વડોદરામાં અડધી રાત્રે મહિલા મિત્રને મળવા જવું આ ભાજપ નેતાને ભારે પડ્યું!, જુઓ વીડિયો

વડોદરા, 17 ઓગસ્ટ 2025: વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સાધી ગામે મોડી રાત્રે ચોર ઘૂસ્યાની ચર્ચાએ જોર પકડતાં ગ્રામજનો એકત્ર થયા હતા. આ દરમિયાન એક વ્યક્તિ ધાબળો ઓઢીને લપાઈ-લપાઈને ભાગતો નજરે પડ્યો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. આ વ્યક્તિ બીજું કોઈ નહીં, પરંતુ પાદરા APMCના પૂર્વ ચેરમેન અને ભાજપના ધારાસભ્યના ભાઈ ભાસ્કર પટેલ હોવાનું સામે આવ્યું, જેના કારણે ગામમાં ચકચાર મચી ગઈ.
ઘટના મોડી રાત્રે બની, જ્યારે સાધી ગામની એક ક્લિનિકમાં અસામાન્ય હલચલ જોવા મળી. સામાન્ય રીતે સાંજે બંધ થઈ જતી આ ક્લિનિકમાં મધરાતે હલચલ થતાં ગ્રામજનોને ચોરની શંકા જાગી. ગ્રામજનોએ પોલીસને જાણ કરી, અને સ્થળ પર તપાસ કરતાં જાણવા મળ્યું કે ભાસ્કર પટેલ લગ્નેત્તર સંબંધ ધરાવતી એક મહિલાને મળવા માટે આ ક્લિનિકમાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી તપાસ કરી, પરંતુ ગ્રામજનો એકત્ર રહ્યા.
વહેલી સવારે ભાસ્કર પટેલ ધાબળો ઓઢીને ચોરની જેમ લપાઈ-લપાઈને ભાગવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા. ગ્રામજનોએ તેમને પકડીને ધાબળો ખેંચતાં તેમની ઓળખ ખુલી. આ દરમિયાન, ભાસ્કર પટેલ ભાજપના ધારાસભ્યના ભાઈની ફોર્ચ્યુનર કારમાં બેસીને નાસી ગયા. આ ઘટનાનો વીડિયો ગ્રામજનોએ ઉતાર્યો, જે સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો.
આ ઘટનાએ રાજકારણમાં સ્વચ્છ છબી ધરાવનારા નેતાઓના વર્તન પર સવાલો ઉભા કર્યા છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે રાજકીય અગ્રણી હોવા છતાં ભાસ્કર પટેલ રાત્રે આવા વિવાદાસ્પદ સંજોગોમાં જોવા મળ્યા. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.
આ પણ વાંચો: અમરેલી જિલ્લાની શેત્રુંજી નદીમાં સિઝનનું પ્રથમ પૂર, ખેડૂતોમાં ખુશીનો માહોલ












