજરાતમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચી રહ્યાં છે. દિવસે દિવસે મોંઘવારી વધી રહી છે. ત્યારે સુકા લસણના ભાવમાં ભડકો થવાથી ચોરોએ લસણ ચોર્યું હોવાની ઘટના અમદાવાદમાં બની છે. શહેરના વાસણા વિસ્તારમાં અજાણ્યા શખ્સો ધોળે દિવસે લસણના 14 કોથળા ઉપાડીને ફરાર થઈ ગયાં હતાં. વેપારીએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને બે અજાણ્યા શખ્સો સામે લસણની ચોરીની ફરિયાદ નોંધાવી છે.

મધ્ય પ્રદેશથી લસણની 105 બોરીઓ ખરીદી હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે અજાણ્યા શખ્સો અમદાવાદમાં વિશાલા સર્કલ પાસે આવેલી APCMમાં લસણના વેપારીને નિશાન બનાવીને ત્યાંથી 140 કિલો લસણના 14 કોથળા ચોરીને રવાના થઈ ગયા હતા. વાસણાના ગોવિંદ સાવંસાએ વેજલપુર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ડુંગળી અને લસણનો હોલસેલ વેપાર કરે છે. શનિવારે સવારે તેમણે મધ્ય પ્રદેશથી લસણની 105 બોરીઓ ખરીદી હતી. શનિવારે રાત્રે સાવંસાને લસણની બોરીઓ જમાલપુર માર્કેટમાં લઈ જવાની હતી તેમના કર્મચારીઓ રિક્ષામાં બોરીઓ ભરીને જતા હતા ત્યારે તેને 14 બોરી ગાયબ જોવા મળી હતી. એપીએમસીના સૂત્રોએ જણાવ્યું હતું કે છૂટક બજારમાં લસણના જથ્થાબંધ ભાવ 450થી 500 રૂપિયા પ્રતિ કિલોની વચ્ચે છે.

વેજલપુર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી
સાવંસાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમણે APMCમાં પોતાની દુકાનની આસપાસ લસણની બોરીઓ શોધવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મળી નહોતી. તેમણે બાદમાં CCTV ફૂટેજ ચેક કરતાં જાણવા મળ્યું હતું કે, શનિવારે સાંજે સાડા છ વાગ્યે બે શખ્સોએ ચોરી કરી હતી. સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું હતું કે એપીએમસીમાં તેમની દુકાન પર બે શખ્સો આવ્યા લસણની 14 બોરીઓ ઉપાડીને એક રિક્ષાની અંદર મૂકી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ફરિયાદી સાવંસાએ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો અને બાદમાં બે અજાણ્યા શખ્સો સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. વેજલપુર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચોઃરાજકોટમાં ચાર દિવસથી ધરણાં પર બેઠેલા વિદ્યુત સહાયકની ભરતીના ઉમેદવારોની અટકાયત

Back to top button